• રવિવાર, 23 જૂન, 2024

જન્મજાત પગની ખોડખાંપણવાળાં બાળકોનું વહેલું નિદાન થાય તો પરિણામ ઝડપી મળે

ભુજ, તા. 15 : જન્મજાત વાંકા પગની ખોડખાંપણ (ક્લબ ફૂટ) ધરાવતા બાળકોનું નિદાન જેટલું વહેલું થાય તેટલું પરિણામ ઝડપી મળે છે એમ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ક્લબ ફૂટ ડે નિમિત્તે જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ઓર્થોપેડિક સર્જને જણાવ્યું હતું. જી.કે.ના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેઇમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ હોસ્પિટલ અને કયોર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી જન્મથી ખોડખાંપણવાળા પગ ધરાવતા અને અત્રે સારવાર બાદ ચાલતા થયા હોય એવા બાળકોના સથવારે કેક કાપીને ઉજવણી કરતા જણાવ્યું હતું કે, ગેઇમ્સ લોકજાગૃતિ માટે કટિબદ્ધ છે. પ્રાસંગિક ઉદબોધનમાં હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ ઓર્થોની  ટીમને અભિનંદન આપ્યા હતા. એડિ. મેડિ. સુપ્રિ. ડો. વિવેક પટેલે જણાવ્યું કે, કચ્છના દૂરના વિસ્તારમાંથી જન્મથી વાંકા પગની ખોડખાંપણવાળા બાળકો સારવાર લેવા આવે છે અને તેમને સફળ સારવાર મળી છે. કયોર ફાઉન્ડેશનના કાઉન્સેલર જયવન્તીબેને જણાવ્યું હતું કે, જી.કે.માં 2016થી સંસ્થા કાર્યરત છે અને ઓર્થો વિભાગની મદદથી કચ્છના 350 બાળકોને સારવાર આપી ચાલતા કર્યા છે. અૉર્થોપેડિક સર્જન ડો. ઋષિ સોલંકીએ જણાવ્યું કે, બાળક જન્મે અને વાંકા પગની ખોડખાંપણ ધરાવતું હોય તો પ્રથમ દિવસથી સારવાર શરૂ થઈ જવી જોઈએ. અત્યારે તો જન્મ પહેલાં સોનોગ્રાફી દ્વારા પણ બાળક આવી ખોટ ધરાવતું હોય તો તેનું નિદાન થતું હોવાથી ક્ષેત્રે સારવારમાં લોકજાગૃતિની ખાસ જરૂર છે. તેમણે કહ્યું કે, હજુ પણ દર્દીઓ મોડા આવે છે, જેટલું મોડું એટલું પરિણામ મોડું આવે છે અને જી.કે.માં વિનામૂલ્ય સારવાર થતી હોવાથી લાભ લેવા જરૂરિયાતમંદોને અનુરોધ કર્યો હતો. પ્રારંભમાં ડો. શ્લોક મેન્દિરતાએ  આવકાર પ્રવચનમાં ખોડખાંપણને કારણે તબીબી તપાસ અને સારવારની વિગતો આપી ઉમેર્યું કે વિશ્વમાં દર હજાર પૈકી 10 બાળકોને આવી ખોડખાંપણ જોવા મળતી હોય છે. બાળકોના વાલીઓ અરાવિંદ ગોયલ અને અનિતાબેન જોશીએ પ્રતિભાવમાં જી.કે. જનરલમાં મળતી સારવારની સરાહના કરી હતી. ડો. તેજ રૂડાણી, ડો. વિશાલ પુષ્કર્ણા, ડો. કેલ્વિન સુરેજા, ડો. નિયતિ શર્મા અને ડો. દક્ષિસે સારવારમાં મદદરૂપ બન્યા હતા. સંચાલન ડો. વિરેન વાઢેરે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ખૂણે ખૂણે કાર્યરત આશાવર્કર બહેનોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમને આવા  કેસની જાણ પ્રથમ થતી હોય છે અને તેમના સહકારથી જી. કે. જનરલ હોસ્પિટલનું કાર્ય સરળ બની રહે છે. જેમના બાળકો હાલતા ચાલતા થયા છે તેઓ પણ પોતાના વિસ્તારમાં આવા કેસ જણાય  તો તેમને તુરંત જી.કે.માં વિનામૂલ્યે સારવાર લેવા માટે પ્રોત્સાહિત કરવા પણ વિનંતી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang