• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ગેરકાયદે પ્રવાસીઓ પર `સુપ્રીમ' ચુકાદો

નવી દિલ્હી, તા. 17 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતાના કાયદાની કાયદેસરતા પર મોટો ફેંસલો આપ્યો હતો. કાયદાની કલમ છ-એની માન્યતાને  અદાલતે બરકરાર રાખી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણવાળી પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠે 4-1ના બહુમતથી ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે, આ કલમ આસામ સમજૂતીને આગળ વધારવા માટે માન્યતા આપે છે. આસામ સમજૂતી ગેરકાયદે પ્રવાસીઓની સમસ્યાનું રાજકીય સમાધાન છે. ચંદ્રચૂડ ઉપરાંત ન્યાયમૂર્તિ સૂર્યકાંત, એમ. સુરંદેશ, મનોજ મિશ્રા મળીને ચાર  ન્યાયમૂર્તિએ કાયદાના પક્ષમાં સહમતી બતાવી હતી. ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલાએ અસહમતી વ્યકત કરતાં કહ્યું હતું કે, નાગરિકતા કાયદાની આ કલમ ચૂંટણી પહેલાં આસામના લોકોને ખુશ કરવા લવાઇ હોઇ શકે. ચાર ન્યાયમૂર્તિએ નાગરિકતા કાયદાની કલમ છ-એની આધારભૂતતાને સમર્થન આપતાં કહ્યું હતું કે, સંસદ પાસે જોગવાઇ લાગુ કરવાની કાનૂની શક્તિ છે. નાગરિકતા કાયદાની આ જોગવાઇએ ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકતાનો લાભ આપે છે, જે પહેલી જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 વચ્ચે આસામમાં દાખલ થયા હતા. આવા પ્રવાસીઓમાં મોટાભાગે બાંગલાદેશી પ્રવાસીઓ સામેલ છે. 1971 પછી આવેલા પ્રવાસીઓના સંબંધમાં કાયદા અનુસાર ઘૂસણખોરોની જાણકારી મેળવી તેમને નિર્વાસિત કરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang