અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : શમા
પરવીન અંસારી ગઝવા-એ-હિન્દનો ઇરાદો ધરાવતી હતી અને લગભગ 10,000 લોકોમાં જેહાદનું ઝેર ફેલાવવાનું
કામ કરી રહી હતી. બેંગ્લુરુથી ધરપકડ કરાયેલી ઝારખંડની આ યુવતીને લઈને ગુજરાત એટીએસે
અનેક મોટા ખુલાસા કર્યા છે. એટીએસે અલ કાયદાના `ઓનલાઇન મોડ્યુલ'નો પર્દાફાશ કરીને શમા પરવીનની ધરપકડને મોટી સફળતા ગણાવી છે. તે અલ કાયદા ઇન્ડિયન
સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) અને પાકિસ્તાનનું મોહરું બની ગઈ હતી. પ્રતિબંધિત આતંકી સંગઠન એક્યુઆઈએસની વિચારધારા ફેલાવવાના
આરોપમાં શમાની મંગળવારે બેંગ્લુરુથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં
તે તેના નાના ભાઈ સાથે રહેતી હતી. બુધવારે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં
આવી હતી. એટીએસના અધિકારીઓ અનુસાર અંસારી ભારત સરકાર વિરુદ્ધ સશત્ર વિદ્રોહ અને જેહાદ
માટે લોકોને ઉશ્કેરતી હતી અને તેના માટે તે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. તે
નફરત ભરેલા સંદેશાઓ ફેલાવીને ધાર્મિક ઉન્માદ અને હિંસા ભડકાવવા માગતી હતી. ઉપરાંત અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સંગઠન
ચલાવનાર આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી શમા પરવીન જ હોવાનું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ
કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીનાં માર્ગદર્શનમાં
કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી.
એટીએસ દ્વારા જાહેર કરવામાં આવેલાં એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,
શમા અંસારી બે ફેસબુક પેજ અને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી,
જેના કુલ 10,000 યુઝર્સ
હતા. પીટીઆઇ અનુસાર શમા તેના દ્વારા એક્યુઆઈએસ અને અન્ય કટ્ટરપંથી પ્રચારકોના વિચારો
શેર કરતી હતી. તેમાં એક્યુઆઈએસ નેતા મૌલાના અસીમ ઉમર, મૃત અલ કાયદાના વિચારક અનવર અલ-અવલાકી અને લાહોરની
લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના ભાષણોના વીડિયો શેર કરવામાં આવતા હતા, જેમાં ગઝવા-એ-હિન્દ, કાફિરો પર હુમલા અને ભારત સરકાર
વિરુદ્ધ નફરતના સંદેશા હતા. એટીએસ હવે શમાની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયત્ન કરશે કે,
તે કયા કયા લોકોના સંપર્કમાં હતી અને `ઓનલાઇન જેહાદ'નું આખું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું હતું.