• રવિવાર, 16 જૂન, 2024

માલિવાલને જૂઠા ગણાવતું આપ

આમ આદમી પાર્ટી (આપ) અને તેના સુપ્રિમોની મુશ્કેલીઓનો અંત આવતો હોવાનો તાલ સર્જાયો છે.  પોતાના પક્ષના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલની સાથે દુર્વ્યવહારના આરાપોને પોતાની જૂની વ્યૂહરચના મુજબ ભાજપના રાજકીય કાવતરાંમાં ખપાવવા બાંયો ચડાવી રહેલા કેજરીવાલ અને તેમના સાથી નેતાઓ તથા મુદ્દાને મહિલા અત્યાચાર ગણાવવા મેદાને પડેલા ભાજપના  નેતાઓ વચ્ચેના ગજગ્રાહમાં મહિલા સામેના અત્યાચારની વાત જાણે વિસરાઇ રહી હોય એવી કમનસીબ સ્થિતિ નિર્માણ પામી છે. એક તરફ સ્વાતિ માલિવાલના આરોપોની તપાસ હજી ચાલી રહી છે અને કેજરીવાલના વ્યક્તિગત સચિવ બિભવકુમારની ધરપકડ થઇ છે.  દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસેથી સીસીટીવીના ડીવીઆરને જપ્ત કર્યું છે, પણ સામે આવી  રહેલી વિગતો મુજબ ડીવીઆરમાંથી માલિવાલની સામે હુમલાના ફૂટેજ ગાયબ છે, તો બિભવકુમારનો મોબાઇલ પણ ફોર્મેટ થઇ ગયો છે.  ટેક્નોલોજીની ઉપલબ્ધિના આધારે પોલીસ હવે ગુમાવાયેલા ડેટાને પરત મેળવવા મથી  રહી  હોવાના અહેવાલ પણ છે.   બનાવની પ્રાથમિક વિગતો સામે આવી ત્યારે જવાબદારો  સામે પગલાં લેવાની વાત કરતા આપના નેતાઓએ સ્વાતિએ એફઆઇઆર નોંધાવતાંની સાથે ફેરવી તોળ્યું છે. આપના નેતા સંજયાસિંહે બનાવને તે સમયે દુભાર્ગ્યપૂર્ણ ગણાવીને જવાબદારો સામે મુખ્યમંત્રી દ્વારા કડક કાર્યવાહી કરાશે, એવી હૈયાધારણ વ્યક્ત કરી હતી, પરંતુ કેજરીવાલના ખાસ બિભવકુમારની ધરપકડ બાદ પક્ષે આખા મુદ્દાને રાજકીય રંગ આપવાની પોતાની જૂની નીતિ-રીતિ ફરી કામે લગાડી દીધી છે. હવે આપ પ્રકરણને ભાજપનું કાવતરું ગણાવે છે અને ખુદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે કે, તેમના બધા નેતાઓની ધરપકડ કરવાનો કારસો છે. બિભવકુમારની ધરપકડના વિરોધમાં ભાજપની કચેરીએ દેખાવો કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. સામા પક્ષે ભાજપે પણ મામલાને રાજકીય રંગ આપવાનું શરૂ કરી દીધું છે, તેના નેતાઓ ચૂંટણીના મંચો તેમાં પણ ખાસ કરીને દિલ્હીના મંચો પરથી મુદ્દો ઊઠાવીને આપને નિશાન બનાવવા લાગ્યા છે.  ભાજપના મહિલા કાર્યકરોએ દિલ્હીમાં દેખાવો પણ કર્યા છે. આખા બનાવની તપાસમાં કઇ હકીકતો સામે આવે છે, તેના પર સ્વાભાવિક રીતે સૌની નજર મંડાયેલી છે.  સ્વાતિ માલિવાલ જેવી મહિલા નેતા રાજ્યસભાની સભ્ય છે, તેની સાથોસાથ દિલ્હીના મહિલા પંચના અધ્યક્ષા પણ રહી ચૂક્યા છે, તેમની સાથે આવો કોઇ બનાવ બને તે ટીકાને પાત્ર ગણી શકાય. કોઇપણ મહિલા સામે આવો વ્યવહાર આધુનિક ભારતમાં સ્થાન ધરાવતો હોવાનું સૌ સ્વીકારે પણ છે.  રાજ્યસભાના સભ્ય મહિલા સામે મુખ્યમંત્રીના સચિવના દુર્વ્યવહારનો બનાવ ખરા અર્થમાં આપ અને કેજરીવાલનો વધુ એક વરવો ચહેરો જાહેર કરી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang