• રવિવાર, 23 જૂન, 2024

મોટો અપસેટ ચૂક્યું નેપાળ : આફ્રિકાની એક રને જીત

નવી દિલ્હી, તા. 15 : ટી20 વિશ્વકપના 31મા મુકાબલામાં નેપાળ મોટો ઉલટફેર કરતા માત્ર એક રને ચૂકી ગયું હતું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલા મુકાબલામાં નેપાળને જીત માટે 116 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જો કે એસોસિયેટ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 114 રન કરી શકી હતી. વર્તમાન ટી20 વિશ્વકપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જયો હતો. તેવામાં નેપાળ દક્ષિણ આફ્રિકાને હરાવી શક્યું હોત તો નેપાળની ટીમની ગણતરી પણ અમેરિકા સાથે થઈ શકી હતો. આફ્રિકાની ટીમની જીતનો હીરો તબરેઝ શમ્સી રહ્યો હતો. જેણે ચાર વિકેટ લઈને નેપાળને જીતવાથી રોકી દીધું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે રીઝા હેન્ડ્રિક્સની 43 રનની ઇનિંગ્સના દમ ઉપર 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 115 રન કર્યા હતા. હેન્ડ્રિક્સ બાદ ટ્રિસ્ટન સ્ટ્રબે 18 બોલમાં 27 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ નેપાળ માટે બોલિંગમાં કુશલ ભુર્તેલ ચમક્યો હતો. જેણે ચાર વિકેટ લીધી હતી. જ્યારે દીપેન્દ્રસિંહને ત્રણ સફળતા મળી હતી. 116 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ માટે કુશલ ભુર્તેલ (13) અને આસિફ શેખ(42) સારી શરૂઆત અપાવતા પહેલી વિકેટ માટે 35 રન જોડયા હતા. બન્નેને શમ્સીએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બાદમાં અનિલ સાહે 27 રનની ઇનિંગ સાથે નેપાળને લક્ષ્યની નજીક પહોંચાડયું હતું. અંતિમ ઓવરમાં નેપાળને જીત માટે આઠ રનની જરૂરિયાત હતી. ઓટ્ટનીલ બાર્ટમેનના ત્રીજા બોલે ચોગ્ગો અને ચોથા બોલે બે રન લઈને ગુલશન ઝાએ નેપાળને જીતના આરે લાવી દીધું હતું. જો કે તે અંતિમ બે બોલમાં બે રન કરી શક્યો નહોતો. અંતિમ બોલે ઝા રન આઉટ થયો હતો અને નેપાળ માત્ર એક રને મેચ હારી ગયું હતું. સાથે વિશ્વકપમાં બીજો મોટો ઉલટફેર થતા રહી ગયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang