• રવિવાર, 19 મે, 2024

ભુજના ક્રિકેટ મેદાનમાંથી ગૌમાંસના જથ્થા સાથે માધાપરનો યુવક પકડાયો

ભુજ, તા.  5 : થોડા દિવસો પૂર્વે માંડવીના રહેણાક મકાનમાં ચાલતાં કતલખાનાનો પર્દાફાશ થયો હતો, જ્યાંથી ગૌમાંસના જથ્થા સાથે આરોપીની અટક બાદ અન્ય ચાર સહઆરોપીના પણ નામ ખૂલતાં અટક થઈ હતી. બનાવના લખાણની હજુશાહી પણ નથી સુકાઈ, ત્યાં બે દિવસ પૂર્વે ભુજમાં શંકાસ્પદ સાડા ચાર કિલો માંસના જથ્થા સાથે માધાપરના યુવકને પોલીસે ઝડપી લીધા બાદ પરીક્ષણમાં તે માસનો જથ્થો ગૌમાંસનો નીકળતાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ હતી. ગત તા. 3/5ના બી-ડિવિઝનના હે.કો. અરવિંદભાઈ ડી. વણકર તથા રાણાભાઈ કે. રાણાને ભુજના હંગામી આવાસના ક્રિકેટ મેદાનથી ગફુર ઉર્ફે ભુરો અદ્રેમાન સમા (.. 19, રહે. માધાપર) પાસેથી તેની એક્ટિવામાંથી શંકાસ્પદ આશરે સાડા ચાર કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. એક્ટિવા જી.જે. 12 એચ.બી. 0677 કિં. રૂા. 10,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ગફુર પાસેથી મળી આવેલા શંકાસ્પદ માંસને પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. રાજકોટ ખાતે મોકલાતાં તેના પૃથક્કરણમાં માંસ ગૌવંશનું હોવાનું અહેવાલમાં આવ્યું હોવાથી આરોપી ગફુર વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમો તળે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન, જથ્થો તે ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ આદરતાં કેસમાં અન્યોના પણ નામ ખૂલવાની પુરી શક્યતા જોવાઈ રહી છે. કામગીરીમાં પી.આઈ. આર.જે. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ હે.કો. અરવિંદભાઈ, રાણાભાઈ, કોન્સ. રાજ આર. જેસર, પ્રકાશભાઈ એસ. ઠાકોર, વિજય ઠાકોર, કિરીટસિંહ જી. જાડેજા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang