નવી દિલ્હી, તા. 31 : અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 2પ ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની ઘોષણા અને ભારતનું અર્થતંત્ર
મૃત:પાય સ્થિતિમાં હોવાના દાવા બાદ આજે ભારત સરકાર તરફથી આ મુદ્દે સંસદમાં અધિકૃત પ્રતિક્રિયા
આપવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં કહ્યું હતું
કે, સરકાર દેશનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી
બધા જ પગલા ભરશે. સરકાર હાલ 2પ ટકા ટેરિફનાં અમેરિકાનાં નિર્ણયની અસરો ચકાસી રહી છે. ભારત
વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે
અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું
કે, બન્ને પક્ષો વચ્ચે ચાર દ્વિપક્ષી બેઠકો થઈ હતી.
અમેરિકા સાથે સમજૂતીને આખરી ઓપ આપવા માટે અનેક મહત્વની બેઠક પણ થઈ. ત્યારે આયાત ઉપર
10થી 1પ ટકા ટેરિફની વાત હતી. તેમણે આગળ કહ્યું હતું કે, દુનિયાનાં વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણે દુનિયાનું
પાંચમું મોટું અર્થતંત્ર છીએ. તેથી અમેરિકાનાં આ પગલાની થનારી અસરોનું આકલન કરવામાં
આવી રહ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાએ આ વર્ષે માર્ચમાં જ એક સંતુલિત અને પારસ્પરિક લાભકારી દ્વિપક્ષી
વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરી દીધી હતી. જેનો ઉદ્દેશ આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બર
સુધીમાં સમજૂતીનાં પ્રથમ તબક્કાને પૂરો કરવાનો હતો. 2 એપ્રિલ 2025ના અમેરિકી રાષ્ટ્રપતિએ પરસ્પરિક ટેરિફ ઉપર એક કાર્યકારી આદેશ
જારી કર્યો હતો. તા. 50 એપ્રિલ 2025થી 10 ટકા બેઝલાઈન ટેરિફ સાથે ભારત
માટે 26 ટકા શુલ્ક જાહેર કરવામાં આવ્યો
હતો. ત્યારબાદ આ ગાળો વધારીને 1 ઓગસ્ટ 2025 કરવામાં આવ્યો હતો. ગોયલે આગળ
કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગપતિઓ સાથે
પણ વાત કરી રહી છે અને દેશને સુરક્ષિત રાખવા માટે તમામ પગલા લેવામાં આવશે. આપણે થોડા
વર્ષોમાં જ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. આપણી નિકાસમાં વધારો
થયો છે. સરકાર કિસાનો માટે કામ કરે છે.