• રવિવાર, 16 જૂન, 2024

રઇસીનાં મોતથી ઇરાન સામે વધુ એક કટોકટી

ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી સહિતના ટોચના અધિકારીઓનાં હેલિકોપ્ટર અકસ્માતમાં થયેલાં અવસાનથી દુનિયાભરમાં અરેરાટી જાગી છે. મહાનુભાવોની હેલિકોપ્ટર યાત્રાની સલામતી સામે સવાલ ઊભા કરતા વધુ એક બનાવની આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અસરો અંગે અત્યારથી ચર્ચા શરૂ થઇ ચૂકી છે. રવિવારે સરહદી તબરેઝ શહેર જઇ રહેલા ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટરને ખરાબ હવામાનને લીધે અકસ્માત નડયો હતો.  રઇસીના કાફલામાં તેમની સાથે ઇરાનના વિદેશમંત્રી અમીર અબ્દુલ્લાહિયન, ઇરાનના પૂર્વ આઝરબૈઝાન પ્રાંતના ગર્વનર મલિક રહમતી સહિત નવ જણ હેલિકોપ્ટરમાં સવાર હતા. તમામ અકસમાતમાં માર્યા ગયા છે. સાવ અણધાર્યા બનાવથી ઇરાનમાં સ્વાભાવિક રીતે સોપો પડી ગયો છે. ભારત સહિતના દેશોએ બનાવ અંગે અને રઇસીની  અકાળ વિદાય અંગે દુ: અને શોકની લાગણી વ્યક્ત કરી છે. ઇરાન માટે ચિંતાની બાબત છે કે, છેલ્લા થોડાં વર્ષોમાં તેના મહત્ત્વના અધિકારીઓની હત્યા થઇ છે અથવા અકસ્માતમાં મોત થયા છે. 2020માં કુર્દ ફોર્સના ભારે લોકપ્રિય જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. મોત અમેરિકાના ડ્રોન હુમલામાં થયાના આરોપ લાગી ચૂક્યા છે. તે વર્ષે ઇરાનના મુખ્ય અણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહની પણ હત્યા થઇ હતી. રઇસીના અકસ્માત અંગે સામે આવેલી પ્રાથમિક વિગતોએ અમુક ગંભીર સવાલ ખડા કર્યા છે. ખાસ તો અમેરિકાના પ્રતિબંધોને લીધે ઇરાનને તેના વિમાન અને હેલિકોપ્ટરના સ્પેર પાર્ટની ભારે અછતો નડી રહી છે. વિમાનો અને હેલિકોપ્ટરો પણ દાયકાઓ જૂના થઇ ગયા હોવાથી તેના ઉડ્ડયનની મુશ્કેલી સામે આવતી રહી છે. આવામાં સ્પેર પાર્ટની અછત ઊભી કરીને અમેરિકાએ અકસ્માતમાં આડકતરી ભૂમિકા ભજવી હોવાના આરોપ લાગવા મંડયા છે. તો બીજો એક સવાલ સામે આવ્યો છે કે, ખરાબ હવામાનને લીધે અકસ્માત થયાની વાત થઇ રહી છે, પણ રાષ્ટ્રપતિના કાફલાના અન્ય બે હેલિકોપ્ટર સલામત રીતે ઉડ્ડયન પૂરું કરી શક્યા તો પછી રઇસીને લઇ જતા હેલિકોપ્ટરને શા માટે મુશ્કેલી નડી ? અકસ્માતની વિગતવાર તપાસ બાદ તેનાં સાચાં કારણની જાણ થઇ શકશે, પણ ઇરાન તેના રાષ્ટ્રપતિનો ભોગ લેનાર બનાવનાં સાચાં કારણ દુનિયા સમક્ષ છતા કરે છે કે કેમ પણ આવનારો સમય કહી શકશે. એક તરફ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો અંત નથી દેખાતો ત્યાં ઇરાનના સર્વોચ્ચ નેતાનાં મોતથી સવાલો ઉત્પન્ન થાય સ્વાભાવિક છે. અત્યારે તો ઇરાન અને તેના મિત્ર દેશો અકસ્માતના શોકમાં છે. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા સૈયદ અલી હોસેની ખામેનીએ દેશના વહીવટની ધૂરા વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબેરને સોંપી છે, પણ ઇરાન તેની સામે વધુ એક ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેના પર હવે વિશ્વની નજર છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ ઇરાન પર પ્રતિબંધ મૂકયા છે. બીજી તરફ ભારતના તહેરાન સાથે પ્રમાણમાં સારા સંબંધ છે. હાલમાં ચાબહાર બંદરનું સંચાલન ભારતે મેળવ્યું છે, તેનાથી પશ્ચિમી દેશોએ નારાજગી પ્રગટ કરી છે, પરંતુ નવી દિલ્હીને તેની પરવા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang