• શનિવાર, 18 મે, 2024

ધર્મ (નાં નામે) યુદ્ધ...

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ચૂંટણી - પ્રચારસભામાં રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું કે, ધમકી આપી કે મોદી સત્તા ઉપર આવે તો દેશમાં આગ લાગશે. ઉદ્ગાર અને ધાકધમકીના કારણમાં નિરાશા, હતાશા હશે એવી ધારણા હતી, પણ તે ભૂલભરેલી હતી ! અમિત શાહના ભાષણનો બનાવટી - તરકટી વીડિયો વાયરલ થયો તેના પરિણામે ધમકી પાછળનાં `કાવતરાં' પર્દાફાશ થયાં છે. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રની જાહેર સભાઓમાં લોકોને સાવધાન કર્યા છે. `ભારતમાં સામાજિક તંગદિલીની આગ ભડકાવવાનાં કાવતરાંનો તરકટી વીડિયો એક ભાગ છે.' ચૂંટણીમાં વિક્ષેપ નાખવા ધમાલ થાય તે સામે સાવધાન કર્યા છે. ઇન્ડિ મોરચો બનાવ્યા પછી  અથવા તો બનાવવા પાછળ વ્યૂહ મોદીને હટાવવા માટે દેશભરમાં અસંતોષ, રોષ અને અરાજકતા - ચૂંટણી દરમિયાન શરૂ કરવાનો વ્યૂહ હતો અને સંવિધાન બચાવવાનાં નામે મોદી અને હિન્દુત્વ ઉપર હુમલો કરવો. સનાતન ધર્મ ઉપર હુમલા થયા ત્યારે રાહુલ ગાંધીનું મૌન સંમતિસૂચક હતું. આખરે ધર્મનાં નામે યુદ્ધ શરૂ ર્ક્યું છે. લવજિહાદ અને વોટજિહાદની હાકલ થઈ છે. છૂટી-છવાઈ હિંસા શરૂ થઈ છે. વાસ્તવમાં ભારતમાં અશાંતિની આગ ભડકાવવાના વ્યવસ્થિત - આયોજિત પ્રયાસ - થઈ રહ્યા છે અને તેમાં સ્વદેશી અને વિદેશી હાથનો સાથ છે ! ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાં વર્ષ 2021થી મોદી હટાવોની તૈયારી શરૂ થઈ હતી. 2024ની ચૂંટણીમાં ગમે તે ભોગે મોદીને હટાવવાના પ્લાન તૈયાર થયા. લંડનમાં અને નવી દિલ્હીમાં દેશી અને વિદેશી કાવતરાખોરોની ગુપ્ત બેઠકો થઈ હતી. વિશેનો વિશેષ અહેવાલ લંડનના `સન્ડે ગાર્ડિયન'માં પ્રકાશિત થયો હતો, તેના આધારે જન્મભૂમિ-પ્રવાસીના અંકમાં અપાયેલો લેખ સંક્ષિપ્તમાં આજે અત્રે આપ્યો છે. ચૂંટણી પ્રચાર - કુપ્રચારની શરૂઆત થઈ, ત્યારે સંવિધાન બચાવો - પરિવાર બચાવોની બુમરાણ થવા લાગી. પહેલાં ઇન્ડિ મોરચાના ભાગીદાર પક્ષ ડીએમકેના નેતાઓએ સનાતન ધર્મને કેન્સરની જેમ ખતમ કરવાનો પ્રચાર શરૂ કર્યો. અયોધ્યામાં શ્રી રામમંદિરનાં નિર્માણ પછી હિન્દુ અને હિન્દુત્વ ઉપર આક્રમણ શરૂ થયું, પણ તેની અવળી અસર પડી. હિન્દુ જાગૃત અને સક્રિય બન્યા. દરમિયાન રાહુલ ગાંધીના અમેરિકા સ્થિત ગુરુ ગુજરાતીભાઈ સામ પિત્રોડાનો ટીવી ઇન્ટરવ્યૂ વાયરલ થયો, જેમાં એમણે નાગરિકોની 50 ટકા સંપત્તિ સરકારને જાય - મળે અથવા હડપ કરી શકે અને તેનો ઉપયોગ ગરીબો માટે થાય એવો વિચાર વહેતો મૂક્યો, પણ આકસ્મિક નહીં, આયોજિત વિચાર - નિવેદન હતું. ચૂંટણીના પ્રચાર માટે મુદ્દો હતો કે કોંગ્રેસ સરકાર - રાહુલ ગાંધીની સરકાર આવે તો આવો કાનૂન આવે અને ગરીબી નાબૂદ થાય. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના ભવ્ય ભંગાણ પછી ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું અને પૂર્વ રાજવીઓના વિશેષાધિકાર અને સાલિયાણાં - સંવિધાનની ગેરંટી છતાં રદ કર્યા. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને બેન્ક લોન મેળાઓમાં લહાણી કરી... ઇતિહાસની નવી આવૃત્તિ પિત્રોડાએ લખી છે ! મોદી અને ભાજપે શહેરી નકસલવાદ સામે લોકોને સાવધ કર્યા ત્યારે - કોંગ્રેસને ભાન થયું કે, તો કાચું કપાઈ ગયું. વિરોધનો વંટોળ ઊઠી રહ્યો હતો ત્યાં કોંગ્રેસના `ન્યાયપત્ર'ની બીજી વાત બહાર આવી, ઓબીસી, એસસી, એસટી માટે આરક્ષણની જે વ્યવસ્થા છે તેમાં ધર્મના આધારે મુસ્લિમનો ભાગ અપાશે. સંવિધાનમાં ધર્મના આધારે આરક્ષણને મંજૂરી નથી. આર્થિક પછાત વર્ગમાં મુસ્લિમ પસમંદા તથા અન્યનો સમાવેશ છે. (મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી અપાતી આર્થિક સહાય ભેદભાવ વિના મુસ્લિમોને પણ મળી રહી છે) મોદીએ સબ કા વિકાસનું સૂત્ર આપ્યું તેનો અમલ થઈ રહ્યો છે, પણ કોંગ્રેસ હવે સેક્યુલરવાદ અને જનોઈધારી બ્રાહ્મણનો વેષ ઉતારીને માત્ર કોમવાદના આશરે છે. ભાજપે ઓબીસીના હક્ક છીનવાય નહીં - છીનવાશે નહીં એવી ગેરંટી આપ્યા પછી બાજી પલટાઈ ગઈ. પછાત વર્ગોના વોટ મળવાની આશા ઓસરી ગઈ ત્યારે અઈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ શરૂ થયો (ટેક્નોલોજી નિષ્ણાતોની ભરતી તો ત્રણ વર્ષ અગાઉ શરૂ થઈ હતી) અને અમિત શાહે ભાષણમાં કહેલા શબ્દો બદલવામાં આવ્યા - ઓબીસીના ભોગે - મુસ્લિમોને ધર્મનાં નામે આરક્ષણ નહીં મળે - તેના બદલે ઓબીસીને નહીં મળે - વાયરલ થયા પછી તાબડતોબ પગલાં ભરવામાં આવ્યાં. તેલંગણાના મુખ્ય પ્રધાનને દિલ્હી પોલીસની નોટિસ મળી. કોંગ્રેસી નેતાઓનાં ભેજાં વધુ `ફળદ્રુપ' છે - બચાવ એવો કર્યો કે, ટેક્નોલોજીનો ઉપયોગ ભાજપે કર્યો છે ! હકીકતમાં ભાજપ તો ઓબીસીના ક્વોટામાં કાપ મુકાય નહીં - મુકાશે નહીં એમ કહે છે. મોદી કહે છે કે, `હું જીવું છું ત્યાં સુધી આરક્ષણમાં કોઈ કાપ નહીં મુકાય' અને ધર્મના આધારે કોઈને આરક્ષણ નહીં અપાય. સંવિધાન બચાવોનાં નામે કોંગ્રેસનો પ્લાન ઓબીસીને ભડકાવવાનો હતો. ભૂતકાળમાં અયોધ્યાના રામમંદિર નિર્માણને બ્રેક મારવા માટે આરક્ષણનો મુદ્દો વીપી સિંહે ઉઠાવ્યા પછી સામાજિક અશાંતિ - હિંસાચાર થયો હતો તે કમનસીબ ઇતિહાસનું પુનરાવર્તન કરાવીને `સામાજિક પાપ' ભાજપના માથે ચડાવવાનો વ્યૂહ હતો ! મુખ્યપ્રધાન હતા ત્યારે મોદીએ હાથીની અંબાડીમાં સંવિધાનનો ગ્રંથ મૂકીને યાત્રામાં એમણે પદયાત્રા કરી હતી. રાહુલ ગાંધી ખિસ્સામાં સંવિધાનની પોકેટ બુક કાઢીને લોકોને બતાવે છે ! પણ સંવિધાન વિશે મોદી સામે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે ખરા? 2014માં મોદીને બહુમતી મળ્યા પછી કૃષિ - સુધારા વિરોધી આંદોલન કોંગ્રેસે કરાવ્યું. કિસાન આંદોલન - દિલ્હીના લાલ કિલ્લા ઉપર આક્રમણ અને તિરંગાનું અપમાન થયું - છતાં મોદીની કડક સૂચના હતી કે પોલીસે હળવા હાથે કામ લેવું. શીખ સમાજમાં ભારતવિરોધી વિદેશી ઘૂસણખોરો ભીંડરણવાલેના ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગતા હતા - પણ ફાવ્યા નહીં. પછી દિલ્હીની ભાગોળે હિંસાચારની ઘટનાઓ બનતી રહી. હવે નાગરિકત્વ ધારા સામે કોંગ્રેસ અને મમતા બેનરજી જાણે જંગે ચડયાં છે ! પાકિસ્તાન અને બાંગલાદેશમાં મુસ્લિમો `પીડિત' કેવી રીતે હોય - કે ભારતમાં આશ્રય લઈને નાગરિકત્વ મેળવે? આઝાદી પછી આસામમાં - ફખરુદ્દીનઅલી અહમદની મહેરબાનીથી આવા `નાગરિકો' વોટ બેન્ક બની બેઠા હતા ! હવે સંવિધાન બચાવવાના બહાને - ઓઠાં હેઠળ ઝનૂની કોમવાદ ભડકાવાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં મુસ્લિમોને લવજિહાદ માટે અને ભવિષ્ય માટે લડવાના એલાન થાય છે ! હિન્દુસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનની હાલત બદતર છે - ત્યાં આમ આદમી આવામ કહે છે. મોદી જેવા લીડર જોઈએ  અને આપણા દેશમાં `મોદી-હટાવો' ચાલે છે! વરિષ્ઠ વાચકોને સ્મરણમાં હશે કે 1969માં કોંગ્રેસના ભંગાણ વખતે અને પછી - ઇન્દિરા કોંગ્રેસે વોટ - અને સત્તા મેળવવા માટે મુસ્લિમ કોમવાદને પંપાળીને પોષ્યો હતો. ચૂંટણી વખતે સંસ્થા કોંગ્રેસના પ્રમુખ નીજલિંગપ્પાએ અમને - પત્રકારોને ગુજરાતીમાં છપાયેલું પોસ્ટર બતાવ્યું. ગૌમાંસ ખાવાનો અધિકાર બચાવો - ઇન્દિરા કોંગ્રેસને મત આપો - નીજલિંગપ્પાની આંખમાં આંસુ હતાં - આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે ? કેરળમાં મુસ્લિમ લીગ સાથે ઇન્દિરા કોંગ્રેસની સમજૂતી હતી અને બચાવ હતો કે અહીંના મુસ્લિમો અલગ છે - ઉત્તર ભારતથી જુદા છે ! 2014માં તો ખ્રિસ્તી સમાજ પણ હિન્દુ ભાજપનો વિરોધી હતો - જો કે, નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ લોકસભામાં કહ્યું હતું કે, ઈસાઈ સમાજ ભારતીય સંસ્કૃતિ જાળવે છે - પોષાક, નામ અને દેવળમાં દીવા - અગરબત્તી થાય છે - કોઈ દંગા ફસાદ થયા નથી. આમ છતાં મુંબઈમાં સેંટ ઝેવિયર્સના ફાધરે ચૂંટણી પહેલાં ફતવો બહાર પાડીને ભાજપને વોટ નહીં આપવા જણાવ્યું હતું ! પણ હવે કેરળ લવજિહાદનો ભોગ બન્યા પછી ખ્રિસ્તી સમાજ સાવધાન અને જિહાદના વિરોધમાં સક્રિય છે. પરિવર્તન છે - `સબ કા વિશ્વાસ' છે ! - વિદેશી હાથ, સ્વદેશી હાથા... : `ભારતમાં અત્યારે ચૂંટણીની મોસમ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે નરેન્દ્ર મોદીને હટાવવા માટે ભારતના હિતશત્રુઓ સક્રિય બન્યા છે. `િવદેશી હાથ' કદાચ સરકારી નહીં હોય તો પણ વિદેશીઓએ `સ્વદેશી' હાથ મિલાવ્યા છે ! અબજોપતિ અમેરિકન - વિવાદાસ્પદ જ્યોર્જ સોરોસ 2024માં ભારતમાં `લોકશાહી લાવવા' માટે બહાર પડયા છે ! હવે તેઓ જાહેરમાં મોદી અને ભારત સામે આવ્યા છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને ભારતમાં મોદીવિરોધી તત્ત્વોને મદદ કરી રહ્યા હતા. દરમિયાન વિદેશમાં રહેતા મૂળ ભારતના કેટલાક લોકો - વિદેશીઓની મદદથી મોદીને હરાવવા - હટાવવા કામે લાગ્યા છે એવો અહેવાલ બ્રિટિશ અખબાર `ગાર્ડિયન'માં પ્રકાશિત થયો છે, તેની વિગત જાણવી જરૂરી છે. ભારતવિરોધી કેટલાક આગેવાનો ભારતમાં તેમના મિત્રો સાથે મળીને યોજના તૈયાર કરી રહ્યા છે. `ગ્રુપ'ની બેઠક લંડનમાં અને નવી દિલ્હીમાં મળી છે - નવી દિલ્હીના મોતીબાગના બંગલામાં મળેલી બેઠકમાં એક પ્રખ્યાત વકીલ ઉપરાંત ડોક્ટરો અને આઇટીના નિષ્ણાત પણ હતા. આવી બેઠક બહાદુરશાહઝફર રોડ સ્થિત વકીલની ઓફિસમાં પણ મળી હતી. ઉપરાંત, ચાણક્યપુરીમાં એક વિદેશી એમ્બસીમાં પણ મળી હતી. `નાટો'ના સભ્ય નથી એવા યુરોપિયન દેશની એમ્બસી હતી ! એક વિદેશી ડિપ્લોમેટ પણ હાજર હતા. 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં - વર્ષે સપ્ટેમ્બર સુધીમાં મોદીવિરોધી આક્રમક પ્રચાર શરૂ કરવા માટે પીઆર એજન્સીઓ, માર્કેટિંગ પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રચાર શરૂ થશે.' જ્યોર્જ સોરોસે - 2014 પછી મોદી સરકારવિરોધી આંદોલનોને મદદ કરી છે. સંવિધાનની 370મી કલમ રદબાતલ થયા પછી કાશ્મીરમાં ભાગ ભજવ્યો છે, નાગરિકત્વના મુદ્દાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. માનવ અધિકારનાં નામે અને ડ્રગ્સવિરોધી કાર્યવાહીનો વિરોધ કર્યો છે ! તેઓ કહે છે કે ડ્રગ્સ કરતાં વધુ નુકસાન આવી કાર્યવાહીથી થાય છે ! `ઓપન સોસાયટી ફાઉન્ડેશન' નામની સંસ્થા એકસો જેટલા દેશોમાં ચાલે છે. એમની આવી સંસ્થામાં ડો. મનમોહનસિંહનાં પુત્રી પણ હોવાના અહેવાલ છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા યાત્રી - શેટ્ટી પણ સોરોસની સંસ્થામાં છે ! યાદી લાંબી છે - અબજો ડોલર લાંબા હાથ છે ! સોરોસના ભારતવિરોધી ભાષણ સામે મોદી પાસે રાષ્ટ્રવાદનું કવચ છે. હિન્દુ રાષ્ટ્રનાં સૂત્ર ગાજવા લાગ્યાં છે...

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang