• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

રાષ્ટ્ર સમર્થ ક્યારે બને?

`ધર્મ અને સંસ્કૃતિ તેમજ સનાતન મૂલ્યોનાં રક્ષણ માટે અને ખુદનાં અસ્તિત્વ માટે હિન્દુઓની એકતા અતિ આવશ્યક હોવાથી અત્યારથી જ એક નહીં થાય તો હિન્દુ સમાજે દુર્બળ બનીને ભવિષ્યમાં તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે. સદ્ભાવ અને સહિષ્ણુતાનું રક્ષણ શક્તિસંપન્ન સમાજ કરી શકે, દુર્બળતા ઘાતક હોય. વિશ્વ દુર્બળ લોકોને મહત્ત્વ નથી આપતું, પણ સામર્થ્યવાન, શક્તિસંપન્ન લોકોની જ સર્વત્ર પૂજા થાય છે.' સંઘસંચાલક ડો. મોહન ભાગવતે વિજયાદશમીનનં પર્વ પર આપેલો આ સંદેશ સમસ્ત હિન્દુ સમાજની દૃષ્ટિએ અતિ મહત્ત્વનો અને હિન્દુઓને આત્મચિંતન કરવા અને અંતર્મુખ થવા પ્રેરણા આપનારો છે. હિન્દુ સમાજ અને ભારતને દુર્બળ કરનારી શક્તિનો હેતુ ઓળખીને આ દેશદ્રોહી શક્તિનો પણ ખાતમો કરવા માટે રાષ્ટ્રભક્ત નાગરિકોએ સક્રિય થવાની અનિવાર્યતા પર સંઘસંચાલકે ભાર મૂક્યો છે. હિન્દુ સમાજ પોતાનાં સ્વપ્ન, સ્વાભિમાન, શૌર્ય, પરાક્રમ, ઉદાર સંસ્કૃતિ, શાશ્વત મૂલ્યો, ભવ્ય-દિવ્ય પરંપરા, ઇતિહાસ, વિજય વારસાને ભૂલી ગયો છે અને તેને લઈને જ આજે વિવિધ પ્રકારનાં સાંસ્કૃતિક અને વૈચારિક આક્રમણ હિન્દુ પર થઈ રહ્યાં છે, સમાજને દુર્બળ બનાવી રહ્યાં છે. આ વિશે સંઘસંચાલકે લોકોને સજાગ, સાવધ કર્યા છે. વસ્તુસ્થિતિ એ છે કે, જે દેશો કે તે દેશોના નાગરિકો પોતાનો ઉજ્જવળ ઈતિહાસ અને ભૂગોળ વીસરી જાય છે ત્યારે તે દેશ કાં તો દુર્બળ બને છે અથવા વિભાજિત થાય છે. આજે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને વર્તમાનનાં બાંગલાદેશની પરિસ્થિતિ જોતાં આ બાબત સ્પષ્ટ થાય છે. બાંગલાદેશના લઘુમતી હિન્દુઓ પર હાલ અસ્તિત્વનું ભારે સંકટ તૂટી પડયું છે. જો કે, ત્યાંના હિન્દુઓએ સમય ઓળખીને એકત્રિત થઈને શક્તિનો ફૂંફાડો માર્યો અને તેને લઈને જ હિન્દુ સમાજનું કંઈક પ્રમાણમાં રક્ષણ થયું છે. બાંગલાદેશની આ ઘટનાનો યથાર્થ બોધ ભારતીય હિન્દુઓએ લેવો જોઈએ. સમસ્ત હિન્દુ સમાજે ગત વૈભવ પ્રાપ્ત કરવા માટે તન-મન-ધનપૂર્વક રાષ્ટ્ર આરાધના કરવી જોઈએ. સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત વ્યવસ્થા - આ પંચસૂત્રના આધાર પર આગામી હિલચાલ કરવાનું સંઘસંચાલકે કરેલું આહ્વાન મહત્ત્વનું અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને શક્તિ પ્રદાન કરનારું છે. આજે ઈઝરાયલ, જાપાન, ચીન, રશિયા, જર્મનીએ પ્રખર રાષ્ટ્રવાદ અને દેશભક્તિની શક્તિ પર `સ્વ' આધારિત વ્યવસ્થા નિર્માણ કરી છે. દરેક ક્ષેત્ર, પછી તે ભાષા હોય કે ટેકનોલોજી અથવા ઉચ્ચશિક્ષણ, બધાં ક્ષેત્રોમાંનો પશ્ચિમી પ્રભાવ હટાવ્યો છે અને આજે તે દેશ નીતનવા પડકારો સ્વીકારતા વિકાસના પંથે અગ્રેસર છે. પ્રખર રાષ્ટ્રવાદ અને સ્વાભિમાન અને જ્વલંત દેશભક્તિ જેવા ગુણોની શક્તિથી વામન ઈઝરાયલ - હમાસ સહિત બધાં ક્રૂર જિહાદી આતંકવાદી સંગઠનો અને આક્રમક ઈસ્લામી દેશોને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે. હિન્દુ સમાજે એક થઈ કૃતિશીલ બનવાની આજે નિતાંત આવશ્યકતા છે. ભારતને ફરી સમર્થ બનાવવું હોય તો હિન્દુઓએ એકત્ર થઈ, ઈચ્છાશક્તિ એક કરી રાષ્ટ્રનિર્માણનાં કાર્યમાં સંપૂર્ણ યોગદાન આપવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang