આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 31 : અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય અર્થતંત્રને મૃત:પ્રાય ગણાવતા નિવેદનને લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરવાનું હથિયાર બનાવ્યું હતું પરંતુ કૉંગ્રેસના
જ નેતાઓ શશિ થરૂર અને રાજીવ શુક્લાએ ભારતીય અર્થતંત્રને સદ્ધર ગણાવીને રાહુલ ગાંધીથી
વેગળા મંતવ્યો આપ્યા હતા. અગાઉ પહેલગામ હુમલો
અને અૉપરેશન સિંદૂરના મુદે પાર્ટીથી વિપરિત નિવેદનો આપનારા થરૂરે ટ્રમ્પના નિવેદન અંગે
પણ રાહુલ ગાંધીથી વેગળો મત આપ્યો હતો. થરૂરે કહ્યું હતું કે અમેરિકા સાથે વેપાર કરારની
વાટાઘાટ આપણા માટે પડકારજનક છે પરંતુ આપણે તાજેતરમાં યુરોપિયન યુનિયન અને બ્રિટન સાથે
વેપાર કરાર કર્યા છે અને અન્ય દેશો સાથે પણ આ સંબંધી વાતચીત ચાલી રહી છે. જો આપણે અમેરિકા
સાથે સ્પર્ધા ન કરી શકીએ તો પણ આપણી પાસે અમેરિકા સિવાય પણ અન્ય વિકલ્પો છે. ચીનની
જેમ આપણું અર્થતંત્ર માત્ર આયાત-નિકાસ પર નિર્ભર નથી, આપણી પાસે તો ઘરઆંગણે જ વિશાળ માર્કેટ છે. અમેરિકા સાથે આપણા હિતો જાળવીને
જ વાતચીત કરવી જોઇએ છતાં જો ડીલ ન થાય તો આપણે એમાંથી નીકળી જવું જોઇએ. કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય રાજીવ શુક્લાએ કહ્યું
હતું કે ટ્રમ્પનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. આપણું અર્થતંત્ર જરાય નબળું નથી. જો
કોઇ એમ કહે કે ભારતનું અર્થતંત્ર તૂટી પડશે તો એમાં સમજદારીનો અભાવ છે. ટ્રમ્પ ભ્રમમાં
છે. દરેક દેશને કયા દેશ સાથે વેપાર કરવો એનો અધિકાર છે. અમેરિકાના પ્રમુખનું બ્રિક્સ
અને રશિયા સાથે ભારતના સંબંધો વિશે બોલવું બરાબર નથી. આજે સંસદભવનની બહાર પત્રકારો
સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદન વિશે કહ્યું હતું કે ટ્રમ્પ હકિકત કહી
રહ્યા છે. વડા પ્રધાન અને નાણા પ્રધાન સિવાય બધાં એ જાણે છે કે ભારતનું અર્થતંત્ર મૃત:પ્રાય
છે. ટ્રમ્પ સહિતના વિદેશી નેતાઓ પણ જાણે છે કે ભારતના અર્થતંત્રની હાલત શું છે. અદાણીને
મદદ કરવા ભાજપે અર્થતંત્રને ખતમ કરી નાખ્યું છે. એક્સ ઉપર પોસ્ટમાં રાહુલ ગાંધીએ વડા
પ્રધાન મોદી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મૃત:પ્રાય છે. મોદીએ
એને બરબાદ કર્યું છે. અદાણી-મોદીની ભાગીદારી, નોટબંધી અને ખોટી
રીતે અમલમાં લવાયેલા જીએસટી, અસેમ્બલ ઇન ઇન્ડિયા, ગૃહ, મધ્યમ અને નાના ઉદ્યોગોનો સફાયો, ખેડૂતોનું દમન કરીને મોદી સરકારે છેલ્લા દાયકામાં દેશના અર્થતંત્રને ખતમ કરી
નાખ્યું છે.