• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

પર્યાવરણનાં જતન માટે સહિયારા પ્રયાસો અનિવાર્ય

વાંઢાય (તા. ભુજ), તા. 17 : ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું અને સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી વાંઢાય તીર્થધામના આસપાસના માર્ગો પર 2000 જેટલા વૃક્ષ વાવવાનો અને ઉછેરવાનો સંકલ્પ કરાયો છે. આ કાર્યનો પ્રારંભ ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય અને ઇશ્વર આશ્રમ વાંઢાયમાં સંતો અને મહાનુભાવોના હસ્તે કરાયો હતો. લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન ખાતે પર્યાવરણ જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું. જેનો આરંભ ઇશ્વર આશ્રમના મહંત મોહનદાસજીના હાથે દીપ પ્રાગટયથી કરાયો હતો. સ્વાગત પ્રવચન અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મહામંત્રી રતીભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષપદેથી ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સેવાભાવી સંસ્થાઓ અને સરકારે સહિયારા પ્રયાસો કરવા પડશે. જેટલા વૃક્ષો રોપાય તેનો ઉછેર થાય એ ખૂબ આવશ્યક છે. ગ્લોબલ કચ્છના સ્થાપક ટ્રસ્ટી ધીરજભાઈ છેડાએ કચ્છને હરિયાળું બનાવવામાં સહયોગ આપનાર સંસ્થાઓ અને દાતાઓને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે વાંઢાય તીર્થધામમાં 2000 વૃક્ષ વાવવાનો આરંભ કર્યો છે પણ જો વધુ દાતા મળશે તો પાંચ હજાર વૃક્ષ વાવીને આ યાત્રાધામને રળિયામણું બનાવવાની અમારી નેમ છે. ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખ હંસરાજભાઈ ધોળુએ કચ્છમાં નર્મદાવન ઉભું કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો. આ સભામાં અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ ગંગારામભાઈ રામાણી, કચ્છ ગ્લોબલ ટ્રસ્ટના હોદેદારો ગાવિંદભાઈ મંગે, મહેન્દ્રભાઈ ગડા, અરૂણભાઈ જૈન આ ઉપરાંત લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના મંત્રી કીરીટભાઈ ભગત, ઉમિયા માતાજી ટ્રસ્ટના મહામંત્રી બાબુભાઈ ચોપડા, મંત્રી રમેશભાઈ પોકાર, ખજાનચી ગંગારામ ચૌહાણ, ટ્રસ્ટી ડો. પ્રેમજીભાઈ ગોગારી, નરેન્દ્રભાઈ ધોળુ, શાંતીલાલ ભગત, લવજીભાઈ પોકાર અને નવીનભાઈ ચોપડા તેમજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન શાંતીલાલ રૂડાણીએ કર્યુ હતું, સંચાલન ઉમિયા માતાજીના ટ્રસ્ટી પ્રો. કે. વી. પાટીદારે કર્યુ હતું. રાજેશભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang