• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ગાંધીધામ તાલુકાનાં ચાર ગામ મહાપાલિકામાં સમાવવા ઠરાવ

ભુજ, તા. 31 : ગુરુવારે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ગાંધીધામ મહાપાલિકા બનતાં તેમાં સમાવેશ ન થયેલા તાલુકાના બાકી રહેતા ખારી-મીઠીરોહર, પડાણા અને ભારાપર ગ્રામ પંચાયતને મહાપાલિકામાં સમાવવા, નખત્રાણાની  હદ વધારી નાની-મોટી વિરાણી અને સુખપર (વિરાણી)ને નગરપાલિકામાં સમાવવા, જિલ્લા પંચાયતની વિવિધ શાખા અને સમિતિ ખંડના રિનોવેશન કરવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ-મહેકમ) માટે નવું વાહન ખરીદવા તથા એજન્ડા મુજબ 15મા નાણાપંચના સૂચવેલાં કામોમાં ફેરફાર, ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા પંચાયતી સમિતિઓની બેઠકોની કાર્યવાહીને બહાલી તેમજ મંજૂર થયેલાં કામોમાં એસઓઆર વધતાં ખૂટતી રકમની બહાલી, ગાંધીધામ તાલુકાના કિડાણા જૂથ પંચાયતમાં સમાવિષ્ટ મહેસૂલી ગામ ભારાપરને સ્વતંત્ર પંચાયત જાહેર કરવા, જિલ્લા પંચાયત માટે વકીલોની પેનલની ફીના ધારાધોરણ નક્કી કરવા, નખત્રાણાના ગજણસર ગ્રામ પંચાયતને લુડબાય જૂથમાંથી કમી કરી આમારા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવા સહિતના ઠરાવો કરાયા હતા. સભાના પ્રારંભે ગત બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપી પ્રશ્નોત્તરી યોજાઈ હતી, આ પ્રશ્નોત્તરી દરમ્યાન વિરોધ પક્ષના સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ અન્ય વિરોધપક્ષના સભ્ય દ્વારા પૂછવામાં આવતાં સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ જે સભ્યનો પ્રશ્ન હોય તેમણે જ તેનો જવાબ મેળવવા જણાવ્યું હતું. ગાંધીધામ મહાપાલિકા બનતાં તેમાં બાકી રહેતા ખારી-મીઠીરોહર, પડાણા અને ભારાપરનો સમાવેશ કરી આ તાલુકાનું વિસર્જન કરવા દરખાસ્ત કરવા વિચાર-વિમર્શ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ 15મા નાણાપંચ હેઠળ અગાઉ મંજૂર થયેલાં કામોમાં એસઓઆર વધી જવાથી ખૂટતી રકમ મંજૂર કરવા આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રશ્નોત્તરી દરમ્યાન બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, શાળાઓમાં ટોયલેટ, કેરામાં પીએચસી બાંધકામ સહિતના પ્રશ્નો પૂછાયા હતા. આ બેઠકમાં ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દવે અને પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો પ્રદ્યુમનસિંહે વિપક્ષી નેતા મામદ જતના લખપત તાલુકાના રસ્તાઓનાં અટકેલાં કામો બાબતની રજૂઆતનો જવાબ આપી તેમના દ્વારા થઈ રહેલાં કામોની વિગતોયે આપી હતી. આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપૂત, વિપક્ષી સભ્ય મામદ જત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રવિજય પ્રજાપતિ અને વિજયાબેન પ્રજાપતિ સહિતના દરેક શાખા અધ્યક્ષ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. - વિપક્ષનો આક્રમક વિરોધ : કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલની સૂચનાથી જિલ્લાના પ્રતિનિધિ મંડળ દ્વારા કચ્છમાં શિક્ષકોની ઘટ અંગે જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમ્યાન આવેદનપત્ર આપતી વેળાએ આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સભ્યોએ જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા અને છેક ગાંધીનગર સુધી ભાજપનું શાસન હોવા છતાં કચ્છમાં ધો. એકથી છમાં 9496ના મહેકમ સામે 4745 શિક્ષકની ઘટ છે, તેમ છતાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરી નખાતાં બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે. શિક્ષકોની ઘટ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી, તેથી આ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત દરમ્યાન પ્રમુખે વિવાદાસ્પદ નિવેદન આપતાં મામલો ઉગ્ર બન્યો હતો. કાર્યકરોએ `િશક્ષકોની ભરતી કરો, વરના ખુરશી ખાલી કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો'ના નારા પોકારી વિરોધ નોંધાવી રહ્યા હતા, તે દરમ્યાન પોલીસ સીધી રીતે સંઘર્ષમાં ઊતરી કોંગ્રેસના મહિલા સહિતના કાર્યકરો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસની કિન્નાખોરી સામે રાજ્યના પોલીસવડા અને રેન્જ આઈજીને રજૂઆત કરાશે, તેવું જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd