• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભુજ તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગ્રામસેવક લાંચ લેતા ઝડપાયો

ભુજ, તા. 31 : ભુજ તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના કરાર આધારીત ટેકનિકલ આસિસ્ટન્ટ વિશાલ ભરતભાઇ જોશીએ  અરજી સહાય બાબતની ટેકનિકલ કાર્યવાહી કરી આપવા માટે રૂા. 40 હજારની લાંચ માંગી હતી અને આ લાંચની રકમ બાબતે ગ્રામસેવક દર્શન વિષ્ણુભાઇ પટેલને મળવા જણાવતાં લાંચ છટકામાં ગ્રામસેવક દર્શન રંગેહાથ ઝડપાયો હતો, જ્યારે  સહઆરોપી વિશાલ હાજર મળ્યો ન હતો. આ ચકચારી લાંચના બનાવની લાંચ-રૂશ્વત વિરોધી શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદીએ  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબંધીઓનાં મકાન બનાવવા મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી. આ સહાય બાબતે ભુજ તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારીત) વિશાલ ભરતભાઇ જોશીને ફરિયાદી રૂબરૂ મળતા તેણે આ સહાય માટે જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા માટે રૂા. 40 હજારની ગેરકાયદેસરની લાંચની માગણી કરી હતી અને આ લાંચની રકમ બાબતે ભુજ તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ગ્રામસેવક દર્શન વિષ્ણુભાઇ પટેલને મળી લેવા જણાવ્યું હતું. આ ગેરકાયદે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીને  સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. આથી લાંચ-રૂશ્વત વિરોધી શાખા (એસીબી)એ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ વિશાલને  ફોન કરી જણાવ્યું કે, તે દર્શનને રકમ આપી દેશે. છટકાં મુજબ આ બાદ ફરિયાદી દર્શનને રૂબરૂ મળી રૂા. 40 હજાર આરોપી વિશાલ વતી માંગી, સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ભુજ એસીબીના પી.આઇ. એલ.એમ. ચૌધરી આ છટકાંના અધિકારી રહ્યા હતા. તેઓ તથા તેમના સ્ટાફે ગોઠવેલું આ છટકું સફળ રહ્યું હતું. છટકાંમાં દર્શન પટેલ ઝડપાયો હતો, જ્યારે  વિશાલ જોશી હાજર મળ્યો ન હતો. બંને આરોપી વિરુદ્ધ લાંચ સંબંધિત ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે એક કરતાં વધુ વખત થતો હોવાથી આવા પલળેલા અધિકારીઓને ગેરકાયદે લાંચ માટે પ્રોત્સાહન મળતું હોવાની રાવ સરપંચો તરફથી આવી છે. એક વખત, બે વખત પણ ત્રણ-ત્રણ વખત સર્વે કેટલું વાજબી છે તેવા સવાલો સરપંચો તરફથી ઊઠયા છે અને આવી લાંચની ગેરરીતિ માટે પણ આવા એક કરતા વધુ સર્વે પણ જવાબદાર હોવાના આરોપ થયા છે. બીજી તરફ આજના આ લાંચનાં છટકાં પૂર્વે બે-ત્રણ દિવસ પહેલા સરહદી વિસ્તારના એક આગેવાન તેમના નાના જૂથ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના અંદાજિત 240 મકાન મંજૂર થતા ફાઇલની અધૂરાશો તથા સહાયના હપ્તા માટે ગ્રામસેવક દર્શન પટેલને મળતા તેમણે ફાઇલો પર સહી કરવાનો નનૈયો ભણી તોછડું વર્તન કરી ફાઇલો મોઢાં પર ફેંકી દેતાં આ અગ્રણીએ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસને લેખિત રજૂઆત પણ કરી હતી. 

Panchang

dd