• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

મહારાષ્ટ્રમાં પુનરાવર્તન કે પરિવર્તન?

મહારાષ્ટ્રની બહુપ્રતિક્ષિત વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં 20મી નવેમ્બરે યોજાશે. આ ચૂંટણી પર વિવિધ કારણોસર દેશભરનું ધ્યાન કેન્દ્રિત છે કેમ કે ઉમેદવારીપત્રક પાછું ખેંચવાના છેલ્લા દિવસ સુધી રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ ચાલુ રહેવાનાં એંધાણ હોવાથી તેમજ ચૂંટણી કાર્યક્રમ લાંબો નહીં હોવાને લઈ મોટા ભાગના પક્ષો માટે `રાત થોડી અને વેશ ઝાઝા' જેવું થશે. બધા જ પક્ષો સામે બળવાખોરોને નિયંત્રણમાં રાખવાનો મોટો પડકાર હશે. કારણ કે વિધાનસભાની જેટલી બેઠકો છે તેનાથી અનેકગણા વધુ લોકોને ઉમેદવારીમાં રસ છે. આ ઉપરાંત અનેક ઉમેદવારો ટિકિટ ન મળે તો પ્રતિસ્પર્ધીનો જૂનો હિસાબ ચૂકતે કરવા તૈયાર બેઠા હોવાનું જણાય છે. જો કે, મુખ્ય પક્ષોએ પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી હોવાથી તેમના માટે ઉમેદવારોની ઔપચારિકતા માત્ર છે. જો કે, આમ છતાં સંપૂર્ણ યાદી એકસાથે જાહેર નહીં કરાય. પ્રથમ યાદી જાહેર કર્યા પછી કેવા પ્રત્યાઘાત ઊમટે છે એ જોઈ આગળના નિર્ણય લેવાશે. હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં અણધાર્યાં પરિણામો પછી ભાજપના કાર્યકર્તાઓનો જોમ-જોશ બમણો થયો છે, મહારાષ્ટ્રની ચૂંટણીના માહોલમાં ગરમાટો આવ્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવસેના અને શરદ પવારની બનેલી મહાવિકાસ આઘાડીએ પણ મહારાષ્ટ્રનો કિલ્લો જીતવા તમામ શક્તિઓ કામે લગાડી છે. એકનાથ શિંદેની શિવસેનાનો સત્તામાં હતા ત્યારે અડધો સમય તો કોર્ટની લડાઈ અને ચૂંટણીપંચની લડાઈમાં ઠાકરે સેનાને માત કરવામાં ગયો છે. જો કે, એ પછી લોકહિતનાં કાર્યોને પગલે તેમનો હાથ ઉપર રહ્યો છે તેનો સંતોષ શિંદે જૂથને જરૂર હશે પણ હવે લોકોની અદાલતનો ચુકાદો પોતાની તરફેણમાં લાવવાનો મોટો પડકાર શિંદે સમક્ષ હશે. ભાજપના ટેકાથી શિંદેને મુખ્યપ્રધાન પદ મળ્યું, પણ આ અઢી વર્ષમાં શિંદેએ પોતાની જગ્યા બનાવી છે અને સ્થાન મજબૂત કર્યું છે. તેઓ ભાજપ સાથે મળીને મહાવિકાસ અઘાડી મહાયુતિનો સામનો કેવો કરે છે એ જોવાનું છે. અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ હોય કે શિવસેના, ટિકિટ વહેંચણી પણ મહત્ત્વનો મુદ્દો બનશે. આખરે મહારાષ્ટ્રમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન એ રહસ્ય પરથી 23મી નવેમ્બરે પરદો ઊંચકાશે. લોકસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી શિંદેએ ઠાકરે સેના સહિત અન્ય પક્ષોને પોતાની શક્તિનો પરચો દેખાડયો છે. લોકસભાની બેઠક વહેંચણીમાં ભાજપ પ્રદેશ મોવડીમંડળનો વિરોધ દબાવી દઈ તેમણે 15 બેઠકો પોતાના પક્ષ માટે લીધી તેમાંથી ભાજપના કેન્દ્રીય મોવડીમંડળથી પોતે કેટલા નજીક છે તે દાખવી આપ્યું છે. મહાવિકાસ આઘાડીમાં મહાયુતિની જેમ મુખ્યપ્રધાન પદના ચહેરાની જાહેરાત ઉદ્ધવ ઠાકરેના નામની થઈ. કોંગ્રેસ 288માંથી 110 બેઠકો માગી રહી છે. ઉદ્ધવસેનાને 125થી ઓછી બેઠકો નથી જોઈતી. જો કે, ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેના પક્ષને માત કરશે તો મહારાષ્ટ્રમાં તેને અસલી સેના કઈ એનો જવાબ આપોઆપ મળી જશે. 80થી વધુ વયના શરદ પવારને વધુ એકવાર પક્ષ, પ્રતિષ્ઠા બચાવી પોતાની કુનેહ દાખવવાની છે. તેમની મૂળ યોજના અજિત પવારના પક્ષને નમાવવા પર હશે. અશોક ચવાણ, રાધાકૃષ્ણ વીખે પાટિલ જેવા માતબર નેતા છોડી ગયા પછી કોંગ્રેસમાં બીજી હરોળના નેતાઓ પર કોંગ્રેસ મોવડીમંડળને વિશ્વાસ નથી. લોકસભા ચૂંટણીમાં વિદર્ભે કોંગ્રેસને સાથ આપ્યો હતો. જો કે, હવે બધી ટિકિટ વહેંચણીમાં સંતોષ સાથે પક્ષમાંના પ્રાદેશિક `શક્તિસ્થળો' ધરાવતા નેતાઓ જૂથબાજી છોડી કામ કરે છે કે નહીં તેના પર કોંગ્રેસની સફળતા નિર્ભર કરશે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન એ રહસ્ય પરથી 23મી નવેમ્બરે પરદો હટશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang