• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

રેલવે યાત્રા સલામત થવી જોઈએ

દેશભરમાં રેલવે માળખાંએ વિકાસની રફતાર પકડી લીધી છે, ત્યારે તેની સમાંતર રેલ અકસ્માતોની વધી રહેલી સંખ્યા અમંગળ ઓછાયો બની રહી છે. હાલત એવી છે કે, એક તરફ રેલવે દ્વારા વંદેભારત જેવી ઝડપી અને આધુનિક ટ્રેનો શરૂ કરીને ઉતારુઓની સુવિધાઓ વધારો કરવાની જાહેરાતો થતી રહે છે, તો બીજી તરફ રેલવે અકસ્માતો ચિંતાજનક રીતે જાણે રોજબરોજની ઘટના બનવા લાગ્યા છે. હાલત એવી થઇ છે કે, હવે તો દરેક અકસ્માત સમયે સરકાર તપાસનો આદેશ આપીને ભોગ બનેલાઓને વળતરની જાહેરાત કર્યા બાદ બનાવને વિસરી જાય છે. એક તરફ સરકાર રેલવે વ્યવહારમાં સલામતીના આધુનિક પગલાંના દાવા કરે છે, તો બીજી તરફ વારંવાર બનતા અકસ્માતોથી સલામતીના દાવા પોકળ હોવામાં જરા પણ વિલંબ થતો નથી. વળી, અકસ્માત સમયે કોઇની જવાબદારી પણ નક્કી થતી નથી, માત્ર ને માત્ર તપાસનો આદેશ આપીને હાથ ઊંચા કરી દેવાય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરુવારે ચંડિગઢથી દિબ્રુગઢ જતી એક એક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતે રેલવેની યાત્રા સલામત હોવાના દાવાની વધુ એક વખત પોલ ખોલી નાખી છે. આ બનાવામાં જે આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેમાંથી પાંચ તો સાવ ઊંધા વળી ગયા હતા, જેને લીધે ચાર જણનાં મોત થયાં અને 20 જેટલા અન્ય ઘાયલ થયા હતા. છેલ્લા થોડા સમયથી રેલવેમાં અકસ્માતોની વધી રહેલી સંખ્યાથી સવાલ એ થાય છે કે, એક તરફ તંત્રને ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ કરવાના દાવા કરાય છે, ત્યારે અકસ્માતોની સમસ્યા વકરતી કેમ જાય છે. સ્પષ્ટ છે કે, ગોંડાના બનાવ બાદ પણ રાબેતા મુજબ લાંબી તપાસ થશે અને સમયની સાથે લોકો અકસ્માતને વિસરી જશે. સમાન્ય નાગરિકોને તો અકસ્માતના સાચા કારણની જાણ પણ થશે નહીં. ખરેખર તો ઝડપી તપાસ ન થતાં સમયની સાથે તેના કારણો, અકસ્માત માટે જવાબદારો અને તેમની સામેના પગલાંની કોઇ વિગતો ખરા અર્થમાં જાહેર થતી નથી. આજકાલ ટ્રેનો એકમેક સાથે અથડાઇ પડવાના અને ડબ્બા પાટા પરથી ઉતરી પડયાના ગંભીર અકસ્માતો બાદ તપાસ હાથ ધરવાની જાહેરાત થાય છે, પણ આ બનાવો બતાવે છે કે, એક તરફ રેલવેના પાટાથી માંડીને તેમને સમાંતર સંચાલન વ્યવસ્થા સાથે છેડછાડનું પ્રમાણ વધી ગયું છે, તો ભારે ઝડપભેર દોડાવાતી ટેનોની માટે પાટા પોતે સલામત ન હોવાનું પણ ચોંકાવનારું તારણ સામે આવતું હોય છે. ખેરખર તો રેલવે તંત્રે તેનાં સ્થળ પર ચકાસણીના કર્મચારી મહેકમની ઘટ દૂર કરીને પાટા અને સાધનો પર સતત નજર રાખવાની વ્યવસ્થાની પુન: સ્થાપના કરવાની તાકીદે જરૂરત છે. અમુક બાબતો પાટાની સમાંતર પ્રત્યક્ષ રીતે સતત દેખરેખ માગી લેતી હોય છે અને તેનો કોઇ વિકલ્પ હોતો નથી. તાજેતરના સમયમાં આ માટેના સ્ટાફ ઓછો થયો હોવાનું ઘણી વખત બહાર આવતું રહે છે. રેલવે બોર્ડ અને સરકારે ચાવીરૂપ ખાલી જગ્યાઓની તુરંત ભરતી કરીને રેલવે લાઇન પર સતત નજર રાખવા પર ધ્યાન આપવું જોઇએ. પૂરતા કર્મી હશે તો જ આધુનિક સાધનો ખરા અર્થમાં અસરકારક બની શકે અને રેલવેની યાત્રા સલામત બની શકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang