• રવિવાર, 23 જૂન, 2024

કુવૈતની કરુણ દુર્ઘટના

આખાતી દેશોમાં રોજગારની તકો ભારતીયને હંમેશાં આકર્ષણરૂપ બનતી રહી છે. મહેનત સાથે પરસેવા પાડીને પોતાનાં પરિવારનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરીથી માંડીને વ્હાઇટ કોલર નોકરીઓ કરતા ભારતીય લાખોની સંખ્યામાં અખાતી દેશોમાં વસ્યા છે, પણ રોજગારી માટે દેશ છોડીને પરદેશમાં સખત મહેનત કરતા ભારતીયોની ત્યાં દારુણ હાલતની  તરફ ભાગ્યે કોઇએ ધ્યાન આપ્યું છે,પરંતુ કુવૈતના મંગફ વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં જે રીતે 40થી વધુ ભારતીય શ્રમિકોનાં મોત થયા છે, તેનાથી આવા દેશોમાં કામ કરતા ભારતીયોની હાલત અંગે વધુ એક વખત ચોંકાવનારો પ્રકાશ પડી રહ્યો છે. અખાતી દેશોમાં મહિને દિવસે 40થી 50 હજાર જેટલા પગારના ધોરણથી આકર્ષાઇને શ્રમજીવીઓ વિવિધ કામો માટે ત્યાં જતા હોય છે, પણ તેમની કાયદેસરતા અને ખાવા, પીવા કે રહેવાની વ્યવસ્થા અંગે ભાગ્યે કોઇએ દરકાર કરી છે.  મળતી માહિતી મુજબ અખાતી દેશોમાં સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તો પાસે શ્રમજીવીઓની 48 હજાર જેટલી ફરિયાદો આવી છે. આમાં સૌથી વધુ 23 હજાર જેટલી ફરિયાદ એકલા કુવૈતની છે, પણ મસમોટા આંકડાના સંદર્ભમાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કેવા પગલાં લેવાયાં તેની કોઇ વિગતો પ્રાપ્ત થતી નથી. આમ તો કુવૈત સહિતના અખાતી દેશના વિકાસમાં  ભારતીયોનો પરસેવો ચાવીરૂપ રહ્યો છે, પણ ત્યાંના સ્થાનિક વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો ભારતીય શ્રમજીવીઓની સાથે અમાનવીય વ્યવહાર રાખતા હોવાની ચિંતાજનક હકીકતો સામે આવતી રહી છે. એક એક રૂમમાં 15થી 20 શ્રમજીવીએ રહેવા માટે ફરજ પડાય છે અને તેમને નામમાત્રની સુવિધાઓ અપાય છે. મંગફ વિસ્તારની જે ઇમારતમાં આગ લાગી તેની સલામતી વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થયા છે, પણ ત્યાની સરકારે તપાસ શરૂ કરવાની સંતોષ માની લીધો હોય તેમ જણાય છે. કુવૈતમાં વધુ પડતા ભારતીય શ્રમજીવીઓ કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને બિહારના હોય છે, તેમની સાથે અમાનવીય વ્યવહાર અને નિયત વેતન કરતા ઓછો પગાર મળવા જેવી છેતરપિંડીના બનાવ બનતા રહ્યા છે. મંગફ વિસ્તારની દુર્ઘટનામાં જે ભારતીયોનાં મોત થયાં તેમાંના ઘણા તો પ્રવાસી વીઝા પર લવાયા હતા, જેને લીધે એલચી કચેરી પાસે તેમની કોઇ નોંધ ઉપલબ્ધ નથી. હવે ત્યાંની સરકાર આવા શ્રમજીવીઓને ગેરકાયદે જાહેર કરીને હાથ ઊંચા કરી લેવાની વેતરણમાં હોય તેમ જણાય છે. ખેરખર તો ભારતમાં સરકારે આવા શ્રમજીવીઓની અખાતી દેશોમાં ભરતીને નિયંત્રીત કરીને તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને છેતરપિંડીથી બચાવી શકાય તે માટેની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા પર સતત ધ્યાન આપવાની સાથે તેની સમીક્ષાને ફરજિયાત બનાવવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang