મુંબઇ, તા. 10 : દેશમાં વધતા ડિજિટલ છેતરપિંડીના
અપરાધો રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) તૈયાર કરી રહી છે. આવનારા સમયમાં 10 હજારથી વધુનાં ઓનલાઇન પેમેન્ટ
તરત નહીં થાય. આવા ઓનલાઇન વ્યવહાર એક કલાક સુધી રોકી રખાશે. આમ કરવાથી ગ્રાહકોને ખોટી લેવડદેવડ રોકવા કે રદ કરવાનો મોકો મળશે. રિઝર્વ
બેન્કનું માનવું છે કે, ડિજિટલ છેતરપિંડી
કરીને `ઓનલાઇન લૂંટ' ચલાવનારાં તત્ત્વો મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરીને
ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોય છે. હવે 10 હજાર રૂપિયાથી વધારે પૈસા કોઇને
પણ ઓનલાઇન ચૂકવતી વખતે આવાં પેમેન્ટ એક કલાકના સમયગાળા સુધી અટકાવી રખાતાં ઉતાવળનું
દબાણ ઘટાડવામાં મદદ મળશે. અત્યારે મોટાભાગના ડિજિટલ પેમેન્ટ તરત થઇ જાય છે, જેનાં કારણે લોકોને વિચારવાનો કે પોતે કરેલી
ભૂલ સુધારવાનો મોકો નથી મળતો. વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ) માટે `ટ્રસ્ટેડ પર્સન' સુવિધા હેઠળ 70 વર્ષથી વધારે વયના વડીલો અને
દિવ્યાંગો માટે સુરક્ષા કવચ પૂરું પાડવાની પણ આરબીઆઇની તૈયારી છે. આ સુવિધા હેઠળ 50 હજાર રૂપિયાથી વધુ રકમનાં પેમેન્ટ
માટે `ટ્રસ્ટેડ પર્સન' એટલે કે, ભરોસાપાત્ર વ્યક્તિની
મંજૂરી જરૂરી રહેશે. આ પહેલ છેતરપિંડી સામે સુરક્ષાનાં બીજાં સ્તરની જેમ કામ કરશે.
જો વડીલ નાગરિકોને કોઇ એવી વ્યક્તિને પૈસા ઓનલાઇન મોકલી રહ્યા છે, જેમને જાણે કે સારી રીતે ઓળખે છે, તેમને વ્હાઇટલિસ્ટમાં
સામેલ કરી શકાશે. આ `વ્હાઇટલિસ્ટ' સુવિધા તમામ વયના લોકો માટે લાગુ રહેશે. આવી
યાદીમાં સામેલ લોકોને ઓનલાઇન પેમેન્ટ માટે એક કલાકનો વિલંબ થશે નહીં. એ સિવાય રિઝર્વ
બેન્કે એક `િક્લસ્વિચ'નું પણ સૂચન કર્યું છે. જો કોઇ ગ્રાહકને લાગે
છે કે, તેનું એકાઉન્ટ હેક થઇ ગયું છે અથવા કોઇ ખોટી જગ્યા ખોટી
વ્યક્તિને પેમેન્ટ થઇ રહ્યું છે તો માત્ર એક ક્લિકથી તમામ ડિજિટલ પેમેન્ટ રોકી શકાશે.