• રવિવાર, 23 જૂન, 2024

ખાવડામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો અબડાસાનો યુવક ટ્રક તળે કચડાયો

ભુજ, તા. 15: ખાવડામાં સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીનમાં પેટા કોન્ટ્રાક્ટર પાસે અબડાસા તાલુકાના રવાનો 20 વર્ષીય યુવક સુરેશ પાલાભાઈ રબારી સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. આજે નોકરી દરમ્યાન તે ટ્રક તળે કચડાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેનો જીવનદીપ બુઝાયો હતો. દરમ્યાન આજે સવારે મુંદરામાં છકડાને પાછળથી ડમ્પરે ટક્કર મારતા 39 વર્ષીય યુવાન મુસા ઈબ્રાહિમ જુણેજા ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું હતું. જ્યારે ગત તા. 11/6ના રાતે માનકૂવામાં રહેતા 55 વર્ષીય ઉર્મિલાબેન અતુલભાઈ મહેશ્વરી ગામના મહિન્દ્ર શોરૂમ પાસે ધોરીમાર્ગ પર પગે જઈ રહ્યા હત ત્યારે અજાણી ટ્રકે હડફેટેં લઈ ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. રવાનો 20 વર્ષીય નવયુવાન સુરેશ રબારી સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીન - ખાવડામાં પેટા કોન્ટ્રાક્ટર પાસેની સુપરવાઈઝરની નોકરી દરમ્યાન આજે સવારે 10 વાગ્યાના અરસામાં તે ટ્રક નં. જી.જે.12.સીટી. 4237 વાળી ખાલી કરાવી તેની પાસેની રોયલ્ટીમાં સહી મેળવીને ખાલી સાઈડથી નીકળતો હતો ત્યારે ટ્રક ચાલુ કરીને નીકળતા તે ટ્રક તળે કચડાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સુરેશ પ્રથમ અદાણી ખાતે આવેલી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ભુજની ખાનગી હોસ્પિટલે ખસેડાયા બાદ સાંજે જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો મૃતક સુરેશના કુટુંબી ભાઈ હીરજીભાઈ રબારીએ હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધાવતા ખાવડા પોલીસને જાણ કરાઈ છે. મુંદરા પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ મુંદરાના શક્તિનગર પાસે રહેતો 39 વર્ષીય યુવાન મુસા ઈબ્રાહિમ જુણેજા આજે સવારે 10:45 વાગ્યાના અરસામાં શક્તિનગર પાસેજ છકડો લઈને જતો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવેલા ડમ્પરે છકડાને ટક્કર મારતા મુસાને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેને મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મુસાના પિતા ઈબ્રાહિમ આમદ જુણેજા (રહે. સુખપર) ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા મુંદરા પોલીસે તપાસ આદરી છે. બીજી તરફ ગઈકાલે માનકૂવા પોલીસ મથકે અતુલભાઈ કાનજીભાઈ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11/6ના તેમને તેમની ભત્રીજા વહુ મગિયાબેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તેમની પત્ની ઉર્મિલાબેનને અજાણી ટ્રકે ટક્કર મારી ઘાયલ કરી દેતા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ. હોસ્પિટલમાં ઘાયલ પત્નીને અકસ્માત અંગે ફરિયાદીએ પૂછતા જણાવ્યું હતું કે, તેઓ પગે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટક્કર મારી દેતા માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચાડી છે. બીજા દિવસે સવારે ઊર્મિલાબેનનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. માનકૂવા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang