• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કેનેડા સાથે ભારતનું રાજદ્વારી જંગનું એલાન

કેનેડામાં શીખ મૂળના મતદારોને રિઝવવા માટે ભારત સાથે છેલ્લા પાટલે બેસી ચૂકેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં વલણને લીધે બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો સમાપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે. ભારતે કેનેડામાં પોતાના ઉચ્ચાયુક્ત અને તમામ રાજદ્વારી અધિકારીઓને પર બોલાવી લીધા છે. સાથોસાથ કેનેડાના ઉચ્ચાયુક્ત અને તમામ અધિકારીઓને પરત જતા રહેવા કહી દીધું છે. કેનેડાના તાજેતરના અમુક નિર્ણયો અને ભારત વિરોધી વલણને લીધે સંબંધો સાવ વણસી ગયા છે.  અલગતાવાદી શીખ નેતા હરદીપાસિંહ નિજ્જરની હત્યાના કેસના સંદર્ભમાં કેનેડાએ કહ્યંy છે કે, તે ભારતીય ઉચ્ચાયુક્તના રાજદ્વારી અધિકારીઓ પર નજર રાખશે. આ પગલાંથી રાજદ્વારી અધિકારીઓના વૈશ્વિક અધિકારો સમાપ્ત થઇ જશે. આવાં વલણની સામે ભારતે તરત વળતી કાર્યવાહીમાં પોતાના અધિકારીઓની સલામતી જોખમમાં હોવાનું કારણ દર્શાવીને તેમને પરત બોલાવી લીધા છે. કેનેડા સતત એમ કહેતું આવ્યું છે કે, નિજ્જરની હત્યામાં ભારતીય ઉચ્ચાયુક્તના અધિકારીઓ સામેલ હોવાનું તે માને છે, માટે જ તેમની ઉપર નજર રાખવામાં આવશે. ભારતે કેનેડાનાં આ પગલાંને રાજકારણથી પ્રેરિત ગણાવીને વળતી કાર્યવાહી કરી છે. આ રીતે કોઇ દેશ રાજદ્વારી અધિકારીઓને બહાર કાઢે તેને દ્વિપક્ષીય સંબંધોમાં ભારે ગંભીર બાબત ગણી શકાય તેમ છે. કેનેડામાં શીખ મૂળના મતદારોની સંખ્યા નોંધપાત્ર હોવાથી તેમની મતબેંકને સાચવવા ટ્રુડો લાંબા સમયથી ભારત વિરોધી બખાડા કાઢતા રહે છે. આ ઉપરાંત તેમણે ભારતવિરોધી અને અલગતાવાદી નેતાઓ અને સંગઠનોને છૂટો દોર આપી રાખ્યો છે.થોડા સમય અગાઉ અલગતાવાદી નેતા નિજ્જરની કેનેડામાં હત્યા થઇ હતી, તે સમયે ટ્રુડોએ એક પત્રકાર પરિષદમાં આ હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સીઓનો  હાથ હોવાનો ચોંકાવનારો આરોપ મુક્યો હતો.  આમ તો આ આરોપની  સાથે તેમણે કોઇ આધાર-પુરાવા આપવાની તસ્દી લીધી ન હતી, તે સમયે આ આરોપ મતબેંક પ્રેરિત હોવાની છાપ ઊભી થઇ હતી, તે પછીથી ભારતે વિવિધ સ્તરેથી ટ્રુડોના આ આરોપના સંબંધમાં પૂરાવા માગ્યા હતા, પણ હજી સુધી કોઇ પુરાવા કેનેડા સરકારે આપ્યા નથી.ઉલ્લેખનીય છે કે, ભારતે આ અગાઉ કેનેડા સરકાર સમક્ષ વારંવાર વાંધા નોંધાવ્યા છે. ખાસ તો કેનેડામાં ભારતવિરોધી જાહેર પ્રવૃત્તિને ઉત્તેજન મળતું હોવાના બનાવો સામે વાંધા નોંધાવાયા છે, પણ આ વખતે કેનેડા સરકારે ભારતીય ઉચ્ચયુક્તના રાજદ્વારી અધિકારીઓ સામે લીધેલાં વલણથી ચોંકી ઊઠેલી સરકારે વળતી આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. વળી, નિજ્જર હત્યાના મામલામાં ટ્રુડોએ કરેલા આધાર વગરના આરોપોથી વિશ્વમાં ભારતની છબીને નુકસાની થઇ છે. આખી દુનિયા જાણે છે કે, કેનેડામાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને લીધે ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. આવામાં ભારતવિરોધી વલણ લઇને કેનેડા સરકાર પોતાના નાગરિકોનું ધ્યાન અન્યત્ર ખેંચવા માંગે છે. આવતાં વર્ષે કેનેડામાં ચૂંટણીઓ યોજવાની છે એવામાં ત્યાં ટ્રુડો અને તેમનો રાજકીય પક્ષ શીખ મતદારોને સાચવવા ભારતવિરોધી વલણને વધુ તીવ્ર બનાવે એવી પૂરી શક્યતા છે. આવા સંજોગામાં બન્ને દેશ વચ્ચેના સંબંધો નજીકના ભવિષ્યમાં ફરી પાટે ચડે તેમ જણાતું નથી. આવામાં કેનેડામાં વસતા ભારતીયો ઉપરાંત ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી અનેકગણી વધી જશે એવી ભીતિ સર્જાઇ ચૂકી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang