• રવિવાર, 23 જૂન, 2024

રાષ્ટ્રીય સરકારથી પ્રાદેશિક મોરચા સુધી

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : `ચૂંટણી પ્રક્રિયાની એક આગવી ગરિમા છે. લોકપ્રતિનિધિઓ ચૂંટાય છે અને દેશનો કારોબાર સંભાળે છે અને માટે સહમતી હોવી જોઈએ. આજે સ્થિતિ એવી છે કે સૌને સાથે રાખવાની જરૂર છે અને ચૂંટણીની સ્પર્ધા કોઈ લડાઈ નથી, જેમાં અન્યોન્યની ટીકા તદ્દન નીચલાં સ્તર ઉપર ઊતરી જાય. ચૂંટણી પ્રચાર રીતે થાય નહીં.' `સાચો સેવક કામગીરીમાં ગરિમા જાળવે છે. મેં આમ કર્યું તેનો અહમ્ કે અહંકાર હોય નહીં. આવી વ્યક્તિ સેવક ગણાય.' શબ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘસંચાલક ડો. મોહન ભાગવતના છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા પછી એમણે સમીક્ષારૂપે ટીકા કરી છે - આવી ટીકા રાબેતા મુજબની, સામાન્ય નથી અને તેથી ભારતીય જનતા પાર્ટીનાં વર્તુળોમાં અને સંઘપરિવારમાં પણ તેની `અસર' વિશે ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં વર્ષ 1998થી 2004 દરમિયાન અટલબિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા, ત્યારે પણ નીતિ અને રાજકીય બાબતોમાં મતભેદ થયા હતા, પણ `ઘરમેળે' પતાવટ થઈ હતી. પ્રથમ વખત જાહેરમાં ગંભીર ટીકા થઈ છે અને વિપક્ષ - કોંગ્રેસે વડાપ્રધાન મોદીની ટીકા થઈ તે બદલ ખુશી વ્યક્ત કરી છે. પ્રચારમાં આરએસએસ ઉપર પ્રહાર થયા - મહત્ત્વનો મુદ્દો હતો ! ભાજપનાં વર્તુળોએ જાહેરમાં - વડીલની ટીકા - ટિપ્પણ સ્વીકારીને મૌન સેવ્યું છે, પણ પ્રચાર દરમિયાન ભાજપના પ્રમુખ નડ્ડાએ જે કહ્યું કે ભાજપ હવે આરએસએસથી ઉપર છે, તેનો જવાબ ડો. ભાગવતે આપ્યો છે. પ્રશ્ન એટલો છે કે ભાજપ અને સંઘ તરફથી આવી ટીકા વિપક્ષોના `હાથ'માં મૂકવાને બદલે `ઘરમેળે' થઈ હોત તો ? ટીકા કરવાનો, ઠપકો આપવાનો અધિકાર પરિવારના વડીલને છે, પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ઇશારો થઈ શકયો હોત. તેજીને ટકોર થઈ શકે, પણ ત્યારે પરિણામની `કચાશ'નો કોઈને ખ્યાલ નહીં હોય અને જો પરિણામ ધાર્યાં મુજબનાં આવ્યાં હોત તો ? તો પણ ટીકાનો સૂર અલગ હોત કે નહીં ? આખરે મોદી નિશાન ઉપર છે, કારણ કે હિન્દુત્વ અને સંઘ પરિવારના એજન્ડાનો અમલ થાય છે. નાગરિકત્વ ધારો હોય કે 370મી કલમ હોય કે પછી આતંકવાદ ઉપર આક્રમણ હોય તમામ પગલાં - નિર્ણય લેવાયા છે. આઝાદીના દાયકાઓ પછી ભારતની ઓળખ વિશ્વમાં થઈ છે.  નીતિ હોય છતાં નિર્ણાયક શક્તિ અને વ્યક્તિને પરિવારનું પીઠબળ હોય, તો સફળતા શક્ય બને છે. રાજકારણમાં સંવાદ અને સહમતી જરૂરી છે, પણ મજબૂરીની મંજૂરી નહીં. છેલ્લાં દસ વર્ષ દરમિયાન સંસદમાં જે ધાંધલ - ધમાલ અને અભદ્ર - અશિષ્ટ વર્તણૂકનું પ્રદર્શન વિપક્ષે કર્યું છે, તે સમગ્ર દેશની નજર સમક્ષ છે. લખનારે છેલ્લા પાંચ દશકથી વધુ સંસદની કાર્યવાહી સાક્ષીરૂપે જોઈ છે. ભલભલી કટોકટી અને કસોટી હતી, પણ છેલ્લાં દસ વર્ષમાં ભારતની સંસદની ગરિમાને લાંછન લાગે તેવી ઘટનાઓ બની છે. સંસદમાં શપથવિધિ અને કાર્યવાહીથી રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સુધી - બહિષ્કારની હારમાળા છે, ત્યારે હવે એનડીએની સહિયારી સરકારને વિપક્ષનો કેવો સહકાર મળે છે, તે જોવાનું છે. લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં એનડીએની `એલાયન્સ' સરકારનાં ભવિષ્ય બાબત ચર્ચા થઈ રહી છે, ત્યારે `એલાયન્સ'ના ભૂતકાળનો અનુભવ અને ઈતિહાસ જાણવા જેવો છે. સામાન્ય છાપ એવી છે કે 1977માં મોરારજીભાઈની `જનતા સરકાર' પ્રથમ `એલાયન્સ' સરકાર હતી. હકીકતમાં સરકાર રચાયા અગાઉ સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, ઉત્તરપ્રદેશમાં લોકદળ, સ્વતંત્ર પાર્ટી સમાજવાદી પક્ષ વગેરે જે સંખ્યાબંધ રાજકીય પક્ષો ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીનો ભોગ બન્યા હતા, એમણે જેલવાસ દરમિયાન વિપક્ષી એકતાનો નિર્ણય લીધો. ચૂંટણીમાં ચૌધરી ચરણસિંહનાં ચિહ્નનો ઉપયોગ થયો. જનતા પાર્ટીની વિધિસર સ્થાપના તો લોકસભામાં બહુમતી મળ્યા પછી થઈ. મોરારજીભાઈએ લોકસભામાં વિપક્ષી નેતાને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપ્યો. મોરારજીભાઈની સરકારમાં ચૌધરી ચરણસિંહ અને જગજીવનરામ બંનેને નાયબ વડાપ્રધાનપદ આપીને સમજૂતી કરવામાં આવી. વાજપેયી, અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિસ, બિજુ પટનાયક, પ્રકાશસિંહ બાદલ, સૂરજિતસિંઘ બરનાલા વગેરે સર્વપક્ષી નેતાઓ જોડાયા હતા. પ્રાદેશિક પક્ષોનો વિવાદ નહોતો, પણ ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન પદ મેળવવા અધીરા - લોલુપ હતા. મધુ લિમયેએ ચરણસિંહને જનસંઘ વિરુદ્ધ ઉશ્કેર્યા અને સંજય ગાંધીએ લલચાવ્યા, તેનાં કારણે જનતા સરકાર તૂટી હતી. કારણ માત્ર `સત્તા' હતું - કોઈ પ્રાદેશિક વિકાસનો વિવાદ નહોતો. વાજપેયીજીએ વિરોધ પક્ષને વિપક્ષ - પ્રતિપક્ષનું નામ આપ્યું. 1977માં જયપ્રકાશજીનાં નેતૃત્વ હેઠળ સર્વપક્ષી એકતા થઈ, ત્યારે અને તે પછીની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી કહેતાં કે વિરોધપક્ષો સત્તા માટે એકઠા થયા છે. સંતરાંની છાલ (સત્તા) નીકળે કે તરત છૂટા પડી જશે. વાજપેયીજીનો જવાબ હતો - છાલ નીકળ્યા પછી પણ સંતરાંનો રસ - એકરસ હોય છે ! સંતરાં પછી `ખીચડી'ની ઉપમા આવી, ત્યારે જગજીવનરામે જવાબ આપ્યો, ખીચડી તો બીમાર અને ગરીબ માટે અમૃત છે ! પછી `મોરચા' સરકારો બની અને હવે `એલાયન્સ' નામ અપાય છે ! `ઈન્ડિ' એલાયન્સ છેલ્લી આવૃત્તિ છે. આઝાદીની પૂર્વસંધ્યાએ `રાષ્ટ્રીય સરકાર' હતી. વર્ષ 1946માં વચગાળાની સરકાર અને આઝાદી પછીની નેહરુ સરકાર હતી. 1946માં વચગાળાની સરકારમાં જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. વલ્લભભાઈ પટેલ ગૃહખાતું, ડો. રાજેન્દ્ર પ્રસાદ કૃષિ - અન્ન, જગજીવનરામે - કામદાર - લેબરખાતું સંભાળ્યું. અકાલીદળના સરદાર બલદેવ સિંઘ સંરક્ષણ પ્રધાન અને અપક્ષ - નાણાશાત્રી જ્હોન મથાઈ નાણાપ્રધાન, જાણીતા પારસી બિઝનેસમેન હોરમસજી ભાભાને વ્યાપારખાતું સોંપાયું અને બેન્કિંગ - વીમા ક્ષેત્રના અનુભવનો લાભ લેવાયો, પણ મૌલાના આઝાદનો વિરોધ હતો કે હોરમસજી ભાભા પારસી સમાજના સર્વમાન્ય અગ્રણી નથી! આવી રીતે, પાછળથી નાણાખાતું મુસ્લિમ લીગના લિયાકત અલી ખાનને સોંપવાનો વિરોધ આઝાદ અને સરદાર પટેલે કર્યો હતો. સરકારી ખજાનાની ચાવી મુસ્લિમ લીગ પાસે હતી. એમની મંજૂરી વિના એક ચપરાશીની નિમણૂક પણ થઈ શકે નહીં ! આઝાદી પછીની પ્રથમ સરકારમાં ગાંધીજીની સલાહથી નેહરુએ રાજકીય પક્ષોના ભેદભાવ વિના પ્રધાનમંડળમાં પંજાબનાં રાજકુમારી અમૃત કૌર (સ્વાસ્થ્ય) એનાથી ગાડગીલ - ઊર્જા, ડો. બીઆર આંબેડકર, બિઝનેસમેન - શન્મુખમ ચેટ્ટી - નાણાખાતું અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી - ઉદ્યોગખાતું સોંપ્યું. આવી `રાષ્ટ્રીય સરકાર'માં સત્તાની સાઠમારી નહોતી, પણ સૈદ્ધાંતિક અસહમતીનાં કારણે ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ 1950માં રાજીનામું આપ્યું. પૂર્વ બંગાળ (પાકિસ્તાન)માં લાખ્ખો હિન્દુઓ પ્રતિના ભેદભાવ અને દુર્દશા અંગે નેહરુ સરકારનાં વલણના વિરોધમાં રાજીનામું આપીને છૂટા થયા. 1951માં ડો. આંબેડકરે પણ રાજીનામું આપ્યું હતું. આઝાદી પછી આંતરિક મતભેદ હોવા છતાં સરદાર પટેલે ગાંધીજી અને નેહરુની આમન્યા રાખી હતી - રાષ્ટ્રીય ધર્મ અને રાષ્ટ્રીય સરકાર હતી ! ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી મોદીએ ભાજપ અને એનડીએના નેતાઓને જણાવ્યું કે અમે - ભાજપ - વિપક્ષમાં બેસવા તૈયાર છે - ભલે કોંગ્રેસ સરકાર બનાવે અને જે પક્ષો જવા માગતા હોય તે જઈ શકે છે ! નાયડુ અને નીતીશ જવા માગતા નહોતા, પણ વાત ફેલાતાં કોંગ્રેસને ફાળ પડી કે સરકાર બની જાય તો બેજવાબદાબ વચનો અપાયાં છે, તેનું પાલન મુશ્કેલ છે અને મહારાષ્ટ્ર સહિત જે રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાં લોકોને જવાબ શું આપવા ? આખરે દ્રાક્ષ ખાટી હતી. ભૂતકાળમાં અંદરથી અને બહારથી ટેકો આપીને કોંગ્રેસે સરકારો પાડી છે, તે અનુભવો પણ તાજા થયા. હવે કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા પછી - સરકાર કેટલી ટકી શકશે, તેની ચર્ચા થાય છે. વિપક્ષ દ્વારા `રાહ' જોવાય છે ! શરદ પવાર કહે છે, ચાર - મહિનામાં રાજ્ય સરકાર જશે ! ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર `સોદાબાજી'માં નિષ્ણાત ગણાય છે, તેથી વધુ સત્તા મેળવવા માટે દબાણ કરશે, કરતા રહેશે એમ મનાય છે. વધુ સત્તા - એટલે બંને પ્રાદેશિક પક્ષએ એમના ચૂંટણી ઘોષણાપત્રોમાં આપેલાં `વચનો'નાં પાલન માટે કેન્દ્ર સરકાર ઉપર દબાણ થાય એવાં અનુમાન વ્યક્ત થઈ રહ્યાં છે. નીતીશકુમારની છાપ પલટુરામની છે. 2014 મોદીના હરીફ બનવાની તાલાવેલી હતી, ત્યારે મોદીને કહ્યું હતું - રાજનીતિ મેં તિલક કરના પડેગા ઔર ટોપી ભી પહનની પડેગી... છેલ્લાં દસ વર્ષમાં નીતીશકુમારે બે વખત એનડીએનો હાથ પકડયો અને છોડયો - તરછોડયો. વખતે કોંગ્રેસે એમને વડાપ્રધાન બનાવવાની ઓફર આપી, પણ હવે તેઓ કહે છે, ભરોસો કરતા નથી ! પણ લાલુ યાદવના પાટવીકુંવર તેજસ્વી નીતીશબાબુને ઉશ્કેરે છે - અબ તો ચાચા હૈં ! બિહારને વિશિષ્ટ દરજ્જો મળશે, અગ્નિવીર રદ થશે. જાતિવાદી વસતિ ગણતરી આખા દેશમાં થશે... વગેરે. અલબત્ત, નીતીશકુમાર અને નરેન્દ્ર મોદી પણ જાણે છે કે પ્રશ્નો વખત આવ્યે ઉઠાવાશે અને તેમાં બાંધછોડ કેવી રીતે કરવી તેના વિકલ્પ પણ છે ! યુનિફોર્મ સિવિલ કોડ અંગે કોઈ બાંધછોડની હવે શક્યતા નથી. નોંધપાત્ર છે કે અત્યારે જે પક્ષો મોદી  સાથે એનડીએ સરકારમાં જોડાયા છે, તે બધા  તેલુગુદેશમ્ સહિત યુપીએમાં હતા - ઈન્ડિ એલાયન્સમાં નથી, એનડીએમાં છે ! ચન્દ્રાબાબુ નાયડુની સ્થિતિ વધુ મજબૂત છે. લોકસભામાં સોળ બેઠક, પણ આન્ધ્રપ્રદેશની વિધાનસભામાં બહુમતી છે. મુખ્યપ્રધાન ચોથી વખત બન્યા છે અને રાજ્યમાં - કે પક્ષમાં એમની સામે કોઈ માથું ઊંચકી શકે એમ નથી. તામિલનાડુમાં કોંગ્રેસને ડીએમકેનો સાથ છે તો આન્ધ્રમાં ભાજપ તેલુગુદેશમ્ સાથે છે. તેલંગાણામાં કોંગ્રેસ સામે સારો દેખાવ કર્યો છે અને કેરળમાં પણ ખાતું ખોલ્યું છે. સંજોગોમાં નાયડુ નરેન્દ્ર મોદી સાથે સંબંધ જાળવી રાખશે એવી ધારણા છે. દેશભરમાં આન્ધ્રપ્રદેશ સૌથી વધુ `દેવાદાર' રાજ્ય છે. એમણે ચૂંટણી ઘોષણાપત્રમાં મુસ્લિમોને ચાર ટકા આરક્ષણ મળે છે તે ચાલુ રાખવાની અને દરેક મસ્જિદને પ્રતિમાસ રૂા. પાંચ હજાર મેઇન્ટેનન્સ માટે આપવાની ખાતરી આપી છે. રાજ્યની તમામ મહિલાઓને માસિક રૂા. 1500, ફ્રી બસપાસ અને રૂા. 3000 બેકારી ભથ્થું આપવાનું વચન પણ આપ્યું છે. આન્ધ્રનું વિભાજન થયા પછી અલગ પાટનગર - અમરાવતી થયા છતાં વિકાસ થયો નથી. નાયડુએ રૂા. 3.5 ટ્રિલિયનની યોજના તૈયાર કરી છે. માટે નાણાસાધનો ઊભાં કરવાં પડશે અને કેન્દ્ર સરકારના સહકાર વિના શક્ય નથી. આન્ધ્ર અને બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાની માગણી વર્ષોથી ઊભી છે. કેન્દ્ર સાથે મતભેદ અને લોકસભામાં એમના પક્ષ અને રાજ્યમાં હવે વિપક્ષ છે તે વાયએસઆર કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થઈ છે. સભાત્યાગ અને રાજીનામાં આપીને વિશિષ્ટ દરજ્જાની માગણી ઉઠાવાઈ છે, પણ હવે કેન્દ્ર સાથે સમજૂતીથી કામ લેવાશે, ઉતાવળ નથી. શક્યતા તો એવી છે કે બંને પક્ષ કોંગ્રેસની જાળમાં ફસાય તેવા નથી. શરદ પવાર જે  ચાર - મહિનાની `મુદ્દત' આપે છે, તેની પાછળ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે - મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્ત્વનાં હશે. શરદ પવાર કહે છે : મોદી પણ જાણે છે, શરદ પવાર મહારાષ્ટ્રમાં કિસાન આંદોલનની તૈયારી કરી રહ્યા છે. કિસાનો ઉપરાંત દૂધની ડેરીઓને ભાવવધારો મળતો નથી. કિસાનો દુષ્કાળમાં પરેશાન છે. પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા નથી. વર્તમાન સરકાર કિસાન - મિત્ર નથી એમ કહીને શરદ પવારે લોકો પાસે ચાર - મહિનાનો સમય માગ્યો છે. રાજ્ય સરકાર બદલવા માટે આંદોલનમાં જોડાવા આવાહ્ન કર્યું છે. મહારાષ્ટ્રમાં સત્તા મળ્યા પછી તેઓ કેન્દ્ર ઉપર નિશાન સાધવા માગે છે. દરમિયાન કેન્દ્રની એનડીએ સરકારનાં બજેટમાં કિસાનો અને તમામ જનજીવન સરળ - સુખી બનાવવા કેવાં પગલાં ભરે છે, તે જોવાનું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang