• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

આંધ્ર અને બિહારને ખાસ ભંડોળ સામે વિપક્ષી વિરોધ

કેન્દ્ર સરકારની સામે સાચો કે ખોટો આરોપોનો મોરચો ખોલવા ટાંપીને બેઠેલા વિપક્ષે બજેટ રજૂ થતાંની સાથે જ આક્ષેપોનો મારો ચલાવ્યો છે. બજેટની જોગવાઇઓ પર સંસદમાં વિગતે ચર્ચા હાથ ધરાય તે પહેલાં જ તેની ફાળવણીમાં ભેદભાવના આરોપો લગાવીને વિરોધપક્ષોએ નવો ચીલો ચાતર્યો છે. ખાસ તો બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરાયેલી ખાસ નાણાકીય ફાળવણીનો વિરોધ કરી રહેલા વિરોધપક્ષોએ જે રીતે સંસદ ભવનનાં પરિસરની અંદર  જે રીતે વિરોધ દેખાવો કરીને તમામ રાજ્યોની સાથે સમાન વ્યવહારની જે રીતે કડવાશભરી માંગ કરી તે વધુ પડતી જણાઇ આવી હતી.વિપક્ષી નેતાઓએ જે રીતે બિહાર અને આંધ્રપ્રદેશની તરફેણ કરવાનો આરોપ લગાવીને એટલી હદે કહ્યંy કે, આ બન્ને રાજ્યને સરકારે ટેકા વસૂલીની રકમ આપી છે. કેન્દ્ર સરકાર બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ અને આંધ્રમાં સરકાર ચલાવતાં તેલુગુદેશમનો ટેકો ધરાવતી હોવાથી આ બન્ને રાજ્ય પર વધુ મહેરબાની કરાઇ હોવાનો વિપક્ષનો સીધો આરોપ છે. વિપક્ષના આરોપો પરથી સવાલ ઊભા થઇ રહ્યા છે કે, અન્ય રાજ્યોની ઉપેક્ષા થઇ રહી છે ? અથવા અંદાજપત્ર પર રાજકારણ રમવાનું વલણ યોગ્ય છે ખરું ? ઉલ્લેખનીય તો એ છે કે, અંદાજપત્રોમાં દર વર્ષે સતત વધુ ફાળવણી મેળવી ચૂકેલાં રાજ્યોના નેતાઓ હવે પોતાનાં રાજ્યો તરફ ભેદભાવ કરાયો હોવાના આરોપ મૂકે તે કમનસીબ ગણી શકાય. ખાસ તો વિકાસના ક્રમમાં સતત પછાત રહી ગયેલાં બિહાર માટે કરાયેલી વધારાની ફાળવણીને જે રીતે રાજકીય લાભ માટે નિશાન બનાવાઇ રહી છે, તે ખરેખર દુ:ખદ ગણી શકાય. ત્યાં વિકાસની યોજનાઓ અને ઉદ્યોગોના અભાવને લીધે યુવાનોને રોજગારી માટે અન્યત્ર હિજરત કરવી પડે છે. જો અગાઉનાં બજેટમાં કર્ણાટકને અપાયેલી વધારાની રકમ બિહારને મળી હોત તો તેનો પણ ખરા અર્થમાં વિકાસ થઇ શક્યો હોત. હવે બિહારમાંથી યુવાનોને રોજગારીની શોધમાં હિજરત કરતા રોકવા ત્યાં એકમાત્ર ઉપાય માળખાંકીય સુવિધાઓના સહારે ઔદ્યોગિક વિકાસ સાધવો.વળી, ભેદભાવના આરોપ કરનારા એ હકીકત ધ્યાને લેવા માગતા નથી કે, બિહારને જો તમામ યોજનાઓ માટે 59 હજાર કરોડનાં ભંડોળની ફાળવણી થઇ હોય, તો તેનાથી ચાર ગણા વધુ અમીર મહારાષ્ટ્રમાં માત્ર એક બંદરનાં વિકાસ માટે 76 હજાર કરોડની રકમ અપાઇ છે, તો આંધ્રપ્રદેશને માટે નવી રાજધાની ઊભી કરવા માટે મોટાં ફંડની જરૂરત છે  તેવા સમયે આંધ્ર માટે ફાળવવામાં આવેલું 15 હજાર કરોડનું ભંડોળ યોગ્ય જણાય છે. આ કાંઇ પ્રથમ વખત નથી બન્યું કે, જ્યારે અંદાજપત્રમાં ભંડોળની ફાળવણીમાં ભેદભાવના આરોપ લાગ્યા હોય. રાજકારણને નેવે મૂકીએ તો એ જણાઇ આવે છે કે, કેન્દ્ર સાથે લડી-ઝઘડીને ઘણા રાજ્યોએ બહુબધું મેળવ્યું છે. જે રાજ્યો મૌન રહ્યાં છે તેઓ પાછળ રહી ગયાં છે. વળી, જો ભેદભાવનો આરોપ સાચો હોત તો ભાજપ શાસિત રાજ્યમાં સૌથી વધુ ભંડોળની ફાળવણી થઇ હોત. બુધવારે સંસદમાં વિપક્ષે જે રીતે ધમાલ કરી તેનાથી કેન્દ્ર સરકારે પણ થોડો બોધ લેવાની જરૂરત છે. કેન્દ્ર સરકારે હવે તેનાં બજેટની ફાળવણીને વધુ તર્કસંગત રાખવા પર ધ્યાન આપવાની જરૂરત રહેશે.  તેની સાથોસાથ બિહાર અને આંધ્રપ્રદેશ જેમને વધારાનું ભંડોળ મળ્યું છે તેના નેતાઓએ આ ભંડોળનો પ્રામાણિક ઉપયોગ કરીને તેની એક એક પાઇ રાજ્યના વિકાસને મજબૂત કરવામાં ખર્ચ કરવા પર ધ્યાન આપવાનું રહેશે. તેમણે સમજી લેવું પડશે કે, આ વધારાનું ભંડોળ કાંઇ દર અંદાજપત્રમાં મળે તેની કોઇ ગેરન્ટી નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang