• રવિવાર, 23 જૂન, 2024

આદિપુર રામકૃષ્ણ મઠમાં ધાર્મિક - સેવાકીય પ્રવૃત્તિની વહેતી સરવાણી

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 15 : ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલા   આદિપુર શહેરમાં ઉચ્ચ શિક્ષણની જ્યોત  પ્રગટાવવાની સાથોસાથ આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યોનું ઘડતર થાય તે હેતુથી કાકા પ્રીભદાસ તોલાણીએ આદિપુરમાં રામકૃષ્ણ સેવા કેન્દ્ર કાર્યરત કર્યું હતું. બેલુર મઠ સાથે કેન્દ્ર જોડાય તે સ્વપ્ન સાથે શરૂ કરાયેલું કેન્દ્ર આગામી તા. 22મીએ  વિધિવત રીતે જોડાશે અને તે પૂર્ણ થશે.  જો કે, છેલ્લા એક વર્ષથી કેન્દ્રમાં મઠના સંતોની નિયુકિત કરાઈ છે અને શિક્ષણ, સંસ્કારોનું  જતન કરતા વિવિધ ધાર્મિક સહિતની પ્રવૃત્તિઓ વ્યાપક સ્તરે થઈ રહી છે. પશ્ચિમ બંગાળના બેલુર મઠ સાથે  જોડાવવા જતા રામકૃષ્ણ સેવા કેન્દ્રની શરૂઆત  આદિપુરમાં વર્ષ1967માં કરવામાં આવી હતી. સિંધના લાડકાનામાં જન્મેલા કાકા તોલાણી વર્ષ 1941-42ની આસપાસ રામકૃષ્ણ મિશન કરાચીના પ્રમુખ સ્વામી રંગનાથજીના સંપર્કમાં આવ્યા હતા, ત્યારથી તેઓ સતત સ્વામજીના સંપર્કમાં હતા અને રામકૃષ્ણ મઠ અને મિશન સાથે કાકાનું જોડાણ થયું. જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મને ધ્યાનમાં લીધા વિના શ્રી રામકૃષ્ણ સ્વામી અને સ્વામી વિવેકાનંદ દ્વારા ઉપદેશિત વેદાંતના સાર્વત્રિક ઉપદેશોમાં માનતા લોકોને ભેગા કરવા માટે એક મંચ પ્રદાન કરવાના હેતુથી આદિપુરમાં રાકૃષ્ણ સેવા કેન્દ્રનો આરંભ કરાયો હતો. વર્ષ 1991માં કેન્દ્રના ચેરિટી કમિશનર  સમક્ષ નોંધણી કરાઈ. સત્તાવાર સાર્વજનિક ટ્રસ્ટ તરીકે  શરૂઆત થઈ ત્યારથી રાકૃષ્ણ સેવા કેન્દ્રને રામકૃષ્ણ મઠને સંભાળવા માટે વિનંતી કરવામાં આવી હતી.  ટ્રસ્ટનાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,  જ્યારે રામકૃષ્ણ આશ્રમ સ્થાપના ઉપર ટ્રસ્ટને બંધ કરવામાં આવશે અને  તમામ  સ્થાવર જંગમ મિલકત મુક્ત કરાશે અથવા રામકૃષ્ણ મઠ બેલુરને સમર્પણ કરવામાં આવશે. 12 ઓક્ટોબર 2006માં ટ્રસ્ટ બોર્ડેં સર્વસંમતિથી જોડાણ માટે ઠરાવ પસાર કર્યો હતો અને વર્ષ 2007માં આદિપુર ખાતેના કેન્દ્રને મઠ સાથેનાં જોડાણ અને સ્થાપના માટે રામકૃષ્ણ મઠને સત્તાવાર રીતે લેખિત વિનંતી કરવામાં આવી હતી અને ત્યારથી માટેના પ્રયાસો વધારવામાં આવ્યા હોવાનું સ્વામી મંત્રેશાનંદજીએ જણાવ્યું હતું. 28 જુલાઈ 2021માં રામકૃષ્ણ મઠ બેલુર દ્વારા આદિપુર કેન્દ્રને સંભાળવા માટે સંમતિ આપવામાં આવી હતી. મુખ્યાલયના નિર્દેશ મુજબ   નિવાસી સાધુ તરીકે માર્ચ 2022ના મંત્રેશાનંદજી મહારાજ - આદિપુર કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. સાથે રાજકોટ કેન્દ્રના સ્વામી તિતિક્ષાનંદજી  રોજિંદાં કામ માટે આદિપુર આવ્યા હતા  અને જરૂરી વહીવટી કામગીરી પૂર્ણ કરી હતી. સ્વામી બંશીધરાનંદજીને આદિપુર કેન્દ્રમાં મૂકવામાં આવ્યા હતા. આદિપુર રામકૃષ્ણ મઠ ખાતે સ્વામી  વિવેકાનંદ બાળ સંસ્કાર, શ્રી મા શારદા ચિકિત્સા, જરૂરિયાતમંદોને રાશન કિટ, શ્રી મા શારદા  સીવણ વર્ગ ક્લાસ, કુદરતી આફતોમાં રાહતકાર્ય,  નિ:શુલ્ક મોબાઈલ મેડિકલ સેવા,  ગૌશાળા અને વૃક્ષોનું જતન સહિતનાં કાર્યો થઈ રહ્યાં છે.   સંધ્યા આરતી બાદ સોમવારે રાકૃષ્ણ કથામૃત ઉપર પ્રવચન,  મંગળવારે શ્રી મા શારદાનામ સંકીર્તન, બુધવારે વિષ્ણુ સહત્ર નામ, ગુરુવારે  સ્વામી વિવેકાનંદ  યૂથ સ્ટડી સર્કલ અને ધ્યાનસત્ર, શુક્રવારે શ્રીમદ્ ભગવત ગીતા ઉપર પ્રવચન (હિન્દીમાં),  શનિવારે જપસત્ર, રવિવારે ઈશાવાસ્યોપનિષદ (હિન્દીમાં)  કરવામાં આવે છે. દરરોજ સવારે 8 વાગ્યે દૈનિક પૂજા, સાંજે આરતી, ભજન, કથામૃત, પાઠ, ધ્યાન, દર એકાદશીએ રામનામ સંકીર્તન (સંધ્યા આરતી પહેલાં), અવતાર પુરુષો, દેવી-દેવતાઓની જન્મ જયંતીની ઉજવણી, દર અમાસના શિવનામ સંકીર્તન (સંધ્યા આરતી પહેલાં), દર પૂર્ણિમાએ શ્યામનામ સંકીર્તન (સંધ્યા આરતી પહેલાં) કરાય છે. દર મહિનાની ત્રીજી તારીખે  રવિવાર સિવાય નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાય છે. મઠમાં શ્રી શ્રી ઠાકુર સેવા, સાધુ સેવા, ગૌશાળા,વૃક્ષોનું જતન, આધ્યાત્મિક કલ્યાણની સેવાના કાયમી નિભાવ માટે ભકતો - પ્રસંશકો અને ઉદ્યોગપતિઓને દાન આપવા માટે અનુરોધ કરાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang