ભુજ, તા. 31 : મુંદરાના ધ્રબ સીમમાં જીઆઈડીસીના
ગોદામ પાસે દરવાજના વિનાના રૂમમાંથી આશરે 30થી 35 વર્ષના અજાણ્યા
યુવાનની કોહવાયેલી લાશ આજે મળી હતી. બીજીતરફ ગઈકાલે રાતે ખાવડાના આરઈ પાર્કમાં આવેલી
એલ એન્ડ ટી કંપનીમાં વાયરિંગ કામ દરમ્યાન 35 વર્ષીય યુવાન રવિકુમાર રામાનંદ સિંઘને શોટ લાગતા તેની જીવનદીપ
બુઝાયો હતો. આ ઉપરાંત ગત તા. 27/7ના એસટી બસથી
રાજકોટ જતા ત્યાંના 60 વર્ષીય વૃદ્ધ
મનીષ દામજીભાઈ ટાંક ચાલતી બસમાં કુકમા પાસે ગોલાઈમાં બસ વળતા બસનો દરવાજો ખુલી ગયો
હતો અને ઉછળીને બહાર પડતા ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું
હતું. મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ધ્રબ સીમાં હિન્દ સર્કલ ખાતે આવેલા જીઆઈડીસી
ગોદામ નંબર એક, પ્લોટ નંબર એકની સામે દરવાજા
વગરના રૂમમાં આજે સાંજે 4.30 વાગ્યાના
અરસામાં આશરે 30થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી હતી. આ લાશ અત્યંત વાસ મારતી
તથા કીડા પડી ગયેલી હાલતમાં મળી છે. હાલ પોલીસે અગમ્ય કારણોસર મોતનો ગુનો દાખલ કરી
તપાસ પીએસઆઈ ડી.જે. ઠાકોરે હાથ ધરી છે. બીજીતરફ ગઇકાલે રાતે કેપીએસ-3 એલ એન્ડ ટી કંપનીમાં રવિકુમાર વાયરિંગનો
કામ કરી રહ્યા હતા ત્યારે તેને શોર્ટ લાગતાં ગંભીર રીતે ઘાયલ થતાં કંપનીની એમ્બ્યુલન્સ
મારફત તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તા. 31/7ના રાતે 3.40 વાગ્યે ફરજ પરના તબીબે તેને
મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલના ચોપડે નોંધાઇ છે. આ ઉપરાંત અન્ય એક મૃત્યુના બનાવની
વિગતો મુજબ રાજકોટના 60 વર્ષીય વૃદ્ધ
મનીષભાઇ ટાંક ગત તા. 27/7ના રાજકોટ
જવા ભુજથી ભુજ-ગોંડલની એસ.ટી. બસ નં. જી.જે. 18 વાય.ઝેડ. 1032માં બેઠા
હતા અને બપોરે એકાદ વાગ્યા આસપાસ કુકમા પાસે ગોલાઇ પાસે બસ વળતાં બસનો દરવાજો ખુલી
જતાં અને ઉછળીને ચાલુ બસે બહાર પડતાં માથામાં ગંભીર ઇજા પહોંચતાં બસના ડ્રાઇવર પ્રવીણભાઇ
કોચરા (રહે. ગોંડલ) તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.
વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતાં
તા. 30/7ના તેમનું મૃત્યુ થયાની વિગતો
સંબંધિતો તરફથી મળી છે.