• શનિવાર, 18 મે, 2024

પૂંચમાં આતંકી હુમલો, પાંચ જવાન ઘાયલ

શ્રીનગર, તા. 4 : દેશમાં સામાન્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે લાંબા સમય બાદ કાશ્મીર ખીણમાં અશાંતિ સર્જવાના નાપાક ઈરાદે કરાયેલા આતંકવાદી હુમલામાં વાયુ દળના પાંચ જવાન ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. પૂંચના શાહસિતાર વિસ્તારમાં સુરક્ષા દળોના બે વાહન પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભારતીય વાયુ દળના ખાસ ગરુડ દળનો જવાનો હુમલો થયો તે સ્થળ પર તૈનાત કરી દેવાયા છે. ઈજાગ્રસ્ત જવાનોને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાષ્ટ્રીય રાઈફલ્સ તેમજ કાશ્મીર પોલીસના જવાનોએ ઘેરાબંધી કરી આતંકીઓને પકડી પાડવા તલાશી અભિયાન છેડયું હતું. વાયુ દળના વાહન સાથેના કાફલા પર થયેલા હુમલાની તસવીરો સામે આવી છે, જેમાં વાહનો પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે. દરમ્યાન, સંરક્ષણ તજજ્ઞ એવા નિવૃત્ત બ્રિગેડિયર વિજયસાગર ધીમાને જણાવ્યું હતું  કે, આ ભારતીય લોકતંત્ર પર કાયરતાપૂર્ણ હુમલો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ભારતમાં ઘૂસણખોરી કરાવતા એજન્સીના આકાઓના ઈશારે આતંકી હુમલો કરાયો છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ભારતમાં ચાલી રહેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયામાં અવરોધ, અજંપો સર્જવાના નાપાક ઈરાદા સાથે આ છીછરી હરકત કરાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang