• રવિવાર, 23 જૂન, 2024

મહેરામણના ટોડલે પર્યટનનાં તોરણ બંધાઇ રહ્યાં છે

ગિરીશ જોશી દ્વારા : પડાલા બેટ (કોરીક્રીક), તા. 15 : કચ્છના ટોડલે પ્રવાસનનાં તોરણ હવે બંધાઇ ચૂકયાં છે, ત્યારે દર વર્ષે પ્રવાસીઓને આકર્ષવા નવાં-નવાં આયોજન હાથ ધરાઇ રહ્યાં છે. ધોરડો રણોત્સવ, ધોળાવીરા, સ્મૃતિવન પછી હવે સીમાદર્શનનો પ્રારંભિક ધોરણે પ્રયોગ કરાયા પછી ચેરના જંગલોમાં પર્યટકોને લઇ જવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કોરીક્રીક વિસ્તારમાં પડાલા બેટ ઉપર ચેર સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યંત કઠિન મનાતી કામગીરી દરિયાઇ ભરતી-ઓટને ધ્યાનમાં લઇ મહેરામણ વચાળે તંબુ તાણવામાં આવ્યા છે. દૃશ્ય જોવા જોખમ ખેડીને પણ `કચ્છમિત્ર' પડાલા બેટ સુધી પહોંચ્યું અને રોમાંચક અહેવાલ મેળવ્યો. આમ તો સામાન્ય માનવ વસાહત માટે અહીં કોઇ જગ્યા નથી કારણ કે, ચારેય બાજુ દરિયો અને ક્રીકની વચ્ચે એક ટાપુ છે, જેને સીમા સુરક્ષા દળે પડાલા બેટનું નામ આપ્યું છે. પડાલા બેટ તરીકે ઓળખાતી જગ્યા જંગલ ખાતાં હસ્તક હોવાથી અહીં મેંગ્રૂવ્ઝ એટલે કે ચેરના જે જંગલ છે તેનો વિકાસ અને ઉછેર  કરીને ભારત સરકારના મિલ્ટી   પ્રોજેક્ટ હેઠળ માણસો અહીં પહોંચી શકે અને ભવિષ્યમાં  પર્યટકોને માટે પ્રવાસન ક્ષેત્રના આકર્ષણ ઊભા કરવામાં આવે હેતુથી વનતંત્ર દ્વારા અત્યંત કપરી કામગીરી એકાદ વર્ષમાં ઊભી કરવામાં આવી છે. ચારે તરફ ઘૂઘવાતા મહેરામણ અને ક્રીકના કીચડ વચ્ચે કાર્ય પાર પાડવામાં આવ્યું છે. હવે અહીં રાતવાસો પણ કરી શકાય છે, વીજળી પણ સોલારથી ચાલુ થઇ ગઇ છે. બોટ મારફતે દૈનિક પીવાનું મીઠું  પાણી, રાશન વગેરે પહોંચાડીને ચેરનું સંવર્ધનકામ ચાલુ છે. કામગીરી ભલે ગુપ્ત રાહે ચાલે છે. કેમ કે, સીમા સુરક્ષા દળનો સતત ચોકી-પહેરો છે, તરતી ચોકી પણ બાજુમાં છે, તેમ છતાં કામગીરીને નજરે નીહાળવા `કચ્છમિત્ર' ટીમ વિશ્વના પર્યટન સ્થળના અખબારી હેવાલ અંગે મુલાકાતે પ્રથમ પહોંચી હતી. અહીંની દરિયાઇ સીમા પડોશી પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી સીમા સુરક્ષા દળનો સતત ચોકી-પહેરો રહેતો હોવાથી સલામતીની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા કોરીક્રીક વિસ્તારમાં પ્રર્યટનના વિકાસનાં પાસાં પણ સરકારના ચારેય વિભાગ ફૂંકી-ફૂંકીને તપાસે છે. વિસ્તારમાં પર્યટન ક્ષેત્રનાં કામો કરવાની જવાબદારી બી.એસ.એફ., વનતંત્ર, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન વિભાગને સંયુક્ત જવાબદારી સોંપવામાં આવી છે. કેમ કે મિલ્ટી પ્રોજેકટ ભારત સરકારની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે નવતર રીતે કાર્ય પાર પડે એટલે તો તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર પી.કે. મિશ્રા પણ પડાલા બેટ સુધી આવી પહોંચ્યા હતા.અત્યારે પ્રથમ તબક્કે ચેર અભ્યાસ કેન્દ્રની સાથે આવાસની વ્યવસ્થા પશ્ચિમ વન વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી હોવાથી નારાયણ સરોવર, આર.એફ.. હસમુખ ચૌધરીની દેખરેખ હેઠળ કામ કરવામાં આવ્યું છે. નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચાલતી કામગીરી નીહાળવા અમે જ્યારે પહોંચ્યા તો સ્થળ પર માતાના મઢના આર.એફ.. .જી. રબારી મળ્યા અને તેમણે સમજણ આપી હતી. ત્રણ હેકટર વિસ્તારમાં પથરાયેલા ટાપુનો વિકાસ કરી ચારેય તરફ દરિયાઇ પાણીને આવતા અટકાવવા મોટા પાળા બનાવી જાણે એક નાનકડું સાફ-સૂથરું નગર બનાવવામાં આવ્યું છે. ખાસ પ્રકારની એક્રેલિક સીટમાંથી આઠ તંબુ બનાવવામાં આવ્યા છે, ડાયનિંગ હોલ, રહેણાક ઉપરાંત ચેર સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અંદાજે  દોઢ વર્ષનો સમય કાર્યના નિર્માણ પાછળ લાગ્યો છે. અહીં દરેક વસ્તુઓ પહોંચાડવા ફિશિંગ બોટ ભાડે કરવામાં આવે છે. દૈનિક પાણીથી માંડી રાશન સામગ્રી પણ પહોંચે છે. કેમ કે, 150 જેટલા શ્રમજીવી સતત કામ કરે છે. ભવિષ્યમાં પ્રવાસીઓ ચેરનો અભ્યાસ કરી શકે મૂળ ઉદ્દેશ છે. વિશ્વમાં કડકમાં કડક વૈજ્ઞાનિક ધારા ધોરણો મુજબ, સાચા અર્થમાં ચેર (`ટુ મેન્ગ્રૂવ્ઝ') ગણી શકાય તેવી 54 પ્રજાતિ છે. વિશ્વનો 150 લાખ હેકટર જેટલો વિસ્તાર ચેરના વનો ધરાવે છે. વિશ્વના વિવિધ દેશો પૈકી ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, મેકિસકો, નાઇજેરિયા, મલેશિયા, મ્યાનમાર, બાંગલાદેશ તથા ભારત એવા દેશોના ઉદાહરણો છે જે ચેરની દૃષ્ટિએ સમૃદ્ધ ગણાય છે. ભારતમાં સાચા અર્થમાં ચેર ગણી શકાય તેવી 34 પ્રજાતિઓ છે. દેશના ભૌગોલિક વિસ્તારના 0.15 ટકા વિસ્તારમાં ચેરના વનો આવેલા છે. દેશના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દરિયા કિનારાઓ પર ચેરના વનો છે, પરંતુ પૂર્વ કિનારે તેનું પ્રમાણ વધારે છે. ભારતમાં ચેરની સમૃદ્ધિની રીતે શિરમોર ગણાય તેવા સ્થળોમાં ભીતરકણિકા (ઓડિશા), સુંદરવન (પશ્ચિમ બંગાળ) તથા આન્દામાન અને નિકોબારના ટાપુઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચેરના વનોનો વિસ્તાર સુંદરવન (પશ્ચિમ બંગાળ) પછી બીજા ક્રમે છે. જેને દરિયા કિનારો હોય તેવા રાજ્યના 13 જિલ્લાઓમાં ચેરના વનોની હાજરી છે. જે પૈકી કચ્છ અને જામનગર જિલ્લાઓ શિરમોર સમાન છે. ગુજરાતમાં ચેરની 15 પ્રજાતિઓ અસ્તિત્વમા છે. કુલ ચેરના વનો  પૈકી એવિસીનિઆ મરીના 90 ટકા વિસ્તારમાં છે. રાઇઝોફોરા મ્યુક્રોનાટા અને સીરિઓપ્સ ટગલ કચ્છના અખાતમાં નાના નાના ભાગોમાં જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી બીજી કેટલીક ચેર પ્રજાતિઓમાં એવિસીનિઆ ઓફિસિનાલિસ, સોનેરેશિઆ એપેટાલા, એક્સકોકેરિઆ એગાલોચા, બ્રુગેરીઆ જિમ્રોરાઇઝા, કેન્ડેલિઆ કેન્ડેલનો સમાવેશ થાય છે. ચેરની વિશેષતા છે ઉપરાંત વાવાઝોડાંને ધરતી પર આવતું અટકાવવા ચેર ઢાલની  ભૂમિકા ભજવે છે, ત્યારે તેની સમજ પર્યટકોને ભવિષ્યમાં અહીં આપવામાં આવશે તેવું શ્રી રબારીએ જણાવ્યું હતું. ટાપુ ઉપર વોચ ટાવર છે, ઉપરાંત પાંચ કે.વી.. સોલાર આધારિત વીજળી પણ અહીં ઉત્પન્ન થાય છે. ચેરના વાવેતર અને વિકાસ માટે ત્રણ ટ્રેકટર પણ કાર્યરત?છે. આવાસ માટે જે ભૂંગાં બનાવવામાં આવ્યા છે જાણે એક ફાઇવસ્ટાર હોટલના રૂમ હોય તેવું દૃશ્ય જોવા મળે છે. એક પડકારને અવસરમાં પલટાવવાની કામગીરી વનતંત્ર દ્વારા કરવામાં આવી હોવાથી બોટમાંથી સમુદ્ર પર જ્યારે ઊતરાયણ કર્યું ત્યારે કોરીક્રીક મેન્ગ્રૂવ્ઝ વિસ્તારમાં સ્વાગત છે ઉપરાંત મેન્ગ્રૂવ્ઝ લર્નિંગ સેન્ટર પ્રવશદ્વારે જોવા મળતા સ્વાભાવિકે કોઇને પણ આકર્ષણ થઇ જાય તેવી વ્યવસ્થા જોવા મળી હતી. નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા કહે છે કે અહીંથી એક સમયે સિંધુ નદીના વહેણ જતા હતા અને 1819થી વિકાસ અટકી ગયો છે. એટલે ફરીથી વિસ્તાર ધમધમે, નવા નવા ચેરના જંગલો ઊભા થાય, ઇકો ટૂરિઝમ વિકસે, અહીં આવનારા પર્યટકોને તેની માહિતી મળે, દરિયાઇ જીવસૃષ્ટિનો અનુભવ થાય ને ખુલ્લા દરિયામાં દોઢથી અઢી કલાકનો રોમાંચ માણવા મળે તેવું આયોજન વિચારાઇ રહ્યું છે. અત્યારે આખો પ્રોજેકટ રૂા. 20 કરોડના ખર્ચે વિકસી રહ્યો છે, પરંતુ દરિયાઇ ભરતી અને ઓટ પર આધારિત છે. કઠિન હોવા છતાં સરકારના ચારેય વિભાગ કામે લાગ્યા છે. સફળતા મળ્યા પછી દરિયાઇ સીમાદર્શનનો લહાવો પ્રવાસીઓને માણવા મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.પ્રવાસન વિભાગની શું તૈયારીઓ છે જાણવા પ્રવાસન સચિવ હારીત શુક્લાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ઓકટોબર મહિનાથી પ્રાયોગિક ધોરણે અહીં પ્રવાસીઓને લઇ જવાની વિચારણા છે, પણ મત્સ્યેદ્યોગ વિભાગના હેવાલ બાદ નિર્ણય લેવાશે. પાસાંઓને ચકાસવાની અને મોજણી બાદ હેવાલ સુપરત કરવાનું કામ ફીશરીઝ વિભાગને સોંપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ધોરડો જેવી મોટી ટેન્ટ સિટીની પણ વિચારણા છે. કામ મુશ્કેલભર્યું છે, પણ અશક્ય નથી. અહીં સંભાવના પ્રબળ છે જેને ધ્યાને લઇ અમે માસ્ટર પ્લાન બનાવી રહ્યા છીએ. તો પ્રવાસન વિભાગના ઝોનલ ઇજનેર હર્ષ પટેલ જણાવે છે કે, ચારેય બાજુ પાણી અને ક્રીક છે, સલામતીનાં પાસાં વિચારીને આગળ વધશું, હેવાલની રાહ જોઇએ છીએ. મત્સ્યોદ્યોગ વિભાગ જેટી કયાં બનાવવી, કયા રૂટ પરથી જઇ શકાય વગેરેની મોજણી કરે છે. - 50 કરોડ પ્રવાસન વિભાગે ફાળવ્યા : ભુજ, તા. 15 : ભવિષ્યમાં પડાલા બેટ ટાપુ ઉપર પ્રવાસન ક્ષેત્રે ક્યા પ્રકારની સુવિધાઓ હશે, સમુદ્રમાં ક્યાંથી લઈ જવાશે અંગે પણ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગ કામ કરે છે. ઝોનલ ઈજનેર હર્ષ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અનેક તક્કો રહેલી છે, પરંતુ દરિયાઈ રૂટ હોવાથી ક્યારે ભરતી-ઓટ આવે અને પવનની ગતિ ઓછી હોય રૂટ પસંદ કરવામાં આવશે. કેમ કે, પર્યટકોની સલામતીનો પ્રશ્ન છે. મોસમ ગમે ત્યારે દરિયામાં મિજાજ બદલી શકે છે. એટલે તેના સમય આધારિત રૂટ ગોઠવવામાં આવશે. ભવિષ્યમાં ટેન્ટ સિટી, ભૂંગાં, કલ્ચરઝોન, ગેમઝોન, બર્ડઝોન, ફૂડ કોર્ટ જેવી સવલતો ઊભી કરવામાં આવશે. લક્કીનાળાથી પહોંચવામાં અઢીથી ત્રણ કલાક લાગે છે, તો પરત વળવામાં પણ એટલો સમય લાગે છે, જ્યારે કોટેશ્વરથી રૂટ પસંદ થાય તો જવાના પોણા બે અને પરત આવવાના પોણા બે કલાક લાગે. જેટીના પોઈન્ટ વગેરે નક્કી થાય સંભવત: આવતા વર્ષે સફળતા મળી જશે અને બજેટમાં પણ 50 કરોડની જોગવાઈ પ્રથમ તબક્કે પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મત્સ્યોદ્યોગ વિભાગના કાર્યપાલક ઈજનેર નવીન પંચાલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, અમે કન્સ્લ્ટન્ટ નિમ્યા છે અને તેઓ અભ્યાસ કરી રહ્યા છે. હકારાત્મક પાસાં ચકાસીને સર્વે કરે છે. પ્રથમ તબક્કે તો લક્કીનાળાથી રૂટ શક્ય બનશે, પણ જેટી અંગેનો હેવાલ આવી જાય પછી નિર્ણય લેવાશે. કોટેશ્વર ખુલ્લો માર્ગ છે. અહીં ઊંડાઈ અને પવન વધારે રહે છે, એટલે જોખમ દેખાય છે, તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. - પવન વધ્યો ને જેટીએ બોટનો રસ્સો તૂટતાં આબાદ બચાવ... : પડાલા બેટ (કોરીક્રીક), તા. 15 : કોટેશ્વરથી માછીમારીની બોટમાં પડાલા બેટ સુધી કચ્છમિત્રની ટીમ પહોંચી, પણ બપોરે અચાનક છાંટા શરૂ થયા ને ભાગવું પડયું હતું. બોટના ચાલક અલ્તાફે કહ્યું કે, સાહેબ નીકળીએ પવન વધે છે નહીંતર અટકી જશે, ને આવું બન્યું. કોટેશ્વરથી પડાલા બેટનો 13 કિ.મી. સુધીનો જળમાર્ગ પાર કરતાં પોણા બે કલાક લાગ્યા હતા. વળતાં મધદરિયે પવન વધતાં દરિયાના મોજાં ઊછળવા લાગતાં પાણી અંદર આવતું હોવાથી અલ્તાફે કેબિનમાં બોલાવી લીધા હતા. મધદરિયે પાણીની ઊંડાઇ કેટલી છે જી.પી.એસ.ના માપક યંત્રમાં 20 મીટર બતાવ્યું અને ગતિ પણ ધીમી થઇ ગઇ હતી. કાંઠે મોજાં બહુ હશે એવું માનીને ત્યાં માણસો હાજર રાખવાનું પણ?જણાવ્યું, પણ સદ્ભાગ્યે પહોંચી ગયા. બોટમાં સિડી રાખી જેટી ઉપર પહોંચી ગયા ને અચાનક બોટનો રસ્સો તૂટતાં સિડી પડી ગઇ ને બચાવ થયો હતો. બોટ ચલાવતા ડ્રાઇવર અલ્તાફે જણાવ્યું કે, 13 વર્ષથી માછીમારી માટે દરિયામાં રહું છું, અનેક વખત જોખમ જોઇ ચૂક્યા છીએ, બોટ તૂટી ગઇ હોય એવા બનાવ બની ચૂક્યા છે. એક બનાવમાં કહ્યું કે, કલાક પાણીમાં તરતો રહ્યો ને બીજી બોટ આવતાં બચી શક્યો હતો. અહીં તો 20 મીટર ઊંડાઇ?છે, પરંતુ ઓખા વિસ્તારમાં પાંચ હજાર મીટર પાણી ઊંડું હોય છે એવું જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang