• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ટીમ ઇન્ડિયાનો 46 રનમાં શરમજનક કડૂસલો

બેંગ્લુરુ, તા.17 : ટીમ ઇન્ડિયાના 88 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં આજનો દિવસ કલંકિત બન્યો છે. વરસાદ પ્રભાવિત ન્યુઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનો ફક્ત 46 રનમાં કડૂસલો થયો હતો. ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયાનો સૌથી ઓછો અને એકંદરે ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારતના પાંચ બેટધર શૂન્યમાં આઉટ થયા હતા અને ફક્ત બે બેટર ઋષભ પંત (20) અને યશસ્વી જયસ્વાલ (13) ડબલ ફીગરમાં પહોંચી શક્યા હતા. જવાબમાં ન્યુઝિલેન્ડે ત્રણ?વિકેટે 180 રન કર્યા હતા. નવા બેટધર બે આંકડે પહોંચી શકયા ન હતા. ભારતે આખરી 7 વિકેટ 1પ રનમાં ગુમાવી હતી. ન્યુઝિલેન્ડ તરફથી ઝડપી બોલર મેટ હેનરી અને વિલિયમ ઓ'રૂકે આગઝરતી બોલિંગ કરી ભારતીય ટીમને ઘૂંટણિયે પાડી દીધી હતી. હેનરીએ 1પ રનમાં પ અને ઓ'રૂકે 22 રનમાં 4 વિકેટ ખેડવી હતી. ન્યુઝિલેન્ડની ફિલ્ડિંગ પણ અદ્ભુત રહી હતી અને જબરદસ્ત કેચ લીધા હતા. બીજા દિવસની રમતના અંતે કિવિઝ ટીમ પ0 ઓવરમાં 3 વિકેટે 180 રન કરી 134 રન આગળ થયું હતું અને પ્રથમ ટેસ્ટ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું. કિવિઝ ઓપનર ડવેન કોન્વે 9 રને સદી ચૂકી 91 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો. બીજા દિવસે વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતી ભારતીય કપ્તાન રોહિત શર્માએ બેટિંગનો ભૂલભરેલો નિર્ણય લીધો હતો. શુભમન ગિલ અનફીટ હોવાથી ઇલેવનમાં સામેલ કરાયો ન હતો. કપ્તાન રોહિત શર્મા (2) સાતમી ઓવરમાં સાઉધીના દડામાં બોલ્ડ થયો હતો. આ પછી હેનરી અને ઓરૂકે ત્રાટક્યા હતા. વિરાટ કોહલી અને સરફરાઝ ખાન ઝીરોમાં આઉટ થયા હતા. ભારતની 3 વિકેટ 10 રનમાં પડી હતી. બાદમાં વરસાદને લીધે થોડીવાર માટે રમત અટકી હતી. યશસ્વી અને રિષભે ભારતની ઇનિંગ સંભાળવાની કોશિશ કરી હતી, 21મી ઓવરમાં યશસ્વીએ 13 રને ચાલતી પકડી હતી જ્યારે પંત સર્વાધિક 20 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. આ પછી કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન મીંડા મુકાવી પાછા ફર્યા હતા. કુલદીપ અને બુમરાહ પણ ટકી શક્યા ન હતા. આથી ભારતની પૂરી ટીમ 31.2 ઓવરમાં 46 રનના શરમજનક સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અગાઉ 37 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયા હોમ ટેસ્ટમાં નવી દિલ્હી ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે 1987માં 7પ રનમાં ઓલઆઉટ થઈ હતી. આ સ્કોરથી પણ ઓછા ટોટલ (46) પર આજે ટીમ ઇન્ડિયાનો કડૂસલો થયો હતો. ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ન્યુઝિલેન્ડે બીજા દિવસના અંતે 3 વિકેટે 180 રન કરી લીધા હતા. આથી તે 134 રન આગળ થયું છે અને 7 વિકેટ અકબંધ છે. ડવેન કોન્વે 10પ દડામાં 11 ચોગ્ગા-3 છગ્ગાથી 91 રને આઉટ થયો હતો. કપ્તાન લાથમે 1પ રન કર્યા હતા અને કોન્વે સાથે પહેલી વિકેટમાં 67 રનની ભાગીદારી કરી હતી. વિલ યંગ 37 રને આઉટ થયો હતો અને બીજી વિકેટમાં કોન્વે સાથે 7પ રનની ભાગીદારી કરી હતી. રચિન રવીન્દ્ર 22 અને ડેરિલ મિચેલ 14 રને નોટઆઉટ રહ્યા હતા. અશ્વિન, કુલદીપ અને રવીન્દ્રને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang