• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

મેઘરાજાને ઘણી ખમ્મા !

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતાં રાહતો આપવામાં ભલે કંજુસાઇ કરી હોય, પણ મેઘરાજાએ આષાઢી માહોલની જમાવટ?કરતાં કચ્છને ભરપૂર બજેટ ફાળવી દીધું છે. 15-20 દિવસના ગાળામાં કાંઠાળપટ્ટી સહિત છૂટીછવાઇ મહેર કર્યા બાદ છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસીને સૌને ખુશખુશાલ કરી દીધા છે. મુંદરા-માંડવીમાં નવ-નવ ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. હંમેશ વરસાદ ઝંખતાં અબડાસા અને નખત્રાણામાં પણ છ??ઇંચ પાણી વરસતાં નદી-નાળાં વહી નીકળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં અને રસ્તા જાણે નદીમાં ફેરવાઇ ગયા હતા. લખપત, રાપર, ગાંધીધામ, અંજાર અને ભુજમાં પણ સારો વરસાદ થયો છે. સારો વરસાદ જન-જનમાં અને જીવમાત્રમાં ચેતન ભરી દેતો હોય છે. એકસાથે ભારે વરસાદથી માંડવીની શોભા સમાન ટોપણસર અને અંજારનું સવાસર તળાવ છલકાઇ?ગયાં છે. મધ્યમ સિંચાઇના છ ડેમ પણ?ઓગની ગયા છે. કનકાવતી ડેમ પણ ઓગની ગયો છે. કનકાવતી અને મીઠી ડેમ ઓગને એટલે અબડાસા પંથકની વરસની ચિંતા ટળી જતી હોય છે. કચ્છ-ગુજરાતમાં હજુ કાળાં ડિબાંગ વાદળો મંડરાઇ રહ્યાં છે. ભુજ અને ભચાઉ, રાપર સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસે એવી અપેક્ષા છે. વરસાદ કચ્છનો ભાગ્યવિધાતા છે. એ રીઝે તો બેડો પાર અને રૂઠે તો તકલીફો અપાર. માંડવી, મુંદરા, ભુજ, અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાનાં જળાશયોમાં નવાં નીરની આવક થઇ?છે, તો વહેતાં પાલર પાણીથી જીવંત બનેલી નદીઓ અને જળાશયોથી સૃષ્ટિ જાણે પુલકિત બની છે. ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર નવું નૂર આવી ગયું છે. અબડાસા, માંડવીના કાંઠાળ ભાગોમાં અનરાધાર વરસાદે રાતોરાત ચિત્ર પલટી નાખ્યું છે. છલકાઇ?ગયેલા નાના-મોટા ડેમ-તળાવોને વાજતે-ગાજતે વધાવવામાં આવી રહ્યા છે. કચ્છ રાજ્યના બીજા ભાગોથી એટલે જ જુદો પડે છે. ચોમાસું આવે ને સારો વરસાદ પડે એ સૌરાષ્ટ્ર કે દક્ષિણ-મધ્યમ ગુજરાત માટે રાબેતા મુજબની પ્રક્રિયા છે. ત્યાં તો સાંબેલાધારે 40-50 ઇંચ પાણી ખાબકતું હોય છે ને ડેમ-તળાવોમાં અફાટ?જળરાશિ લહેરાતી હોય, પરંતુ કચ્છ મેઘતૃષ્ણાનો મુલક છે. અહીં સારા વરસાદે ઉત્સવ મનાવવામાં આવે છે ને જળાશયો ભરાય ત્યારે જળપૂજન કરીને ઇશ્વરનો આભાર માનવામાં આવે છે. અષાઢ વરસે એને વાવણી માટે સારું શુકન માનવામાં આવે છે. કચ્છમાં 2020માં ચોમાસાનો પ્રારંભ આવો જ આહ્લાદક થયો હતો. ચાર વર્ષ પૂર્વે માંડવીમાં આષાઢી બીજે આભ ફાટયું હોય એમ 48 કલાકમાં 15 ઇંચ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ વખતે પણ માંડવી-મુંદરા પર મેઘરાજાએ વિશેષ વહાલ વરસાવ્યું છે. એક નોંધનીય પેટર્ન એ છે કે, દર વખતે પશ્ચિમ કચ્છમાં વરસાદની ખેંચ અનુભવાતી હોય, પણ આ વખતે પશ્ચિમ કચ્છના ત્રણે તાલુકાને મેઘમહેરે રાજી કરી દીધા છે. નખત્રાણા પર વિશેષ અમીદ્રષ્ટિ છે. દરમ્યાન, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આભ ફાટયું હોય એમ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં છેલ્લાં ચાર ચોમાસાં એકંદરે સારાં ગયાં છે. સુરત અને વડોદરા આખાં જળમગ્ન છે. નીચાણવાળા ભાગોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની ખરાબ હાલત છે. એનડીઆરએફની ટીમ બચાવ-રાહતમાં લાગેલી છે. કચ્છમાં ભચાઉ તાલુકાને બાદ કરતાં બાકીના નવે તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાપરમાં સૌથી ઓછો 203 મિ.મી. જ્યારે સૌથી વધુ 732 મિ.મી. એટલે કે 29 ઇંચ મુંદરામાં પડયો છે. માંડવી સાડા બાવીસ ઇંચ સાથે તરબતર છે. ખેડૂતો માટે વાવણીજોગ વરસાદ થઇ?ગયો છે. ભૂતકાળને જોતાં આ સરહદી જિલ્લો ચોમાસાંની વિચિત્ર તાસીર, અનિયમિતતા અને અછતના વેદનામય ઇતિહાસનો સાક્ષી રહી ચૂક્યો હોવાથી આખી મોસમ માટે કચ્છીમાડુ હરખાઇ જવાનું ઓછું પસંદ કરે છે. ક્રિકેટમાં પ્રારંભિક જોડી જામીને ફટકાબાજી કરે એમ મેઘરાજાએ ચોમાસાંની શરૂઆતમાં જ જોરદાર બેટિંગ કરીને લીલાલહેર કરવી દીધી છે, પણ સમયાંતરે વધુ વરસાદ જરૂરી છે. એટલે જ કચ્છના ભાગ્યવિધાતાને વિનવણી કરવી છે કે, આખું ચોમાસું સમયાંતરે વરસીને કચ્છનો બેડો પાર કરી દેજો.... કચ્છ વિશાળ પંથકમાં ફેલાયેલો જિલ્લો છે અને સમતોલ વરસાદથી જ ફાયદો થશે. અષાઢના આશીર્વાદ માથે ચડાવીને આશા રાખીએ કે, આ ચોમાસું અપેક્ષા મુજબ ખરું ઉતરશે, ધાનના ભંડાર ભરાઇ જશે, જળાશયો છલકાશે ને કચ્છની ધરતી વનરાજીથી ખીલી ઊઠશે. મેઘરાજાને કચ્છના વધામણા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024