• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

જાંબાઝ જવાનોને સલામ

તંત્રી સ્થાનેથી.. : છ ઠ્ઠી મે 1999ના કારગિલનાં દુર્ગમ ક્ષેત્રમાં પાકિસ્તાન પ્રેરિત ઘૂસણખોરીના હેવાલ મળ્યા ને ભારતના રણબંકાઓએ જડબાંતોડ જવાબ આપીને પાકિસ્તાનને યુદ્ધમેદાનમાં વધુ એકવાર પછાડી દીધાની ઘટનાને 25 વર્ષ વીતી ગયાં. કારગિલમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓની ઘૂસણખોરીને મારી હટાવવામાં આવી, ત્યાં સુધી દેશભરમાં રાષ્ટ્રવાદની જબ્બર લહેર ફરી વળી હતી. કચ્છના એ સમયના તબીબ ડો. રોહિત શ્યામ ચતુર્વેદીનાં ગીતની પહેલી પંક્તિ તમામ ભારતવાસીઓની ઝંખનાને વાચા આપે છે. ઇસ કી કરતૂતોં કા ઇસ કો, અબ તો મજા ચખાઓ રે, લાલ કિલ્લે સે ઉઠા તિરંગા, લાહૌર તક લહેરાઓ રે. રણબંકા જવાનોએ 4થી જુલાઇના 11 કલાકના ભીષણ સંગ્રામ બાદ વ્યૂહાત્મક ટાઇગર હિલ્સ ફરી કબજે કર્યું હતું. 16,500 ફૂટ ઊંચાં શિખર પર તિરંગો લહેરાયો એ સાથે ભારતીય દળોની જીત સુનિશ્ચિત થઇ ગઇ હતી. એ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સેનાના ત્રણે પાંખના કમાન્ડરોને સંબોધતાં જણાવ્યું હતું કે, ઓપરેશન વિજય ભારતનાં દળોનો મહાન વિજય છે. ભારતવાસીઓ માટે 26મી જુલાઇના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આમ તો સમગ્ર દેશની સરહદોની નજરે કારગિલ યુદ્ધ એ મર્યાદિત યુદ્ધ હતું. 1971નાં યુદ્ધની તુલનાએ તેની કોઇ વિસાત નહીં, પણ, કારગિલનું મહત્ત્વ એ રીતે નોંધનીય છે કે, ત્રાસવાદને પાકિસ્તાન સીધેસીધું સક્રિય પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં એ સમગ્ર દેન પણ એની જ છે તે આ જ અરસામાં સાબિત થયું. કારગિલ યુદ્ધમાં 74 દિવસ પછી -26મી જુલાઇ, 1999ના રોજ નિર્ણયાત્મક વિજય મળ્યો. અગાઉ ચીન અને પાકિસ્તાન સાથેની ચાર લડાઇમાં આપણે જીતેલી ભૂમિ અથવા ગુમાવેલી ભૂમિ જતી કરવી પડી, પણ કારગિલ એક અપવાદ છે, જ્યાં તસુભાર ભૂમિ ગુમાવવી નથી પડી. કચ્છને સંબંધ છે ત્યાં સુધી કારગિલ યુદ્ધની અસર હેઠળ એની સરહદો પર પણ તંગદિલી હતી. રણ અને ક્રીક સીમાને આ પાર તેમજ પેલે પાર સામસામી સેનાઓ ગોઠવાઇ ગઇ હતી. સદ્ભાગ્યે યુદ્ધ ન થયું પણ સુરંગ બિછાવતાં બે જવાનો વિઘાકોટ નજીક અને એક અધિકારી ખાવડા રોડ પરના અકસ્માતમાં શહીદ થયા એમને કચ્છવાસી કયારે નહીં ભૂલે. એ દિવસોને યાદ કરીએ છીએ તો રૂંવાડા ઊભા?થઇ જાય?છે. કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી દેશભક્તિનો એક જબરદસ્ત જુવાળ ઊભો થયો હતો. પાડોશી દેશની નાપાક હરકતોના જડબાતોડ જવાબ આપણા જવાનો આપે એવી?ઇચ્છા સાથે જવાનો માટે કંઇક કરી છૂટવા કચ્છવાસી થનગનતા હતા. ચોરેને ચૌટે યુદ્ધની વાતો, 1971ના વિજયની વાતો, ભારતીય સેનાની આગેકૂચ અને નગરપારકર પર ત્રિરંગો ધ્વજ લહેરાયો એ ઘટનાઓ લોકો યાદ કરીને નવી પેઢીને તેનાથી વાકેફ કરી રહ્યા હતા, એવામાં જ જન્મભૂમિ અખબાર જૂથ દ્વારા `દેશભક્તિ ભંડોળ'નાં નામે જવાનોના લાભાર્થે ફંડ ઊઘરાવવાની જાહેરાત થઇ અને તેના એક ભાગરૂપે `કચ્છમિત્ર કાર્યાલય' પર નાણાં સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી. દેશભક્તિ જુવાળને જાણે નવી દિશા મળી હોય તેમ કચ્છવાસી ફંડ આપવા ઊમટી પડયા. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની પ્રેરણાથી વિદ્યાર્થીઓએ પોતાના રોજિંદા ખર્ચ પર કાપ મૂકીને નાણાંનો ધોધ વહેવડાવવાની શરૂઆત કરી. મોરારિબાપુ હોય કે મુફિત-એ-કચ્છ હાજી આમદશા બુખારી હોય, સંત હરિદાસજી હોય કે વ્હોરા કોમના વડા ધર્મગુરુ ડો. સૈયદના સાહેબ હોય, સૌએ નાત, જાત અને ધર્મના ભેદભાવ ભૂલી જઇ દેશ માટે યથાયોગ્ય ફાળો આપવા અપીલ કરી અને એના પ્રતિભાવમાં દેશભક્તિ ભંડોળ માટે નાણાંનો વરસાદ થયો.. એક ઇતિહાસ-એક વિક્રમ સર્જાયો. જન્મભૂમિ અખબાર જૂથનું દેશભક્તિ ભંડોળ લોકોએ છલકાવી દીધું અને કુલ આંક આઠ કરોડ રૂપિયાને સ્પર્શી ગયો. દેશના કોઇપણ અખબાર જૂથે આજ સુધી આવા ભંડોળમાં આટલી મોટી રકમ ભેગી કરી હોય એવો આ પ્રથમ બનાવ હતો. આ આઠ કરોડમાં `કચ્છમિત્ર' દ્વારા ભેગું કરાયેલું ફંડ સવા કરોડ જેટલું હતું. બીજી તરફ, સરહદ પર મા-ભોમની રક્ષા માટે ખડેપગે સરહદ પર તૈયાર એવા જવાનો માટે કંઇક કરી છૂટવાની તમન્ના સાથે જવાન્સ કેન્ટીન જેવી સંસ્થા પુન: જીવિત થઈ, હોમગાર્ડના નિવૃત્ત અને પ્રવૃત્ત સભ્યો ઉપરાંત માજી સૈનિકોએ જરૂર પડે સેવા બજાવવાની ઓફર કરી અને એ સાથે કિસાનોએ પણ એક અનેરી કહાણી સર્જી. કચ્છની રણ સીમાએ છેક વિઘાકોટ સુધી પાઈપલાઈન યુદ્ધના ધોરણે બિછાવવાની હતી. પુરવઠા તંત્રે કચ્છ કિસાન સંઘ સમક્ષ ધા નાખી અને માધાપર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કિસાન સંઘના ઉપક્રમે ટ્રકોની લાઇન લાગી ગઈ, ધરતીપુત્રો ઊમટી પડ્યા અને સરહદે જઈ ચાર દિવસમાં કામગીરી પૂરી કરી. આ શ્રમદાન અમૂલ્ય હતું. કોઈએ નાણાં લીધા નહીં એટલા માટે નહીં, પરંતુ માતની હાકલ પડી અને સેંકડો કિસાનોની કતાર લાગી ગઈ... ખાવડાથી 40 કિ. મી. દૂર રણની માટી ખુંદી ભારે મુશ્કેલ કામ આસાન બનાવી દીધું.  આમ ઓપરેશન વિજય ભારતવાસીઓની સાથે કચ્છવાસીઓના દિલમાં હંમેશ માટે અંકિત થઈ ચૂક્યું છે. આ તકે શહીદ વીર જવાનોને નતમસ્તક શ્રદ્ધાંજલિ આપીએ. ફોજીઓના ત્યાગ-બલિદાનને બિરદાવીએ... જયહિન્દ ! 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024