• સોમવાર, 06 મે, 2024

સુરતમાં મતદારો નિરાશ ; નામોશી કોંગ્રેસ પક્ષની

સુરત શહેર લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીથી લઈને છેલ્લે જિલ્લા કલેક્ટરે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. અપક્ષ તેમજ `અન્ય' પક્ષો મળીને આઠ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર સુરત બેઠક અને ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ વિજેતા સાંસદ બન્યા છે. ઘટનાની ચર્ચા ચોમેર છે. રાજકીય પક્ષોની નીતિમત્તા અને લોકશાહીનાં મૂલ્યોના દૃષ્ટાંત આપવામાં આવી રહ્યા છે. ભાજપ ચૂંટણી જીતવામાં માહેર છે. સામ, દામ, દંડ, ભેદની રણનીતિ અપનાવવામાં આવે છે, પરંતુ સામો સવાલ છે કે, કોંગ્રેસ કેમ આટલી બેઅસર, નિષ્પ્રાણ છે ? બીજું કે, ભાજપ ભારોભાર આત્મવિશ્વાસમાં છે, મજબૂત સ્થિતિ મનાય છે તો પછી આવી `છાની રમત' શા માટે ? સુરત શહેર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે નીલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ચાર ટેકેદારનાં ફોર્મ ભરાવ્યાં હતાં, પણ ભાજપના ચૂંટણી એજન્ટે કુંભાણીનાં ફોર્મ પર પ્રસ્તાવકર્તાની સહીઓ નકલી હોવાનું કહી વાંધો ઉઠાવ્યો હતો. તો કુંભાણીની દરખાસ્ત કરનારા તેમનાં સગાં, મિત્રો હોવા છતાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને ફોર્મમાં તેમની સહી નથી તેવી એફિડેવિટ કરી હતી. ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી હોવાનું કહેતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ચૂંટણીપંચે કોંગ્રસના ઉમેદવારને નોટિસ આપી બોલાવ્યા, પણ તેઓ આવ્યા નહીં. કોંગ્રેસે તેઓનું અપહરણ થઈ ગયાનો આક્ષેપ કર્યો છે. મુકેશ દલાલના બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, સુરતમાં સરમુખત્યારની અસલી સૂરત સામે આવી છે. પગલું પ્રજા પાસેથી તેમનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છીનવી લેવાનું પગલું છે. કોંગ્રેસે વિજયની સરખામણી સરમુખત્યારી સાથે કરી છે. દરમિયાન, કોંગ્રેસના કુંભાણીનું ઉમેદવારીપત્રક રદ થયા પછી તેમની વિરુદ્ધ સત્તાપક્ષ સાથે મળી જવાના આક્ષેપો કોંગ્રેસમાંથી થઈ રહ્યા છે. સમગ્ર પ્રકરણ કોંગ્રેસમાં કેવી ગેરવ્યવસ્થા છે તેનો બોલતો પુરાવો છે. લોકસભા જેવી મહત્ત્વની ચૂંટણી માટે કોંગ્રેસને સુરતનો ઉમેદવાર તો મળે, પણ તેની પાસે પ્રસ્તાવકર્તા હોય અને તેણે નકલી સહીઓનો સહારો લેવો બતાવે છે કે, કોંગ્રેસ કુટિલ માનસ ધરાવતાઓને ચૂંટણીની ટિકિટ ફાળવવામાં કોઈ શરમ નથી અનુભવતી. રાજકીય નિરીક્ષકોની દલીલ છે કે, ભાજપે અપક્ષ અને બીજા પક્ષોને ચૂંટણી મેદાનમાંથી હટાવીને લોકશાહીના મહાયજ્ઞને અભડાવ્યો છે. ચાલો માની લઇએ કે આવું બનવું જોઇતું હતું, પરંતુ વાત આટલે સુધી પહોંચી ત્યાં સુધી કોંગ્રેસ નેતૃત્વ ગાફેલ રહ્યું. મુકેશ દલાલના બિનહરીફ ચૂંટાવાને બંધારણ ખતમ કરવાનું ષડયંત્ર કહેનારાઓએ જો તેઓને અન્યાય થયો હોય તો તેઓએ કોર્ટમાં જઈ દાદ માગવી જોઈએ. સુરતની લોકસભાની ચૂંટણી યોજના સામે `સ્ટે' મળે એવાં પગલાં લેવાં જોઈએ. તેઓએ સત્તાપક્ષ વિરુદ્ધ ઝુંબેશ આરંભવી જોઈએ, પણ કોંગ્રેસે આમાંથી કંઈ કર્યું નથી તેને લઈ ચોરની મા `કોઠીમાં મોઢું સંતાડીને રડે -' એવો ઘાટ થયો છે. અરૂણાચલ પ્રદેશની હાલની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવારને નિર્વિરોધ ચૂંટાયેલા ઘોષિત કરવામાં આવ્યા છે. 1951થી અત્યાર સુધી થયેલી સંસદીય ચૂંટણીમાં ઓછામાં ઓછા 34 અન્ય ઉમેદવાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વાસ્તવમાં રાહુલ ગાંધીના નાના જવાહરલાલ નેહરુ દેશના વડાપ્રધાન હતા ત્યારે સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ જીત હાંસલ કરનારાઓમાં વાય.બી. ચવ્હાણ, ફારુક અબદુલ્લા, હરેકૃષ્ણ મહેતાબ, ટી.ટી. કૃષ્ણમાચારી, પી.. સઈદ અને એસ.સી. જમીર સામેલ હતા. તો શું ત્યારે બંધારણની હત્યા થઈ હતી, રાહુલ ગાંધી આનો જવાબ આપશે ?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang