• રવિવાર, 19 મે, 2024

નેતાઓના વિવાદી બોલથી બબાલ

કોંગ્રેસ ઉમેદવાર ચન્નીએ પૂંચના આતંકી હુમલાને સ્ટન્ટ ગણાવતાં ભાજપનો પલટવાર : નવી દિલ્હી, તા. 5 : પંજાબની જાલંધર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ પુંચમાં આતંકી હુમલા ઉપર સવાલ ઉઠાવ્યા છે. ચન્નીએ વાયુસેનાના કાફલા ઉપર શનિવારે સાંજે થયેલા હુમલાને સ્ટંટબાજી ગણાવ્યો છે. ચન્નીએ કહ્યું હતું કે, સ્ટંટબાજી છે. હુમલા નથી થઈ રહ્યા. ગયા વખતે પણ ચૂંટણી સમયે આવો સ્ટંટ કરવામાં આવ્યો હતો અને ભાજપને જીતાડવાનું કામ કર્યું હતું. ભાજપને જીતાડવાના સ્ટંટ હોય છે તેમાં હકીકત હોતી નથી. પુર્વ સીએમએ કહ્યું હતું કે લોકોને મરાવવા અને તેની લાશો સાથે રમત કરવી ભાજપને આવડે છે.બીજી તરફ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, સિપાહી દરરોજ શહીદ થાય છે પણ સરકાર મૌન છે. ભાજપે ચન્નીના નિવેદન ઉપર પલટવાર પણ કર્યો હતો અને કહ્યું હતું કે આનાથી બદતર માનસીકતા શું હોય શકે ? તો કોંગ્રેસના લોહીમાં છે. જ્યારે અનુરાગ ઠાકુરે પણ ચન્નીને ઘેર્યા હતા. ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે તમામ સ્ટંટ છે. આતંકી હુમલા નથી. ભાજપનો ચૂંટણી પહેલાનો સ્ટંટ છે. તેમાં કોઈ હકીકત નથી. ભાજપ લોકોના જીવન અને શરીર સાથે રમે છે. આવા હુમલા પુર્વ નિયોજીત છે અને ભાજપની ચૂંટણીની સંભાવનાઓને મજબુત કરવા માટે તેને અંજામ આપવામાં આવે છે. ચન્નીએ કહ્યું હતું કે ચૂંટણી આવતા આવા સ્ટંટ કરવામાં આવે છે. મામલે પલટવાર કરતા ભાજપ નેતા મનજિંદર સિરસાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં વાયુસેનાનો એક જવાન શહીદ થયો છે અને ચારને ઈજા પહોંચી છે. કોંગ્રેસના ચરણજીત ચન્ની તેને સ્ટંટ ગણાવે છે અને કહે છે કે ચૂંટણીના કારણે શહીદ કરવામાં આવ્યા છે. આનાથી બદતર માનસિકતા શું હોઇ શકે ? કોંગ્રેસના લોહીમાં છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસની ખુબ હલકી માનસિકતા છે. જે જેણે પોતાની સેનાના જવાનોને સશક્ત કરવાને બદલે, હથિયાર આપવાને બદલે 10 વર્ષ સુધી કમિશન ખાવાની રાહ જોઈ હતી. બીજી તરફ મોદી સરકાર છે જેણે ડોકલામમાં અતિક્રમણનો જડબાતોડ જવાબ આપ્યો છે. - મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા વિજયે કહ્યું, કરકરેનું મોત  કસાબની નહીં, સંઘ સમર્થિત પોલીસની ગોળીથી : મુંબઈ, તા. 5 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા તે વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણ શરૂ થયું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વાડેત્તીવારે ભાજપના ઉમેદવાર અને 26-11ના આતંકી હુમલાના કેસમાં વકીલ રહેલા ઉજ્જવલ નિકમ પર આરોપ લગાવ્યો હતો કે, તાજ હોટેલ  પરના હુમલામાં એટીએસના પૂર્વ વડા હેમંત કરકરેને અજમલ કસાબની બંદૂકની નહીં, પણ આરએસએસ સમર્પિત પોલીસ અધિકારીની ગોળી વાગી હતી. નિકમે હકીકત છુપાવીને દેશદ્રોહ કર્યો હતો.?આવા દેશદ્રોહીને ભાજપે ટિકિટ આપી પોતાનું સમર્થન આપ્યું છે તે આશ્ચર્યની વાત છે. જો કે, બાદમાં વાડેત્તીવારે ફેરવી તોળ્યું હતું. નિવેદન બાદ ભાજપે પણ પલટવાર કર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, વાડેત્તીવારે આરોપ લગાવ્યો હતો કે, આતંકી હુમલામાં સરકારી વકીલ રહેલા નિકમને ભાજપે ટિકિટ આપી, જેમણે 26-11ના હુમલાના તથ્યોને છુપાવી દેશદ્રોહ કર્યો છે. ભાજપ આવા દેશદ્રોહીને શા માટે બચાવી રહી છે તેવો સવાલ પણ કર્યો હતો. જો કે, વાડેત્તીવારના નિવેદન બાદ પલટવાર કરતાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું હતું કે, પક્ષને ખુશ કરવા અને ખાસ વોટબેંકને આકર્ષવા પ્રકારનું નિવેદન આપનારા કોંગ્રેસના વિપક્ષી નેતા વિજય વાડેત્તીવારે સાબિત કર્યું છે કે, કોંગ્રેસે આતંકવાદીઓને ક્લીનચિટ આપી દીધી છે. તેમના મતે હેમંત કરકરેજી પર કસાબે ગોળીબાર કર્યો નહોતો. આતંકવાદીઓને સમર્થન આપવામાં કોંગ્રેસને જરા પણ શરમ આવી તેવો સવાલ કર્યો હતો. મારી ઉમેદવારીથી કોંગ્રેસ પક્ષ ડરી ગયો છે, તેથી મને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે અને વિજય સાળસકરના મૃત્યુ અજમલ કસાબ અને અબુ ઇસ્માઇલની ગોળીથી થયા હોવાના પુરાવા મેં અદાલતમાં આપ્યા હતા અને બાબત અદાલતે પણ સ્વીકારી છે, એમ વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર અને ભાજપના ઉત્તર મધ્ય મુંબઈના ઉમેદવાર ઉજ્જવલ નિકમે જણાવ્યું છે. ભાજપના આગેવાન અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, અમે ઉજ્જવલ નિકમને લોકસભાની ઉત્તર મધ્ય મુંબઈની બેઠકની ઉમેદવારી આપી હોવાથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તેમની બદનામી કરી રહ્યા છે. અમારા વિરોધીઓને આતંકવાદી અજમલ કસાબની ચિંતા છે, એમ ફડણવીસે ઉમેર્યું છે. જો કે, ભાજપના હુમલા બાદ વાડેત્તીકરે પોતાના નિવેદનને ફેરવી તોળતાં કહ્યું હતું કે, શબ્દો મારા નથી, પણ મેં પૂર્વ પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે 2009માં લખેલા પુસ્તક `હુ કિલ્ડ કરકરે'માંથી સંદર્ભ મેળવી કહ્યું હતું, જેમાં મુશરીફે સવાલ કર્યો હતો કે, નિકમે શા માટે તથ્યો છુપાવ્યા કે, તેમને જે ગોળી વાગી તે કસાબની બંદૂકમાંથી નીકળી નહોતી, પણ આરએસએસ સમર્પિત પોલીસ અધિકારીની બંદૂકમાંથી નીકળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang