ભુજ, તા. 31 : કચ્છના ચાઇનાક્લે ઉદ્યોગમાં
કેટલાક પ્રશ્નો અને વહીવટી સરળતાના હેતુ સાથે કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિયેશન દ્વારા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્નોની ચર્ચા અને તેમના નિરાકરણ માટેની
રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ અને ધવલભાઇ આચાર્ય
સાથે રહી એસોસિયેશનના પ્રમુખ ગોકુલભાઇ ડાંગરની આગેવાનીમાં હોદ્દેદારોએ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલને ચાઇનાક્લે ઉદ્યોગમાં ખાણની મંજૂરી માટે મહત્ત્વની જરૂરિયાત ઇ.સી.ની
વહીવટી પ્રક્રિયા સરળ કરવા એટલે કે કલ્સ્ટરની પ્રક્રિયા દૂર કરી ઝડપથી ઇ.સી. મળે તે
માટેની રજૂઆત કરવામાં આવી હતી. ચાઇનાક્લેની બાયપ્રોડક્ટ કહી શકાય તેવી સિલિકા સેન્ડનો
હાલમાં એચ.એસ.એન. કોડ નહીં હોતાં સિલિકાની નિકાસ થઇ શકતી નથી જેના કારણે સિલિકાના યોગ્ય
ભાવ પણ મળતા નથી અને વેસ્ટ રૂપે ફેંકવી પડે છે પરંતુ નિકાસ માટેના એચ.એસ.એન. કોડ મળે
તો મોટા પ્રમાણમાં ઝડપ લાવી શકાય તેમ છે અને વેસ્ટ સિલિકાનો મોટો ઉપયોગ થઇ શકે તેમ
છે. મુખ્યમંત્રીએ નિરાકરણ માટેની ખાતરી આપી હતી અને એચ.એસ.એન. કોડ માટે કેન્દ્ર લેવલે
પણ ભલામણ કરી પ્રશ્નોનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. મુખ્યમંત્રી અને મુલાકાત કર્યા
બાદ ખાણ-ખનિજને સંલગ્ન વિભાગના અધિકારીઓને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની ટેલીફોનિક
ચર્ચા બાદ તેમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કચ્છ જિલ્લા ચાઇનાક્લે
એસોસિયેશનના પ્રમુખ શ્રી ડાંગર, ઉપપ્રમુખ
શામજીભાઇ ઢીલા, શિવજીભાઇ બરાડિયા, ભરતભાઇ
ડાંગર, સહમંત્રી દીપક ડાંગર, આગેવાનો પૂનમભાઇ
મકવાણા, અરજણભાઇ છાંગા, શિવજીભાઇ પટેલ,
કાનજીભાઇ જાટિયા, મહેશભાઇ ઠક્કર વગેરે જોડાયા હતા.
ખાણ-ખનિજના કમિશનર ધવલ પટેલને વહીવટમાં ઝડપ થાય અને સિલિકાના એચ.એસ.એન. કોડ મળે તે
માટે રજૂઆત કરી હતી અને તેમના દ્વારા હકારાત્મક અભિગમ અપનાવાશે તેવી ખાતરી આપી હતી.
વિભાગના મુખ્યસચિવ મમતા વર્માને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ખાતાકીય મંજૂરી પ્રક્રિયા માટે અરજી કરવામાં આવે છે. તેમાં ઝડપથી થાય તો નવી
ખાણો શરૂ થવાથી ઉદ્યોગમાં વિકાસ થાય અને કચ્છના લોકોને વધુ રોજગારી મળી રહે ત્યારે
મમતા વર્મા મેડમે પણ ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપી કચ્છના લોકોને પ્રક્રિયામાં હેરાનગતિ
ન થાય તે માટેની પ્રક્રિયામાં ઝડપ લાવવા ખાતરી આપી હતી. દરમ્યાન, ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ, પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા
સમક્ષ પણ રજૂઆત કરાઇ હતી.