• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

માલેગાંવ ધડાકા કેસ : સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય મુક્ત

મુંબઇ, તા. 31 : મહારાષ્ટ્રના માલેગાંવ ધડાકાના બહુચર્ચિત કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આપતાં એનઆઇએ વિશેષ અદાલતે ગુરુવારે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ સાત આરોપીને  નિર્દોષ મુક્ત કરી નાખ્યા હતા. આ કેસમાં  પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહીરકરસુધાકર ધર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકર દ્વિવેદી સામેલ છે. પીડિતોના વકીલ શાહીદ નવીન અંસારીએ કહ્યું હતું કેઅમે એનઆઇએ કોર્ટના ફેંસલાની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરીશું. આ મામલામાં  તપાસ એજન્સીઓ અને સરકાર નિષ્ફળ રહી છે, તેવો આરોપ વકીલ અંસારીએ મૂક્યો હતો. માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના દિવસે ધડાકો થયો હતો. જેમાં છ લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો 100થી વધુ ઘાયલ થયા હતા. લગભગ 17 વર્ષ બાદ આવેલા ફેંસલામાં ન્યાયમૂર્તિ એ. કે. લાહોટીએ જણાવ્યું હતું કેતપાસ એજન્સી આરોપ સાબિત નથી કરી શકી, એ જોતાં આરોપીઓને શંકાનો લાભ મળવો જોઇએ. ન્યાયમૂર્તિ લાહોટીએ કહ્યું હતું કે, ધડાકો થયો હતો, પરંતુ એ સાબિત નથી થયું કે, બોમ્બ મોટરસાઇકલમાં રાખ્યો હતો અને મોટરસાઇકલ સાધ્વી પ્રજ્ઞાનાં નામ પર હતી, તે પણ પુરવાર નથી થઇ શક્યું. સાથે એ પણ સાબિત નથી થયું કે, કર્નલ પ્રસાદ પુરોહિતે બોમ્બ રાખ્યો હતો. આ કેસનો ફેંસલો આઠમી મે 2025ના દિવસે થવાનો હતો, પરંતુ પછી કોર્ટે 31 જુલાઇ સુધી સુરક્ષિત રાખી દીધો હતો. માલેગાંવ ધડાકા કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરાઇ હતી, પરંતુ પછી એ કેસ 2011માં એનઆઇએને સોંપી દેવાયો હતો. એનઆઇએ દ્વારા 2016માં આરોપનામું દાખલ કરાયું હતું. કેસમાં ત્રણ તપાસ એજન્સીઓ અને ચાર જજ બદલી ચૂક્યા છે. વિશેષ એનઆઇએ અદાલતે કહ્યું હતું કે, આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો. કેમ કે કોઇપણ ધર્મ હિંસાની વકીલાત ન કરી શકે. અદાલત માત્ર  ધારણા અને નૈતિક પુરાવાઓના આધાર પર કોઇને દોષી ઠરાવી ન શકે. નક્કર પુરાવા જરૂરી છે. ધડાકા બાદ પંચનામું યોગ્ય રીતે નહોતું કરાયું. ઘટનાસ્થળ પરથી ફિંગર પ્રિન્ટ પણ નહોતી લેવાઇ. 

Panchang

dd