• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઈમામી કંપની દુર્ઘટનાની તપાસ હજુ ઠેરની ઠેર

ગાંધીધામ, તા. 17 : કંડલા સ્થિત ઈમામી એગ્રોટેક લીમીટેડ કંપનીમાં પાંચ શ્રમિકના મોતના બનાવમાં હજુ તપાસ ઠેરની ઠેર જ છે. કોઈની બેદરકારી કે કોઈ વિરૂદ્ધ ગુનો નોંધાયો હોય તેવું કાંઈ બહાર આવ્યું નથી. કંડલાની ઈમામી કંપનીમાં ગઈકાલે મધરાત્રે આ હોનારત સર્જાઈ હતી, જેમાં સિદ્ધાર્થકુમાર રાઘવરામ તિવારી, અમઝદ યુનુસ ખાન, આશિષ ઓમપ્રકાશ ગુપ્તા, આશિષ ઓમપ્રકાશ કુમાર તથા સંજુજી ઉર્ફે સંજય વિનાજી ઠાકોર નામના યુવાન શ્રમીકોના અકાળે મોત થયા હતા. કાળજું કંપાવી દેનાર આ બનાવમાં સંજય નામના યુવાનને બનાવની રાત્રે 11:03 વાગ્યે ટીપીએસ બોઈલર બેન્ક ઝોન એર ક્લિનિંગ વર્ક રનીંગ તથા 11:16 મિનિટે 26 ટીપીએચ બોઈલર વિન્ડ બોકસ ડોર ફીટીંગ વર્ક ડનનો મેસેજ સોશીયલ મીડિયાના ગ્રુપમાં નાખ્યો હતો તેવો રાત્રે 12:08 મિનિટે પણ એક મેસેજ કર્યો હોવાનું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું. જેના થકી આ કંપનીમાં મેઈન્ટેનન્સ અને સફાઈની કામગીરી થઈ રહી હોવાનું સપાટી પર આવી રહ્યું છે. બનાવની તપાસ કરનાર કંડલા મરીન પીઆઈ એ.એમ. વાડાનો સંપર્ક કરતાં તેમણે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું તેમજ હાલમાં કોઈની બેદરકારી કે ગુનો ન નોંધાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન સુપરવાઈઝર સ્લજથી ભરેલા આ ટાંકામાં પોતાની રીતે ઉતર્યો હતો કે અન્ય કાંઈ હતું તે સહિતના પ્રશ્નો હજુ પણ તંત્ર પાસે નથી. આ અંગે ફેકટરી ઈન્સ્પેકટર કચેરીના નાયબ નિયામક આર. એચ. સોલંકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કંપનીએ ભોગ બનનારા શ્રમીકોના પરિવારજનોને 15-15 લાખ ચુકવી આપવા બેંક મેનેજરને પત્ર લખી આપ્યો છે. તથા કાનુની વળતર લેબરકોર્ટ થકી ચુકવી આપવા કાર્યવાહી કરવામાં આવશે. સંજય નામના યુવાને સોશીયલ મીડિયાના ગ્રુપમાં કામગીરી ચાલતી હોવાના મેસેજ કર્યા હતા તે અંગે પૂછતાં તેમણે આવું કાંઈ પોતાના ધ્યાને નથી આવ્યું પરંતુ તપાસ હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang