• રવિવાર, 19 મે, 2024

લોકશાહીનો મર્મ, મતદાનનો ધર્મ

તંત્રી સ્થાનેથી.. 18મી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલે 7મીએ ગુજરાતની 26 બેઠક પર એકસાથે મતદાન થશે. પહેલા બંને દોરમાં સરેરાશ 64થી 65 ટકા મતદાન નોંધાયા પછી કચ્છ અને ગુજરાતની જનતા તેમના જનપ્રતિનિધિ ચૂંટી કાઢવા કેવોક ઉત્સાહ દર્શાવે છે એની પર મીટ મંડાઇ છે. ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે અને પ્રક્રિયામાં ઉલ્લાસભેર ભાગ લેવો દરેક નાગરિકનો ધર્મ?છે, કર્તવ્ય છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને રાજકારણને લગતાં અમુક ઉલટ-સુલટ સમીકરણોને લીધે મતદાનને અસર તો નહીં થાય ને એવી છાની દહેશત સાથે રાજકીય પક્ષો જોમ-જુસ્સાથી પ્રચારમાં લાગેલા છે. ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત યોજાય માટે પંચે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. કચ્છને સંબંધ છે ત્યાં સુધી એકંદરે પ્રચાર શાંત રહ્યો. રૂપાલા મુદ્દે ક્ષત્રિયોની નારાજગી અને ભાજપ દ્વારા મનામણાના પ્રયાસ સિવાય ખાસ કોઈ ધ્યાનાકર્ષક પરિબળો ઉપસ્યાં નહીં. ચૂંટણી ભારે મહત્ત્વ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ત્રીજી મુદ્દત માટે જનાદેશ માગી રહ્યા છે, તો કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોના ઈન્ડિ?જોડાણે 10 વર્ષ?પછી ભાજપને ફરીવાર વિરોધપક્ષમાં બેસાડવા કમર કસી છે. ચૂંટણીના મુદ્દાઓ અને રાજકીય પક્ષોના દાવા-પ્રતિદાવા પછી હવે નિર્ણાયક ઘડી છે, એટલે મતદારો શાણપણથી પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીને દેશનિર્માણની પ્રક્રિયામાં સહયોગ આપે જરૂરી છે. ગુજરાતની વાત કરીએ, તો કુલ 4.97 કરોડ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 12 લાખ 20 હજાર 438 મતદાર યુવા છે, જે પ્રથમ વાર ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે. ગુજરાતના 10,036 મતદાર શતાયુ વયના છે. પણ આપણી સમાજ વ્યવસ્થાની ખૂબી છે. મતદાન વધુમાં વધુ થાય માટે ચૂંટણીપંચે જાગૃતિના અનેક કાર્યક્રમ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મતદારોને સંદેશ આપ્યો છે કે, વિકસિત ભારતના નિર્માણની જવાબદારી યુવાનોની છે. `વોટ ફોર ઇન્ડિયા' ઝુંબેશ હેઠળ મતદાન જાગૃતિના જિલ્લામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજાયા છે. કચ્છમાં મંગળવારે 1845 બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પુરવાર કરવા માટે 50 ટકા એટલે કે 924 મતદાન મથક પર લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. વખતે સંવેદનશીલ મતદાન મથકો જુદાં તારવવાને બદલે તેનો વિશેષ કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વખતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કોઇ દિગ્ગજ નેતા કચ્છ નથી આવ્યા. પ્રદેશ કક્ષાના નેતાઓ પ્રચાર કરી ગયા. ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ આવ્યા બાદ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને સેલિબ્રિટી મહિલા નેતા નવનીતકૌર રાણા છેલ્લા દિવસોમાં રોડ-શો કરી ગયા. જિલ્લા સ્તરે પ્રચારમાં સ્થાનિક મુદ્દા ઊઠતા હોય છે, ચર્ચાતા હોય છે, પરંતુ સંસદની ચૂંટણીમાં જનાદેશ રાષ્ટ્રીય પ્રવાહને અનુરૂપ રહેતો હોય છે, એટલે લોકસભા ચૂંટણીનો નશો અને દબદબો ઊંચો હોય છે એમ કહી શકાય. લોકશાહીનો ઉત્સવ એવી ચૂંટણી રોમાંચક ઘટના છે અને હોવી જોઇએ. કેમ કે, દેશનાં ભવિષ્ય પર મહોર મારવાની હોય છે. એક જમાનો હતો જ્યારે શેરી-મહોલ્લા રસ્તા પર રાજકીય ચિહ્નોવાળાં તોરણ-ધ્વજા-પતાકા લાગતાં અને કાર્યાલયો પર ધમધમાટ અને નાસ્તા-પાણીની જ્યાફત ઊડતી. આદર્શ આચારસંહિતા અને ઉમેદવારો માટે ખર્ચની લગામ આવી ગયા પછી દેખાતી રોનક ઓછી થઇ છે. જમાના સાથે ચૂંટણીની વ્યૂહરચના અને પદ્ધતિએ બદલાઇ છે. કચ્છ જેવાં વિશાળ સંસદીય ક્ષેત્રમાં મતદારો સુધી પહોંચવાનું કામ હંમેશાં પડકારભર્યું હોય છે. માટે ઉમેદવારોએ રાત-દિવસ એક કરવાં પડે. કચ્છમિત્રએ કચ્છની અને એક મોરબીની મળીને સાતેસાત વિધાનસભા મતવિસ્તારનો ચકરાવો લીધો, તેમાં માહોલની નીરસતા એક મોટું પરિબળ ઊભર્યું હતું. વેકેશન અને લગ્નની સિઝન કે ગરમી સ્વાભાવિક વાત છે, પરંતુ આમ નાગરિક રાજકારણ પ્રત્યે ઉદાસીન બનતો જાય ચિંતાનો વિષય છે. જાગૃત મતદારો અને બુદ્ધિજીવીઓની વ્યથા કેટલાક અંશે સાચી છે કે, કચ્છ, ગુજરાત કે દેશના પ્રશ્નો, મહત્ત્વના મુદ્દાઓ પર તંદુરસ્ત ચર્ચા ક્યાં થાય છે ? જ્યારે જોઇએ, સાંભળીએ ત્યારે એકબીજાને ઉતારી પાડવાની હાયવોય સાંભળવા મળે. વખતે રાષ્ટ્રીય સ્તરે પ્રચાર કલુષિત રહ્યો, પણ કચ્છમાં ભાજપ ઉમેદવારે જિલ્લાના વિકાસ માટે લેવાયેલાં પગલાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે જે કરવાનું આયોજન છે એના ઉપર કેન્દ્રિત રહીને પ્રચાર ચલાવ્યો નોંધનીય બાબત છે. લોકશાહીને ધબકતી રાખવા માટે સ્થિતિમાં બદલાવ લાવવાનું કામ નાગરિકે કરવાનું છે, તેથી નીરસતા કે નકારાત્મક મનોસ્થિતિ ત્યજીને મતદાતાએ ઊલટભેર બહાર નીકળવાની જરૂર છે. ચૂંટણી લગ્ન કે મરણ જેવો સામાજિક અનિવાર્યતા ધરાવતો પ્રસંગ લેખાવો જોઇએ. મતદાન ભલે ફરજિયાત નથી, પરંતુ ફરજિયાત સમજીને કોઇ પણ સંજોગોમાં કર્તવ્ય બજાવવાની ચિંતા સૌએ કેળવવી રહી. `મતદાન નહીં કરું તો કોઇને ફરક નહીં પડે' માનસિકતા ત્યજીને સૌએ પોલિંગ બૂથ સુધી પહોંચવાનું છે અને બીજાઓને માટે પ્રેરિત કરવાના છે. દેશના નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવવાની આપણા સૌ કોઇની ફરજ છે. મતદાતાને એક દિવસનો સુલતાન કહેવાય છે.  તેમના એક મતની કિંમત ઘણી ઊંચી છે. કેમ કે, એક મત ઘણીવાર બાજી પલટી નાખે છે. 1998માં લોકસભામાં અટલ બિહારી વાજપેયીની સરકારનું માત્ર એક મતથી પતન થયું હતું રખે ભૂલાતું. લોકશાહીની તો બલિહારી છે. ચૂંટણીને કુરુક્ષેત્ર કહીએ તો મત લડાઇનું અમોઘ શત્ર છે અને તેના ઉપયોગથી કોઇને પણ સત્તા પરથી ઉખાડી શકાય છે કે સ્થાપિત કરી શકાય છે. દેશનો બહુ ચર્ચિત ઇતિહાસ વાતનો સાક્ષી છે કે, કટોકટી લાદ્યા પછીના ગાળામાં 1977માં ચૂંટણી યોજાઈ ત્યારે મતદારોએ ઇન્દિરા ગાંધીને જાકારો આપ્યો. મતક્રાંતિને દુનિયાભરમાં નવાજાઇ હતી, પણ મતદાતાઓએ ત્રણ વર્ષ પછી ઇન્દિરાજીને પાછાં સિંહાસને બેસાડયાં. કચ્છની વાત કરીએ તો ગુજરાત રાજ્યની રચના પછીની આઠ ચૂંટણીમાં કચ્છે એક પણ નેતાને ઉપરા ઉપરી બેવાર ચૂંટયા નહોતા, પણ 1996 પછી મતદારોએ ભાજપના ઉમેદવાર પુષ્પદાન ગઢવીને લગાતાર ચારવાર ચૂંટીને દિલ્હી મોકલ્યા હતા. મતદારોએ મંગળવાર 7મી મેના વિક્રમી મતદાન કરીને જાગૃતિ બતાવવાની છે. કચ્છમાં વખતે 16,45,363 મતદાર મતાધિકારનો પ્રયોગ કરશે. મોરબીના 2.89 લાખ મતદાર લેખીએ તો કચ્છની બેઠકનો ફેંસલો 19.35 લાખ મતદારના હાથમાં જાય છે, જેમાં 9.96 લાખ પુરુષ અને 9.38 લાખ ત્રી અને અન્ય 29 મતદારનો સમાવેશ થાય છે. 2019 પછીનાં પાંચ વર્ષમાં ઘણું બદલાઇ ગયું છે. 2014માં કોંગ્રેસનાં દસ વર્ષનાં શાસનને તિલાંજલિ આપવાનો નારો લઇને નરેન્દ્ર મોદી તાજગીભર્યા ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા અને ભાજપને વિક્રમી વિજય અપાવીને સત્તા કબજે કરી હતી. 2019માં મતદારોએ પાંચ વર્ષની કામગીરીનો હિસાબ લેતાં મેરિટમાં પાસ કરીને સત્તા સોંપી. હવે ત્રીજીવાર જનાદેશ માગી રહ્યા છે. રાહુલ ગાંધી દસ વર્ષ દરમ્યાન દેશભરમાં ફરી વળ્યા અને કોંગ્રેસ પ્રમુખપદ મૂક્યા પછી પણ પક્ષના સર્વેસર્વા તરીકે ઉપસ્યા છે. દેશ માટે યોગ્ય અને સક્ષમ નેતૃત્વની પસંદગીનો ફેંસલો આપવાની ઘડી આવી પહોંચી છે. કાલે સૌ કોઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને કરાવજો. આપણે કોઇ પક્ષનું કે નેતાનું નહીં, આપણું પોતાનું ભાવિએ ઘડવાનું છે. નવાં ભારત, વિકસિત ગુજરાત અને તેજસ્વી કચ્છનાં નિર્માણ માટે સશક્ત, સમર્થ અને આરામદાયક બહુમતી ધરાવતી સરકાર સપનાં સાકાર કરી શકશે. ભૂલ કરી તો પાંચ વર્ષ પસ્તાવું પડશે રખે ભૂલાતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang