• શનિવાર, 18 મે, 2024

જીએસટીની રેકોર્ડ આવક

ભારતીય અર્થતંત્રના વિકાસ અને મજબૂતી અંગે વ્યક્ત થતી આશંકાઓના જવાબ આપે એવો પૂરવો સામે આવી ચૂક્યો છે. ચૂંટણીના ધમધમાટના કોલાહલ વચ્ચે દેશ માટે ભારે રાહત આપે એવા સમાચારની બહુ નોંધ નથી લેવાઇ કે, ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ મહિનામાં  જીએસટીની આવક રેકોર્ડ 2.10 લાખ કરોડ રૂપિયાને આંબી ગઇ છે. વર્ષ 2024 /25ના એપ્રિલ મહિનામાં થયેલી અધધ આવકે નવા નાણાંકીય વર્ષના આવકાદાયક અને આનંદદાયક આરંભની પ્રતીતિ કરાવી છે. વાર્ષિક સરેરાશની સરખામણીએ જીએસટીની આવક 12.4 ટકા જેટલી વધુ રહી છે. અગાઉ જીએસટીની વધુમાં વધુ માસિક આવક 1.87 લાખ કરોડ રૂપિયા રહી હતી. ગયા વર્ષની સરખામણીએ એપ્રિલ મહિનાની આવક 17.1 ટકા વધારે રહી છે. સરકારે એપ્રિલ મહિના દરમ્યાન 18 હજાર કરોડના રિફન્ડ આપ્યા તેને બાદ કરતાં જીએસટીની નેટ આવક 1.92 લાખ કરોડ રહી છે.  સમગ્ર નાણાંકીય વર્ષના આંકડા જોઇએ, તો વર્ષ 2023/24માં જીએસટીની આવક 20.18 લાખ કરોડ રૂપિયા રહી છે, તેના આગલા વર્ષે એટલે કે, વર્ષ 2022/23માં આવક 20 લાખ કરોડ રૂપિયા હતી.   સ્વાભાવિક રીતે જીએસટીની આવક દેશના અર્થતંત્રના વિકાસનો પૂરાવો બની રહી છે.  ઉલ્લેખનીય છે કે, નવા નાણાંકીય વર્ષમાં વેપારી ગતિવિધિમાં ઊછાળો આવ્યો છે, ભારે ગરમીને લીધે દેશમાં એસી અને રેફ્રિજરેટરનું વેચાણ વધ્યું છે. પેટ્રોલના વેચાણમાં 12.3 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં રાંધણગેસના વેચાણમાં 12 ટકા વધારો નોંધાઇને તે 24.5 લાખ ટને પહોંચ્યું છે.  વીજળીના વપરાશમાં 11 ટકાનો વધારો થયો  છે. એક તરફ અર્થતંત્રની સામે મોંઘવારીનો ઊંચો દર પડકારરૂપ બની રહ્યો છે, તો બીજી તરફ શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી જાળવી રાખી છે.  સોનાના ભાવ વૈશ્વિક રીતે ભારે ઊંચા રહ્યા હોવા છતાં ભારતની સોનાની આયાત વધી છે. તમામ બાબતો બતાવે છે કે, ભારતીય અર્થતંત્ર મજબૂત છે. મોદી સરકારે દેશના અર્થતંત્રમાં પારદર્શકતા આણવાના શ્રેણીબદ્ધ પગલાં લીધા છે, જેની અસર વર્તાઇ રહી છે.  હવે સરકારે જીએસટીના બીજા સંસ્કરણની શરૂઆત કરી દેવી જોઇએ.  ચૂંટણી બાદ કેન્દ્રમાં નવી સરકારની રચનાની સાથે જીએસટીમાં સુધારાના નવા તબક્કાનો વિના વિલંબે આરંભ કરાય તે ભારે જરૂરી બની રહેશે. ખાસ તો  સરકારે જીએસટીના ચારની જગ્યાએ ત્રણ સ્લેબ કરવા તથા પેટ્રોલિયમ ઉત્પાદનો, કુદરતી વાયુ અને હવાઇ  ઇંઘણને જીએસટી હેઠળ આવરી લેવાનું હિંમતભર્યું પગલું લેવું જોઇએ.    વર્ષ ચૂંટણીનું હોવાથી દેશમાં રોકડની રેલમછેલ રહેશે, એવી માન્યતાને કોઇ નકારી શકે તેમ નથી.  નવી સરકારે હકારાત્મક માહોલનો ફાયદો લઇને જીએસટીના સુધારા સ્તવરે હાથ ધરવા રહ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang