• રવિવાર, 19 મે, 2024

પ્રચારના બૂંગિયા બંધ, કાલે મતદાન

અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની 25 બેઠકો પર લોકસભાના ત્રીજા તબક્કાનું 7મી મેના મંગળવારના મતદાન યોજાનાર છે. જેનો પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં બાઇક રેલી, રોડ શો, ધ્વજારોહણ, જનસભા યોજી તમામ તાકાત કામે લગાવી દીધી હતી. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર માટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે. આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે. ઉપરાંત લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.  અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે.  તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત તમામ જિલ્લાઓમાં 'ડ્રાય-ડે' જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા એક્ઝિટ અને ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં. મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે. 7 મેએ રાજ્યમાં હીટવેવની આગાહી છે, જેને લઇને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર મેડિકલ કીટ, જરૂરી દવાઓ અને ઓઆરએસ પણ ઉપલબ્ધ રહેશે, સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે. બીજી તરફ ચૂંટણી પંચ હવે ઈવીએમ સ્થળ પર પહોંચાડવા, પાલિંગ મથકોએ સુરક્ષાની સ્થિતિ સહિતની તમામ જરૂરી કામગીરીમાં જોતરાશે. ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારોછે જેઓ 50, 788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. એક બેઠક સુરત પર ચૂંટણી નથી થવાની કારણ કે ત્યાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે, એટલે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang