• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અપસેટ : ઓસીને હરાવી આફ્રિકા મહિલા ટી-20 વિશ્વ કપ ફાઇનલમાં

દુબઇ તા.17 : હોટ ફેવરિટ ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત મેળવીને દ. આફ્રિકા ટીમ મહિલા ટી-20 વિશ્વ કપમાં ઉલટફેર કરીને ફાઇનલમાં પહોંચી છે. પાછલા ત્રણ વખતની ચેમ્પિયન અને ટી-20 વિશ્વ કપની 6 વખત ટ્રોફી કબજે કરનાર ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલની હારથી ટૂર્નામેન્ટની બહાર થયું છે. દ. આફ્રિકાનો ટી-20 વિશ્વ કપ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે આ પહેલો વિજય છે. અગાઉ સાત મેચમાં તેણે ઓસિ. સામે હાર સહન કરી હતી. સેમિ ફાઇનલમાં દ. આફ્રિકાએ 13પ રનનો વિજય લક્ષ્યાંક 17.2 ઓવરમાં ફકત 2 વિકેટ ગુમાવીને 16 દડા બાકી રાખી પાર પાડયો હતો. આફ્રિકા તરફથી પ્લેયર ઓફ ધ મેચ અન્નેકા બોશે 48 દડામાં 8 ચોકકા અને 1 છકકાથી 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના અને કપ્તાન લોરા વુલફોર્ટ (42) વચ્ચે બીજી વિકેટમાં 6પ દડામાં 96 રનની વિજયી ભાગીદારી થઇ હતી. અગાઉ દ. આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપવાનો સાહસિક નિર્ણય લીધો હતો. નિયમિત કેપ્ટન એલિસા હિલી વિના રમી રહેલ કાંગારૂ મહિલા ટીમ દ. આફ્રિકાની ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગ સામે 20 ઓવરમાં પ વિકેટે 134 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી અનુભવી બેથ મૂનીએ 42 દડામાં 2 ચોકકાથી 44 રનની ઇનિંગ રમી હતી. તેણી કમનસીબે રનઆઉટ થઇ હતી. ઓપનર ગ્રેસ હેરિસ ફકત 3 અને જોર્જિયા વેયરહમ પ રને આઉટ થઇ હતી. આથી ઓસિ. ટીમ દબાણમાં આવી ગઇ હતી. ઇનચાર્જ કેપ્ટન તાલિયા મેકગ્રાએ 33 દડામાં 3 ચોકકાથી 27 અને સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીએ 23 દડામાં 2 ચોકકાથી 31 રન કરી ઓસ્ટ્રેલિયાને 134 રન સુધી પહોંચાડયું હતું. આફ્રિકા તરફથી અયાબોંગા ખાકાએ 2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang