• રવિવાર, 23 જૂન, 2024

ડીપફેક ઉપર લાગશે લગામ

નવી દિલ્હી, તા. 15 : 2024 લોકસભા ચૂંટણી જીતીને સત્તામાં આવેલી મોદી સરકાર આગામી લોકસભા સત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી બનાવવામાં આવતા ડીપફેક વીડિયો અને ફોટોઝ ઉપર નજર રાખવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ લાવવાની તૈયારીમાં છે. હેવાલ અનુસાર સરકાર તરફથી લાવવામાં આવનારાં બિલમાં એઆઇને વધુ સારી રીતે ઉપયોગમાં લેવા ઉપર પણ ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. બિલનું નામ ડિજિટલ ઇન્ડિયા બિલ હશે. સરકાર બિલને સદનમાં રજૂ કરતાં પહેલાં તમામ પક્ષો સાથે સહમતી સાધવાનો પ્રયાસ કરશે. આગામી લોકસભા સત્રમાં ડીપફેક ઉપરાંત યુટયૂબ, ફેસબુક અને બીજા વીડિયો પ્લેટફોર્મ નિયંત્રિત કરવા માટે પણ કાયદો આવી શકે છે. લોકસભાનું આગામી સત્ર 18મી લોકસભાનું પહેલું સત્ર બનશે. જે 24 જૂનથી શરૂ થશે અને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. ત્યારબાદ 22 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થશે. જે નવમી ઓગસ્ટ સુધી ચાલવાનું છે. ચાલુ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ ખરડા અંગે સંકેત આપ્યો હતો. ચંદ્રશેખરે ત્યારે કહ્યું હતું કે, તેઓ બિલ અંગે વિચારી રહ્યા છે અને તેને નવી સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે, કારણ કે ચૂંટણી પહેલાં બિલ તૈયાર થાય તેવું લાગી રહ્યું નથી. હકીકતમાં ડીપફેક એક ટેક્નોલોજી છે. જેણે છેલ્લા અમુક સમયથી લોકોના મનમાં શંકા પેદા કરી છે. ભ્રમિત કરતી સામગ્રી અને લોકોની પ્રાયવસી ભંગ કરનારી ડીપફેક ટેક્નોલોજી સતત સરકાર માટે ચિંતાનો વિષય બનેલી છે. લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે પણ ડીપફેકને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંધાનાનો એક ડીપફેક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ ટેક્નોલોજી વધુ ચર્ચામાં આવી હતી. ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ અને અન્ય 16 લોકો સામે કેસ નોંધ્યો હતો, કારણ કે હેંડલમાંથી ગૃહમંત્રી અમિત શાહનો એક ડીપફેક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં શાહ એસસી, એસટી અને ઓબીસી અનામતમાં કાપની ઘોષણા કરી રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang