નવી દિલ્હી, તા. 31 : માલેગાંવ
બોમ્બ ધડાકા કેસમાં કોર્ટના આદેશ બાદ આ કેસના આરોપીઓ પૈકી સાધ્વી પજ્ઞાસિંહે પ્રતિક્રિયા
આપતાં કહ્યું હતું કે, ષડયંત્રના
પગલે ભગવાને બદનામ કરવાના પ્રયાસો થયા, પરંતુ અંતમાં ભગવાની જીત
થઈ છે, હિંદુત્વની જીત થઈ છે અને જે દોષી છે, તેમને ભગવાન સજા આપશે, તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી
ઉમા ભારતીએ કોર્ટના નિર્ણયને આવકારવા સાથે ખુશી વ્યક્ત કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ,
સાધ્વી પ્રજ્ઞાસિંહે જણાવ્યું હતું કે, મેં શરૂઆતમાં
જ કહ્યું હતું કે, મને તપાસ માટે બોલાવાયા બાદ ધરપકડ કરાઈ હતી,
હેરાન કરાઈ હતી, જેથી મારું જીવન ખરાબ થયું. મને
ફસાવીને મારા પર આરોપો લગાવાયા, પણ અંતે ભગવાની જીત થઈ તેમ કહ્યું
હતું. બીજી તરફ કોર્ટના નિર્ણયને વધાવતાં ઉમા ભારતીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું
હતું કે, મને જાણવા મળ્યું હતું કે, પ્રજ્ઞાને
જેલમાં હેરાન કરાતી હોવાથી હું તેને મળવા ગઈ હતી, ત્યારે પ્રજ્ઞાને
કહ્યું હતું કે, દેશવાસીઓને કહી દેજો કે, મેં હિંદુત્વને કલંકિત થવા નથી દીધું તેમ ભારતીએ કહ્યું હતું. અદાલતના આદેશ
બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના બંગલાની બહાર આતશબાજી દ્વારા ઉજવણી કરાઈ હતી.