• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઈઝરાયલે કર્યો હમાસ વડા સિનવારનો ખાતમો ?

નવી દિલ્હી, તા. 17 : ગાઝામાં સતત હુમલા કરી રહેલી ઈઝરાયલી સેનાએ હમાસ વડા યાહ્યા સિનવારને લઈને એક મોટો દાવો કર્યો છે. આઈડીએફ તરફથી કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા ચલાવવામાં આવેલા એક ઓપરેશનમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. આઈડીએફ તપાસ કરી રહી છે કે માર્યા ગયેલા આતંકીઓમાં હમાસ વડો યાહ્યા સિનવાર સામેલ છે કે નહીં. યાહ્યા સિનવારના ખાત્માની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં એક કાટમાળમાં પડેલા મૃતદેહનો ચહેરો સિનવાર સાથે મળી રહ્યો છે અને આ જ કારણથી લોકો દાવો કરી રહ્યા છે કે સિનવારનો ખાત્મો થયો છે. ઈઝરાયલી સેના તરફથી કહેવામાં આવ્યું છે કે સિનવારની સ્થિતિ ઉપર હજી કંઈ કહી શકાય તેમ નથી. જો કે તપાસ કરવામાં આવી રહી છે કે તે માર્યો ગયો છે કે નહી. ઈઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા ઉપર કરેલી એક પોસ્ટમાં કહ્યું છે કે સેનાએ જે ઈમારતમાં ઓપરેશન કર્યું હતું તેમાં બંધકોની હાજરીના કોઈ પુરાવા મળ્યા નથી. સેના સતત સાવધાનીથી ઓપરેશન ચલાવી રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા ઉપર એક મૃતદેહની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં દાંત અને ચહેરા ઉપરથી તે સિનવારનો મૃતદેહ હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે ડીએનએ ટેસ્ટના માધ્યમથી તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગાઝામાં હમાસ પ્રમુખના ખાત્માની અટકળો પહેલી વખત સામે આવી નથી. આ અગાઉ 21 સપ્ટેમ્બરમાં કતરના મધ્યસ્થો સાથે હમાસ પ્રમુખની વાતચીત થઈ રહી નહોતી ત્યારે અટકળો લાગી હતી કે સિનવારનો ખાત્મો થઈ ચૂક્યો છે. આ પહેલા ઈઝરાયલ હમાસના પૂર્વ ચીફ હાનિયેહ, અન્ય કમાન્ડરો, હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહનો ખાત્મો કરી ચૂક્યું છે.-   ઈઝરાયલ બાદ અમેરિકાએ વરસાવ્યો હૂતી ઉપર કહેર : વોશિંગ્ટન, તા. 17 : ઈઝરાયલી હુમલાના કારણે ભાંગી પડેલા યમનના હૂતી વિદ્રોહીઓ ઉપર હવે અમેરિકાએ કહેર વરસાવ્યો છે. બુધવારે રાત્રે અમેરિકી વાયુસેનાએ હૂતી વિદ્રોહીઓની છાવણી ઉપર બોમ્બમારો કર્યો હતો. અમેરિકી રક્ષા મંત્રી ઓસ્ટિન લોયડે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બી-2 સ્ટીલ્થ બોમ્બરે યમનની રાજધાની સના સ્થિત હૂતીઓની છાવણીઓને નિશાન બનાવી હતી. હૂતીએ બંકર બનાવીને તેમાં ખતરનાક હથિયારો જમા કર્યા હતા. જેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટિને કહ્યું હતું કે હૂતી વિદ્રોહીઓએ જમીનમાં બંકર બનાવીને તેમાં ખતરનાક હથિયારોને એકત્રિત કરી રહ્યા હતા. અમેરિકી વાયુસેના દ્વારા હથિયારોને નિશાન બનાવવાની પ્રક્રિયા આતંકીઓને સીધો સંદેશ છે કે તે જમીનની અંદર કેટલી પણ છાવણી બનાવે અમેરિકી સેના તેને શોધીને ખતમ કરશે. ઓસ્ટિને કહ્યું હતું હથિયારોનો ઉપયોગ હૂતી ઈઝરાયલ ઉપર હુમલા કરવા અને લાલ સાગર, અદનની ખાડીમાં પસાર થતા વેપારી જહાજોને નિશાન બનાવવા કરતા હતા. આ હુમલો રાષ્ટ્રપતિ બાઈડનના આદેશથી કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ ડિપો ખતમ કરવામાં આવ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang