• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

રાસાયણિક ખાતર મુદ્દે વાગડનો કિસાન આકરાં પાણીએ

રાપર, તા. 31 : આગોતરા વરસાદને પગલે  રાપર તાલુકામાં ખરીફ પાકનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. કેનાલ પણ ચાલુ હોવાથી પાણીની પૂરતાં પ્રમાણમાં સગવડ ધરાવતાં રાપર તાલુકામાં હાલમાં રાબેતા મુજબ રાસાયણિક ખાતર યુરિયા અને ડીએપી એકપણ મંડળીમાં ઉપલબ્ધ ન હોવાથી વાગડનો ખેડૂત મુંઝાયો છે. આ મામલે આજે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ હતું. ખાતર માટે ખરીદી કે પુછપરછ કરાતા હાલમાં ખાતર ઉપલબ્ધ ન હોવાનું કહી ખાતરનો જથ્થો ક્યારે આવશે તે પણ નક્કી ન હોવાનું કહી મંડળીઓ, ખેડૂતોની ચિંતા વધારી રહી છે. ખેડૂત દરરોજ ખાતર માટે ધક્કા ખાય છે, પણ ખાતર મળતું નથી, જેથી મોંઘું બિયારણ નાખીને ઊભો કરેલો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. જો ખાતર એક બે દિવસમાં મળે, તો જ પાક બચાવી શકાય તેમ છે. ખેડૂતોની ધીરજ પણ હવે ખૂટી છે. તાત્કાલિક નિર્ણય લઈ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માગણી કરતું એક આવેદનપત્ર ભારતીય કિસાન સંઘની રાપર તાલુકા શાખા દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું, જેમાં તાત્કાલિક ખાતર નહીં મળે તો ખેડૂતો દ્વારા ખેતરો છોડીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વાગડમાં દર વર્ષે જરૂરિયાતના સમયે જ રાસાયણિક ખાતરની અછત સર્જાતી હોય છે, જેનો ગેરલાભ કાળાબજારિયાઓ અને ભેળસેળ કે નકલી ખાતર વેચવા વાળાઓ લેતા હોય છે અને પરિણામે તેનો ભોગ ખેડૂતો બનતા હોય છે. ઘણીવાર નકલી ખાતરથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવે છે. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના રાપર તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડા, મંત્રી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ બીજલભાઈ સવાભાઈ આહીર, જિલ્લાના સદસ્યો કરસનભાઈ, કરમશીભાઈ સહિત સમગ્ર તાલુકાની ટીમ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd