ઈસ્લામાબાદ, તા. 10 : ઈરાન અને
અમેરિકા વચ્ચે બે સપ્તાહનાં યુદ્ધવિરામની ગંભીરતા સામે ગંભીર સવાલો ઊભા કરતાં સામસામા
હુમલાઓ અને ચીમકીભર્યાં નિવેદનો વચ્ચે આવતીકાલે
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બંને પક્ષ વચ્ચે આ યુદ્ધવિરામની પહેલી કસોટી સમાન
શાંતિ મંત્રણા યોજાવાની છે, જેના પર દુનિયાભરની
મીટ મંડાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના થઈ ગયા છે.
જો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપતાં
કહ્યું છે કે, અમે જહાજોને હથિયારોથી સજ્જ કરીએ છીએ. મંત્રણા
નિષ્ફળ જશે, તો ઉપયોગ કરશું, પણ મંત્રણા
પૂર્વે ઈરાને એવી શરતો મૂકી છે કે, લેબેનોનમાં પણ યુદ્ધવિરામ
લાગુ થાય અને અમારા તમામ ફંડ અને વિદેશમાંની મિલકતો ફરી ખુલ્લી કરવામાં આવે. ઈરાન દ્વારા
મંત્રણાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આનાં માટે ઈસ્લામાબાદને લોખંડી સુરક્ષા
બંદોબસ્તથી લોકડાઉન કરી નાખવામાં આવ્યું છે, તેમાં પણ જ્યાં આ
વાટાઘાટો યોજાનાર છે તે સેરેના હોટલની ફરતે ત્રણ કિ.મી.નાં વિસ્તારની નાકાબંધી કરી
લેવામાં આવી છે અને ચકલું પણ ફરકે નહીં તેવી સજ્જડ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે.
બીજીબાજુ લેબનોનમાં યુદ્ધવિરામ મુદ્દે વાટાઘાટ છેલ્લી ઘડીને ઘોંચમાં પડવાની આશંકા છે.
ઈઝરાયલે લેબનોનને યુદ્ધવિરામમાંથી બાકાત ગણાવ્યું છે, તો આ મુદ્દે
જ ઈરાન તરફથી શાંતિમંત્રણામાં જોડાવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. જેને પગલે તેને
મનાવવા માટેના છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં યોજાનારી આ બેઠક ઉપર
આખી દુનિયાની મીટ મંડાયેલી છે અને તેનાં નિષ્કર્ષને લઈને અત્યારથી બેચેની અને તનાવ
જોવા મળી રહ્યો છે. ઈસ્લામાબાદને રેડઝોનમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને બે દિવસની
જાહેર રજા ઘોષિત કરી દેવામાં આવી છે. બુધવારે સાંજે જ સેરેના હોટેલને આ વાટાઘાટ માટે
ખાલી કરાવી લેવામાં આવી હતી. જો કે, આવતીકાલ સવારથી શરૂ થનારી
આ શાંતિ મંત્રણા પ્રત્યક્ષ રહેવાની નથી. એટલે કે, બંને પક્ષનાં
પ્રતિનિધિઓ અલગ-અલગ રૂમમાં બેસીને પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પાકિસ્તાન
બંને પક્ષ વચ્ચે સંદેશાવાહકની ભૂમિકા ભજવશે.
અમેરિકાના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ કરવાના છે.
આ સીવાય તેમની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં શીર્ષ દૂત સ્વીવ વિટકોફ અને ટ્રમ્પના
જમાઈ જેરેડ કુશનર સામેલ થશે. આ ઉપરાંત અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના એડમિરલ બ્રેડ કૂપર
પણ પાકિસ્તાનમાં આ વાર્તાલાપમાં જોડાય તેવી શક્યતા છે. ઈરાની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ
સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરશે. જો કે,
તેઓ આ વાટાઘાટમાં જોડાશે કે નહીં તે હજી અનિશ્ચિત છે. ઈઝરાયલે લેબનોનમાં
યુદ્ધવિરામ નકારી દીધો હોવાના કારણે ઈરાની પક્ષ આ વાટાઘાટમાં જોડાવા ઈનકાર કરી રહ્યો
છે. ઈરાનને મનાવવાનાં છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા છે. ઈરાની પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન
પહોંચ્યું છે કે નહીં તે પણ હજી સુધી અસ્પષ્ટ છે. પાક.ના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ
આ વાટાઘાટનાં યજમાન રહેશે અને ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ઈશાક ડાર પણ વાતચીતમાં
જોડાશે. સેના પ્રમુખ આસીમ મુનીરની ભૂમિકા હજી આમાં સ્પષ્ટ નથી. જો કે, તેમની ઈચ્છા વગર પાક.માં પાંદડું પણ ખસે નહીં તે સૌ જાણે છે.