• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

સર્વજનહિતાય : વિકાસલક્ષી બજેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં મોદી સરકારનું  સર્વજનહિતાય - વિકાસલક્ષી અને રાહતદાયક બજેટ રજૂ કરીને ગરીબ, યુવા વર્ગ, મહિલાઓ અને અન્નદાતા કેન્દ્રિત યોજનાઓ જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ત્રીજી ટર્મમાં વિકાસનો નકશો તૈયાર થઈ રહ્યો છે : હવે આ નકશાનું ચિત્ર સ્પષ્ટ બની રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણ ભણી આગળ વધવાનો રાજમાર્ગ નિશ્ચિત કર્યો છે, જેમાં વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનો મજબૂત પાયો નખાઈ રહ્યો છે. વરિષ્ઠ નાગરિકોને વર્તમાનમાં જે રાહત મળે છે તેથી વિશેષ આપવામાં નથી આવી. સ્વાભાવિક છે કે, મોદીનું લક્ષ્ય નૂતન, યુવા ભારતનાં ભવિષ્ય ઉપર છે. સામાન્ય રીતે બને છે તેમ માત્ર કરવેરાની વધ-ઘટ કરીને બતાવવાને બદલે ભાવવધારો અને રોજગારી જેવી સમસ્યાના કાયમી નિરાકરણનો માર્ગ પકડયો છે. કામચલાઉ રાહતની જરૂર છે ત્યાં આપવામાં આવી છે અને આ લાભ મધ્યમ વર્ગ - પગારદાર વર્ગને મળશે. નાના વ્યાપારીઓ અને ઉદ્યમીઓનો પણ વિકાસ થશે. મોટા ઉદ્યોગો - ખાનગી ક્ષેત્રને અગાઉ અપાયેલી છૂટછાટ પછી હવે એમને જવાબદારીનું ભાન થવું જોઈએ. યુવા વર્ગને ઇન્ટર્નશિપની જોગવાઈ કરવી રહેશે. કઠોળ, તેલીબિયાં અને શાકભાજીના ભાવવધારાની સમસ્યાનાં નિરાકરણ માટે એક કરોડ ખેડૂતોને વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા તાલીમ અપાશે. શાકભાજીનાં વિશેષ ઉત્પાદન કેન્દ્ર શરૂ થશે જેનો લાભ ખેડૂતો અને મધ્યમ વર્ગને મળી શકશે. રોજગારી વધે તે માટે તમામ ક્ષેત્રોમાં વધારાની નોકરી અપાય તો તેના કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડની જવાબદારી સરકારની હશે. આ યોજનાથી પચાસ લાખ યુવાનોને નોકરી મળવાનો અંદાજ છે. કૌશલ્યની તાલીમ આપવા માટે કેન્દ્રો ખોલાશે. તાલીમાર્થીને રૂા. 7.5 લાખ સુધીની લોન મળશે. ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન મળશે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. યુવાનો માટે ઇન્ટર્નશિપ યોજના ચાવીરૂપ છે. 500 ટોચની કંપનીમાં પાંચ કરોડ યુવાઓને ઇન્ટર્નશિપ મળશે અને સરકાર સ્ટાઈપન્ડ ચૂકવશે. તે ઉપરાંત પહેલી નોકરી વખતે 15 હજાર ઇપીએફઓ દ્વારા જમા થશે. આમ યુવાનોને આકર્ષવાનો પ્રયાસ આવકાર્ય છે. મહિલાઓને રોજગારીની સવલત વધારવા ઉપરાંત એમના નામે પ્રોપર્ટી ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડયૂટી ઘટાડવામાં આવશે. મહિલાઓ માટે 3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. મહિલાઓનાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. મધ્યમ વર્ગને આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અત્યારે રૂા. 50 હજાર મળે છે તે વધારીને 75 હજાર કરવામાં આવ્યું છે. પગારદાર કર્મચારી - નવી ટેક્સ સિસ્ટમમાં આવકવેરામાં રૂા. 17,500ની બચત કરશે. આ ઉપરાંત પીએમ આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગ - રહેઠાણો માટે રૂા. 10 લાખ કરોડ ફાળવાયા છે. રાજ્યોને પણ સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા સમજાવાશે. પગારદાર વર્ગને આવકવેરામાં મામૂલી રાહત આપનારા નાણામંત્રીએ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં અઢી ટકા વધારો કરીને શેરબજારના રોકાણકારોને ઝટકો આપ્યો છે.  પરિવાર - પેન્શનધારકોને રૂા. 15 હજારની કપાત મળે છે તે વધારીને 25 હજાર થઈ છે, જેનો લાભ ચાર કરોડ પેન્શનર્સને મળશે. આ સિવાય સિનિયર નાગરિકોને બીજી કોઈ રાહત નથી. આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આ બજેટની  કેવી  અસર થશે તે જોવાનું છે. લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષ - વિશેષ કરીને રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનાં નામે મોદી ઉપર ટીકા-પ્રહાર કર્યા હતા તેના અપરોક્ષ જવાબમાં હવે ખાનગી ક્ષેત્ર દ્વારા રોજગારી અને દેશનાં નવનિર્માણમાં ભાગીદારી વિસ્તરે તેવી જોગવાઈ છે. નાણાપ્રધાનના આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે જે દર વર્ષે લગભગ 80 લાખ નવી રોજગારી - (ખેતી સિવાય) ઊભી કરવી પડશે. અત્યાર સુધી કોર્પોરેટ ક્ષેત્રને ઘણી છૂટછાટો અપાઈ છે. હવે મૂડીરોકાણ વધારવાની જવાબદારી ખાનગી ક્ષેત્રની છે. વિપક્ષ મોદી-બજેટની ટીકા કરે તે સ્વાભાવિક છે. બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. અહીં એ નોંધનીય છે કે, મોદી સરકાર ત્રીજી મુદ્દત માટે સત્તામાં આવી એમાં ટીડીપી અને જેડીયુનો સિંહફાળો છે. એટલે જ અખિલેશ યાદવ સહિતના નેતા ટીકા કરે છે. રાહુલ ગાંધી કહે છે કે, આ `ખુરસી બચાવો બજેટ' છે ! કમનસીબે વિપક્ષી નેતાને ખુરસીથી આગળ - દેશનો વિકાસ દેખાતો નથી... 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang