• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

રોજ 10થી 15 દુર્ઘટનાગ્રસ્તને અપાતી સારવાર

ભુજ, તા. 17 : જી. કે. જનરલ અદાણી  હોસ્પિટલમાં કાર્યરત આધુનિક ટ્રોમા સેન્ટરના વડા અને અન્ય તબીબોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં દર વર્ષે 17મી ઓક્ટોબરના ટ્રોમા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે કોઈ દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક મેડિકલ સુવિધા અને માનસિક આઘાતની સારવારની મદદથી જિંદગી બચાવવા ઉપાય બતાવવામાં આવે છે. કચ્છમાં પણ કોઈ દુર્ઘટના ઘટે તો સારવાર માટે જી. કે.માં ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર 24 કલાક કાર્યાન્વિત રહે છે. એટલું જ નહીં કટોકટીના સમયમાં ઝડપી જેને `ગોલ્ડન અવર' સેવા કહે  છે, તેવો પ્રતિસાદ પણ આપવામાં આવે છે. આ સેવા અંતર્ગત 108 એમ્બ્યુલન્સ સેવાનું નેટવર્ક, તાત્કાલિક પરિવહન સુવિધા તેમજ તબીબોની મલ્ટિ ડીસિપ્લીનરી ટીમ, ઈમરજન્સી મેડિસીન, જનરલ સર્જનની ટીમ, ઓર્થોપેડિક નિષ્ણાત એકસાથે સેવા આપે છે. વર્તમાન સંજોગોમાં ટ્રોમા માટે સૌથી મોટું કામ અકસ્માતને લગતું હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ઓર્થોપેડિક ટીમ તૈયાર રાખવામાં આવે છે, જેમાં હાડકાંની કોઈ પણ દુર્ઘટના બને તો હાડકાંની જટિલ સર્જરી, થાપાની ઇજા હોય તો રિપ્લેસમેન્ટ, પ્લાટિંગ, જનરલ સર્જરીમાં પેટ અને અન્ય ગંભીર ઇજાઓની સેવા ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન તેમજ ઓપરેશન બાદ ઝડપી રિકવરી માટે ખાસ કાળજી સેવવામાં આવે છે. કાર્ય માટે અત્રે આધુનિક ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે અને ચેકો માર્યા વિના શસ્ત્રક્રિયા થઈ શકે છે. એટલું જ નહીં અકસ્માત જેવા સંજોગોમાં આંતરિક રક્તસ્રાવ અને ગંભીર ઈજાઓ માટે તાત્કાલિક પ્રતિસાદ પણ આપવામાં આવે છે. આ પ્રકારે જી. કે. હવે ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર માટે જિલ્લાનું મુખ્ય ટ્રોમા કેન્દ્ર બની ગયું છે. જિલ્લામાંથી ટ્રોમા સંબંધિત રોજના સરેરાશ 10થી 15 જેટલા દુર્ઘટનાગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang