• રવિવાર, 23 જૂન, 2024

ઓરિસ્સા અને આંધ્રમાં શાસનનો નવો અધ્યાય

આંધ્રપદેશ અને ઓરિસ્સામાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોએ સત્તા પરિવર્તન કરાવ્યું છે. એન. ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા છે, તો મોહન ચરણ માંઝીએ ઓરિસ્સામાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ઇતિહાસ આલેખ્યો છે. આંધ્રપ્રદેશમાં તેલુગુદેશમ પાર્ટીએ ભાજપના સહયોગ સાથે સરકાર રચી છે, તો ઓરિસ્સામાં ભાજપે બિજુ જનતા દળના લાંબા શાસનકાળનો અંત આણીને પોતાની તાકાતથી સરકાર બનાવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવાની ચોથી વખત તક મેળવનારા ચંદ્રાબાબુ નાયડુ તેમના શાસનકાળમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) ક્ષેત્રે વધુ એક ક્રાંતિ લાવશે એવી  આશા સેવાઇ રહી છે. અગાઉ ચંદ્રાબાબુ સૌપ્રથમ વખત  મુખ્યમંત્રી  બન્યા હતા, ત્યારે તેમણે હૈદરાબાદને આઇટી હબ બનાવ્યું હતું. આમે પણ દેશમાં તેઓ આઇટીમાં ભારે રસ અને અનુભવ ધરાવતા નેતાની છાપ ધરાવે છે, પણ હવે દેશ અને દુનિયાના બદલાઇ રહેલા સંજોગોને જોતાં આઇટીની સાથોસાથ હવે રાજ્યના મૂળભૂત વિકાસ અને રોજગારી જેવા મુદ્દા પર પણ નક્કર આયોજન અમલી બનાવવાની  ખાસ જરૂરત રહેશે. નવા મુખ્યમંત્રીને આંધ્રપ્રદેશની નવી રાજધાની તરીકે અમરાવતીને વિકાસાવવા માટે પણ હવે ધ્યાન આપવાની જરૂરત  રહેશે.  આંધ્રમાં નવાં મંત્રીમંડળે પણ શપથ લીધા છે, તેમાં ટીડીપીના 21 ધારાસભ્ય, જનસેનાના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યને સ્થાન અપાયું છે. નોંધપાત્ર હકીકત છે કે, પ્રથમ વખત ચૂંટાઇને આવેલા આઠ ધારાસભ્ય મંત્રીપદ પામ્યા છે. સૌપ્રથમ વખત ચૂંટણી જીતેલા લોકપ્રિય ફિલ્મસ્ટાર પવન કલ્યાણ પણ મંત્રી બન્યા છે.  ચંદ્રાબાબુ માટે મહત્ત્વની બાબત બની રહેશે કે, તેઓ તેમણે આપેલાં વચનોનું પાલન થાય તે માટે ધ્યાન આપે. ગયા વખતે તેમણે વચનપાલન પર ધ્યાન આપ્યું હોવાને લીધે તેમને હારનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત ચંદ્રાબાબુએ રાજ્યની નવી ભવ્ય રાજધાનીનું નિર્માણ કરાવવાનું પ્રણ લીધું છે. કામ ભારે પડકારભર્યું અને મોટું છે. આવાં કામમાં ભ્રષ્ટાચારના છાંટા ઊડે નહીં તે જોવાનું વધુ મુશ્કેલ હોય છે. ચંદ્રાબાબુને નવી રાજધાની પારદર્શકતા સાથે સમયસર ખડી થાય તે માટે ખાસ માવજત લેવી પડશે. બીજી તરફ ઓરિસ્સામાં વિધાનસભાની પાંચ ચૂંટણીથી જીત મેળવતાં રહેલા બિજુ જનતા દળ અને તેના મુખ્યમંત્રી નવીન પટનાયકની વિજયયાત્રાનો વખતે ભાજપે અંત આણીને ઇતિહાસ રચ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ભાજપના આદિવાસી નેતા મોહન ચરણ માંઝીની સામે 24 વર્ષના પટનાયક શાસનના પ્રભાવમાંથી રાજ્યને બહાર કાઢીને વિકાસનો નવો માર્ગ કંડારવાનો પડકાર રહેશે. આમે ઓરિસ્સામાં નવીન પટનાયકની સરકારની સામે દેખીતી રીતે લોકોની કોઇ નારાજગી હતી, પણ વિકાસની અપેક્ષાઓ વધવાને લીધે સત્તાપલટો થયો હોવાનું જણાઇ રહ્યંy છે. આવામાં ચૂંટણી અગાઉ આદિવાસી સમાજના કલ્યાણનો સંકલ્પ વ્યક્ત કરનારા માંઝીને હવે તે પાળવો રહેશ. સાથોસાથ ઓરિસ્સાને બિમારૂ રાજ્યોની શ્રેણીમાંથી બહાર કાઢીને છેવાડાના લોકોની ગરીબી દૂર કરવાના તથા શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધારવાનો પડકાર ભાજપ સરકાર સામે રહેશે. વળી વિકાસ યોજનાઓ માટે જમીન સંપાદનના મુદ્દે આદિવાસીઓમાં નારાજગી છે તેનો માર્ગ શોધવાની જવાબદારી ચરણ માંઝી સરકારની રહેશે. સ્પષ્ટ છે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાએ નવી સરકારોની રચના સાથે નવા અધ્યાયનો આરંભ કર્યો છે. આવનારો સમય બન્ને રાજ્ય માટે ભારે મહત્ત્વનો અને મુખ્યમંત્રીઓ માટે પડકારભર્યો બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang