• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ : નીટ-યુજીની ફેરપરીક્ષા નહીં

`નીટ'-યુજીસી પરીક્ષાઓને લઇને નિવેદનો થઇ રહ્યાં છે. રાજકારણ મોટાપાયે રમાઇ રહ્યું છે એ વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાએ લાખો છાત્રોને અને વાલીઓને રાહત આપી છે. મેડિકલ સંસ્થાનોમાં પ્રવેશ?માટે લેવાતી `નીટ' પરીક્ષા બીજીવાર યોજાવાની માગણી ફગાવી દેતાં અદાલતે કહ્યું કે, પ્રશ્નપત્ર વ્યવસ્થિત રીતે લીક થવું કે બીજી ગરબડો થયાની પ્રમાણભૂત કોઇ સામગ્રી રેકોર્ડ પર નથી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે. વી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે કેન્દ્ર સરકાર તથા રાજકીય પરીક્ષા એજન્સી (એનટીએ) તરફથી ઉપસ્થિત સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વરિષ્ઠ વકીલો નરેન્દ્ર હુડ્ડા, સંજય હેગડે, મેથ્યુઝ નેદુમપરા વગેરેની દલીલ ચાર કલાક સાંભળી. હકીકતમાં સર્વોચ્ચ અદાલતે અગાઉ સુનાવણી દરમ્યાન જ એ સ્પષ્ટ કહી દીધું હતું કે પેપર લીક સુનિયોજિત રીતે થયાં હોય અને સિસ્ટમમાં મોટી ખામી પુરવાર થાય તો સખત કાર્યવાહી કરવી પડશે, પરંતુ તપાસ દરમ્યાન વ્યાપક સ્તરે ગરબડ કે પદ્ધતિમાં ભંગ જેવા કોઇ મોટા પુરાવા ન મળતાં અદાલતને નીટ-યુજી પરીક્ષા નવેસરથી કરાવવી યોગ્ય ન જણાયું. 20 લાખના યુવાઓના ભવિષ્યને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટની બેન્ચે ઝીણવટભરી રીતે મામલો હાથ ધર્યો છે. નીટ-યુજીસી પ્રશ્નપત્ર લીકનો વિવાદ ગંભીર રીતે ચગ્યો હતો. દેશની સિસ્ટમ સામે આંગળી ચીંધાઇ. વિદ્યાર્થીઓ બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. એક પક્ષ પરીક્ષા રદ કરીને નવેસરથી લેવા તે પક્ષમાં હતો, જ્યારે એક મોટો સમૂહ પરીક્ષા જાળવી રખાય તેવી માગણી સાથે અદાલતના દરવાજે પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી આ પ્રકરણ પૂરું નથી થઇ જતું. મેડિકલ જેવા ગંભીર ફેકલ્ટીમાં પ્રવેશ પાત્રતા મેળવવા ગેરરીતિનો સહારો લેવાય એ વાત જ ચોંકાવનારી છે. ગઇ પાંચમી મેના લેવાયેલી નીટ-યુજીસી પરીક્ષાનું પેપર ફૂટી ગયાં સહિતના આરોપોને લઇને એનટીએ તથા કેન્દ્રના શિક્ષણ વિભાગ પર પસ્તાળ પડી હતી. દેશમાં સરકારી અને ખાનગી સંસ્થાનોમાં મેડિકલ સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા-સ્નાતક (નીટ-યુજી)નું આયોજન થાય છે. આ મામલામાં એનટીએની છબી કલંકિત થઇ છે. ભૂતકાળમાં પણ એનટીએ દ્વારા સંચાલિત કે આયોજિત પરીક્ષાઓમાં ગરબડના આક્ષેપ ઊઠી ચૂક્યા છે. ઘણીવાર પરીક્ષાનાં પરિણામમાં વિલંબ થતાં અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા છાત્રોને નિરર્થક તનાવનો સામનો કરવો પડયો છે. જે બની ગયું એ અત્યંત નિંદાપાત્ર અને વખોડવાને લાયક હતું. હવે દેશભરમાં કડક-પારદર્શક પરીક્ષા પદ્ધતિનું માળખું ઘડવાની જરૂર છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોએ વિધેયક પસાર કરીને એ દિશામાં નિર્ધાર કર્યો છે. આ થવું જ જોઇએ કેમ કે, લાખો યુવાનોની કારકિર્દીનો સવાલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024