• શનિવાર, 11 એપ્રિલ, 2026

લોરિયા નજીક ટ્રેઈલર હડફેટે પરપ્રાંતીય યુવકનું મોત

ભુજ, તા. 10 : તાલુકાના લોરિયા નજીક ટ્રેઈલર હડફેટે દિનમામદ બાબુખાન બલોચ (ઉ.વ. 20) નામના મૂળ રાજસ્થાનના યુવાનનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. બીજીતરફ, કંડલાની ખત્રી કોલોનીમાં પોતાના ઘરે ફીટ આવતાં સીડી પરથી પડી જતાં મહેક અસગર સંઘાર (ઉ.વ. 15) નામની કિશોરીએ જીવ ખોયો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી યુવાન દિનમામદ બોલેરો કેમ્પરમાં હાજીપીરથી ભુજ તરફ આવતો હતો, ત્યારે લોરિયા ચેકપોસ્ટ નજીક પહોંચતાં ટ્રેઈલરે ટક્કર મારતાં આ યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે માધાપર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે. તો, કંડલાની ખત્રી કોલોનીમાં રહેનારી હતભાગી મહેક પોતાના ઘરે હતી. દરમ્યાન તેને ફીટ આવતાં તે સીડી પરથી પડી હતી, જેમાં તેના ગળામાં દુપટ્ટો આવી જતાં તેમજ માથામાં ઇજાઓ થતાં આ કિશોરીને  સ્થાનિકે સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd