• રવિવાર, 23 જૂન, 2024

પદાર્થો સાથેનો લાંબો વ્યવહાર આસક્તિનું કારણ

જગદીશ ગોર દ્વારા : ભુજ, તા. 15 : ભુજ મધ્યે ડો. મહાદેવ પ્રસાદજી મહેતાના વ્યાસાસને ભુલજીભાઈ નારાણભાઈ ચંદે પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહાયજ્ઞમાં ભાવિકો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. શાત્રો આધારિત અને એના પ્રમાણ આપવાની સાથે કથા કરતા વક્તાએ જણાવ્યું હતું કે ધીમે ધીમે બધામાં ઈશ્વરને જોવાની પદ્ધતિ બતાવી છે. તમામ નામોવાળા પદાર્થો સાથે વ્યવહાર એટલો કરવો જોઈએ જેટલું એનું પ્રયોજન હોય. પદાર્થો સાથેનો લાંબો વ્યવહાર આસક્તિનું કારણ બનશે. જેના સંદર્ભે મોબાઈલના વપરાશ અંગેનું દૃષ્ટાંત આપી જણાવ્યું કે મોબાઈલમાં વાત થઈ ગઈ, મેસેજ ગઈ ગયો, પછી એને મુકી દેવો જોઈએ. સતત એને હાથમાં રાખવાથી લાંબો સમય વહેવાર કરવાથી આસક્તિનું કારણ બનશે અને આસક્તિ પતનનું કારણ છે. બધું આપણને ગમે છે એનું કારણ એના પ્રત્યે આપણને આસકિત છે. નબળા વ્યક્તિઓ કથાની શું જરૂરીયાત છે ? કથામાં બેસવાથી ફાયદો શું ? એવા પ્રશ્નો કરતા હોય છે ત્યારે એમને પુછવાનું મન થાય કે તમે દારૂ વેચાય છે એનો ક્યારે વિરોધ કર્યો ? બાળકોના વ્યસન છોડાવવા માટે એના માનસપટમાં સંપૂર્ણ સાત્વિકતા ભરી દેવાની વાત કરતાં દૃષ્ટાંતો આપ્યા હતા. પરિક્ષીત રાજાએ શુકદેવજી મહારાજને એક સાથે સાત પ્રશ્નો પુછયા એટલે સાત દિવસની ભાગવત કથા થાય છે. એમ વક્તા ડો. મહાદેવપ્રસાદે જણાવ્યું હતું. શાત્રીય રીતે કથાને પ્રસ્તુત કરો તો લોકો ગ્રહણ કરે. વકતાનો ભાવ એવો હોવો જોઈએ કે લોકોના હૃદયમાં કૃષ્ણ બેસાડવા છે. કથા લોકો સુધી પહોંચે તો સમજવું કે વકતાના ઉદેશમાં ફેર છે, વકતા કૃષ્ણ માટે નહીં કાંચન માટે દોડે છે. કથામાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. જેમાં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ભજનિક મહેશભાઈ રાજદે અને નારણભાઈ ઠક્કરની સંતવાણી યોજાઈ હતી. જ્યારે કચ્છના કવિઓના કવિ સંમેલનમાં કવિઓ જયંતી ગોર `જખ્મી', મોહનલાલ જોશી, અરવિંદ સોમૈયા, અરૂણાબેન ઠક્કર, વસંત અજાણી અને જગદીશ ગોર `શરમાળ' પોતાની કચ્છી, ગુજરાતી, હિન્દી રચનાઓ રજૂ કરી હતી. કવિ સંમેલનનું સંચાલન જગદીશ ગોર `શરમાળ' કર્યું હતું. વિદ્વાન કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા શ્રીમદ્ ભાગવત કથાનું શ્રોતાઓને પણ ઉપલબ્ધ ભાગવત પુસ્તક આપી શ્લોકોનું શ્રવણ કરાવે છે. ઉપરાંત દરરોજ સાંજે વિવિધ વિષયોના સંવાદમાં સામુહિક શાત્ર, ગંગાપુત્ર ભીષ્મ, જ્યોતિષ એક અદ્વૈત વિજ્ઞાન, કૈકેયી-માતૃપ્રેમ અને પૈસો ખરો પરમેશ્વર ? પર વિશેષ પ્રકાશ પાડી છણાવટ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang