• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

દિવ્યાંગોની મશ્કરી

ખેલાડીઓ અને સિનેસ્ટાર્સને પોતાનો આદર્શ માનનારા લોકોની સંખ્યા લાખોમાં હોય છે. યુવાનો તેમને પોતાના આદર્શ માનવાની સાથે તેમના આચાર-વ્યવહાર અનુરૂપ જ વર્તાવ કરતા દેખાય છે. ક્રિકેટર યુવરાજ સિંહ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિક્સર મારી રાતોરાત દેશભરમાં સ્ટાર બની ગયો હતો. ત્યારથી દરેક ઊગતો ક્રિકેટર યુવરાજ જેવો કમાલ કરવાનાં સપનાં સેવે છે. આજે પણ તેમના લાખો પ્રશંસક છે. યુવરાજની સાથે ક્રિકેટર હરભજન સિંહ અને સુરેશ રૈનાનો દિવ્યાંગોની મજાક ઊડાડતા વાયરલ થયેલા વીડિયોથી અનેક લોકો નારાજ થયા છે. આ ખેલાડીઓની આવી હરકત નિંદનીય શરમજનક છે. આ ત્રણે ખેલાડીએ ટીમ ઈન્ડિયાને રાહ બતાવ્યો છે અને યુવાનોના આદર્શ છે. ક્રિકેટર જ શા માટે, કોઈ પણ સેલિબ્રિટીથી આ પ્રકારના વર્તાવની અપેક્ષા ન કરી શકાય, તેમને જવાબદારીનો અહેસાસ થવો જોઈએ. કારણ કે, આવાં વર્તનથી તો તેઓ લોકોએ આપેલાં માન-સન્માનની મજાક ઊડાવી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં હરભજન, યુવરાજ સિંહ અને રૈના એક લોકપ્રિય ગીત પર ડાન્સ કરતા લંગડાતા પોતાની પીઠ પકડેલા દેખાય છે, એ બતાવવા માટે કે મેચની તેમના શરીર પર કેટલી અસર પડી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યો છે. દિવ્યાંગોએ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનાં ઓજસ પાથર્યાં છે. શાત્રીય નૃત્યાંગનાં સુધા ચંદ્રને ભરતનાટયમમાં નામ કમાવ્યું છે. રવીન્દ્ર જૈન ગીત-સંગીતને નવી ઊંચાઈ સુધી લઈ ગયા છે. કેન્સર ચિકિત્સક ડો. સુરેશ અડવાણીએ દુનિયામાં ભારતનો ડંકો વગાડયો છે. ટ્રેન અકસ્માતમાં એક પગ ગુમાવનારા અરુણિમા સિંહે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરીને પર્વતારોહકો માટે આદર્શ સ્થાપ્યો છે. ચૂંટણીપંચે તો હાલમાં જ રાજકીય પક્ષો માટે બહાર પાડેલા કાયદા-નિયમોમાં દિવ્યાંગોના ઉપહાસ કરતા શબ્દોને ચૂંટણીસભાઓમાં ઉપયોગ કરવાની મનાઈ કરી છે. ચોમેરથી ટીકા પછી હરભજન સિંહે તો પોતાના આ કૃત્ય માટે માફી માગી છે, પણ યુવરાજ સિંહ અને સુરેશ રૈનાનું મૌન અકળાવનારું છે. આશા રાખીએ કે પોતાના ફોલોઅર્સની લાગણીઓનું સન્માન કરતા કોઈ પણ સેલિબ્રિટી ભવિષ્યમાં આવું વર્તન નહીં કરે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang